અમદાવાદઃ બ્લેકના વ્હાઇટ ન કરી આપ્યા તો ટ્રસ્ટના માણસોએ રૂમમાં પૂરી ફટકાર્યા

News18 Gujarati
Updated: December 29, 2018, 8:34 PM IST
અમદાવાદઃ બ્લેકના વ્હાઇટ ન કરી આપ્યા તો ટ્રસ્ટના માણસોએ રૂમમાં પૂરી ફટકાર્યા

  • Share this:
હર્મેસ સુખડિયા, અમદાવાદ

અમદાવાદના એક ટ્રસ્ટમાં સેટીંગ કરીને બ્લેકના પાંચ કરોડ રૂપિયા વ્હાઇટ કરવા માટે આવેલા ચાર યુવકોની એકાએક ડીલ કેન્સલ કરતાં ટ્રસ્ટની વ્યકિતઓએ તેમને ઓફિસમાં ગોંધી રાખીને આખો દિવસ નગ્ન કરીને માર માર્યો. સમગ્ર ઘટનાને લઈને માધુપુરા પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.

જામનગરમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં સીનિયર ગ્રુપ ઓફિસર તરીકે નોકરી કરતાં જયદીપ ફ‌િલયાએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સ વિરુદ્ધમાં ગેરયકાદે ગોંધી રાખીને પાંચ લાખની ખંડણી માગવા બદલ ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે બે દિવસ પહેલાં જયદીપના મિત્ર મયૂરસિંહનો ફોન આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે પ્રકાશ ઉર્ફે સંજય જે જૂનાગઢ છે તેમની પાસે એક કંપની છે, જે કંપનીને ટ્રસ્ટમાં પાંચ કરોડ રૂપિયાનું દાન આપવું છે. ટ્રસ્ટમાં પાંચ કરોડ રૂપિયાનું દાન બતાવીને સાડા ત્રણ કરોડ રૂપિયા પરત લેવાના છે. કંપની હાલ અમદાવાદમાં આવા ટ્રસ્ટની શોધમાં છે. તમારી પાસે કોઇ અમદાવાદ શહેરના ટ્રસ્ટનો સંપર્ક હોય તો કરજો તેમ મયૂરસિંહે જયદીપને કહ્યું હતું અને પ્રકાશભાઇનો મોબાઇલ નંબર આપ્યો હતો.

જયદીપે જામનગરમાં રહેતા તેના મિત્ર વિવેકને ફોન કરીને ટ્રસ્ટમાં રૂપિયા આપવાની વાત કરી હતી. વિવેકના મિત્ર દીપક પરમાર પાસે એક ટ્રસ્ટ હોવાનું જપદીપને કહ્યું હતું. વિવેકે રાગીબહેન ‌બ‌િપનચંદ્ર સેવાકાર્ય ટ્રસ્ટનો એક કેન્સલ ચેકનો ફોટો જયદીપના વોટ્સએપ પર મોકલ્યો હતો. જયદીપે આ ચેકનો ફોટો સંજયભાઇને વોટ્સએપ મોકલી આપ્યો હતો અને ફોન પર વાત કરી કે અમદાવાદનું રાગીબહેન ‌બ‌િપનચંદ્ર સેવાકાર્ય ટ્રસ્ટ છે જે ટ્રાન્ઝેક્શન કરી આપશે. માધુપુરા નમસ્તે સર્કલ બોલાવતા જયદીપ, વિવેક અને તેનો મિત્ર દીપક નમસ્તે સર્કલ પહોંચી ગયા. ત્રણેય જણાએ ત્યાં વાતચીત કરી જેમાં જણાવ્યું કે કંપનીના ટ્રસ્ટના એકાઉન્ટમાં પાંચ કરોડ રૂપિયા આરટીજીએસથી મોકલી આપશે અને નક્કી થયા મુજબ ટ્રસ્ટમાંથી સાડા ત્રણ કરોડ રૂપિયા રોક્ડા આપશે. બાકીના દોઢ કરોડ રૂપિયા ટ્રસ્ટમાં દાન પેટે આપી દેવાના છે. આ કામ માટે પ્રકાશભાઇએ જયદીપને રપ લાખ રૂપિયા ક‌િમશન પેટે આપવાનું કહ્યું હતું.

બાદમાં વિવેકના મિત્ર દીપકે જયદીપને જણાવ્યું કે ગુરુદયાલસિંગ આવી ટ્રસ્ટની ઓફિસમાં લઇ જશે. ગુરુદયાલસિંગ આવ્યો અને નમસ્તે સર્કલની બાજુમાં રાજલક્ષ્મી બીલ્ડીંગમાં આવેલા ગૌરવ વિષ્ણુપ્રસાદ દવેની ઓફિસમાં લઇ ગયો હતો. ઓફિસમાં ગૌરવ વિષ્ણુપ્રસાદ દવે, નિલેશ પટેલ તથા અશ્વિન રબારી અને વિરલ જોષી નામના માણસો પહેલાંથી હાજર હતા. ગુરુપ્રસાદ તમામ લોકો સાથે જયદીપની ઓળખાણ કરાવ્યા બાદ જતો રહ્યો હતો. પાંચ કરોડ રૂપિયાના મામલે ગૌરવની જયદીપ સાથે વાતચિત થઇ ગયા બાદ તેણે ટ્રસ્ટના મનીષ બિપિનચંદ્ર ગોરને બોલાવ્યા હતા. થોડાક સમય પછી પ્રકાશભાઇ ઓફિસ આવ્યા હતા અને તેમણે ગૌરવ અને મનીષને કહ્યું હતું કે આલોકભાઇ આવ્યા નથી, જેથી કામ નહીં થાય અને તેટલામાં ગૌરવ, અશ્વિન, નિલેશ તેમજ મનીષ ચારેય લોકો પર ઉશ્કેરાયા અને લાકડીઓથી ફટકાર્યા હતા અને નગ્ન કરીને તેમને અંગૂઠા પકડાવ્યા હતા. જ્યારે તેમના પીઠ પર લાકડી મૂકીને ટોર્ચર કર્યા હતા. ગૌરવે તમામને કહ્યું હતું કે પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા કરો, નહીં તો તમને મારી નાખીશું. જયદીપે તેમના ભાઇને ફોન કરીને પાંચ લાખ રૂપિયા કરવાનું કહ્યું હતું જોકે તેના ભાઇએ સીધો પોલીસને ફોન કરીને સમગ્ર હકીકતની જાણ કરી હતી. ઉચ્ચ અધિકારીઓને સમગ્ર હકીકતની જાણ થતાં ગત રાતે માધુપુરા પોલીસે ચારેય યુવકને છોડાવ્યા હતા. પોલીસે ગૌરવ, અશ્વિન, નિલેશ તેમજ મનીષની ધરપકડ કરી બ્લેક મનીને વ્હાઇટ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું.
First published: December 29, 2018, 8:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading