અમદાવાદ: અમદાવાદમાં દાગીના ચોરીના બે ગુના (Theft Case) પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાંથી એક કેસમાં ઘરમાંથી 10 લાખથી વધારેની કિંમતના દાગીના ચોરાયા છે. જ્યારે બીજા બનાવમાં રિક્ષા (Rickshaw)માં બેઠેલા વૃદ્ધાએ થેલામાં રાખેલા આશરે 10 લાખ રૂપિયાની કિંમતના દાગીના ચોરી (Ornament Theft) લેવામાં આવ્યા છે. પ્રથમ બનાવમાં અમદાવાદ ખાતે રહેતા નિવૃત્ત મહિલા પ્રૉફેસરને શ્રાદ્ધ આપવા ભાઈના ઘરે જવું ભારે પડ્યું છે. નિવૃત મહિલા પ્રૉફેસર અને તેમના માતા ઘર બંધ કરીને ગાંધીનગર ગયા હતા ત્યારે તેમના ઘરમાંથી 10.46 લાખના દાગીના ગાયબ થઈ ગયા હતા.
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા રિઝર્વ સ્ટાફ પાસે રહેતા મીનાબેન પંડ્યા રાજકોટ ખાતેની એક કૉલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા. બાદમાં તેઓએ નોકરીમાંથી વી.આર.એસ લઈને તેમના માતા સાથે રહેતા હતા. ગત તા.4ના રોજ તેઓ તેમની માતા સાથે તેમના ઘરે તાળું મારીને તેમના પિતાનું શ્રાદ્ધ આપવા સારુ ગાંધીનગર ખાતે તેમના ભાઈના ઘરે ગયા હતા. તા. 7ના રોજ બપોરે મીનાબેન અને તેમના માતા ઘરે પરત આવ્યા હતા.
આ દરમિયાન તેમણે જોયું કે ઘરની અંદર દરવાજાની બાજુમાં આવેલી બારીની ગ્રીલ તૂટેલી હતી. ઘરની અંદર બેડરૂમમાં જઈને જોયું તો તિજોરી તથા પેટી પલંગ તથા કબાટનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. આ પેટી પલંગને લૉક માર્યું હતું અને તેની ચાવી કબાટમાં મૂકી હતી, તે પેટી પલંગની ચાવી જોતા કબાટમાં મળી આવી ન હતી. પેટી પલંગનું લૉક પણ તૂટેલું હતું. પેટી પલંગમાં તેઓએ દાગીના અને રોકડા રૂપિયા મૂક્યા હતા. ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થતાં જ તાત્કાલિક તેઓએ રાણીપ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. રાણીપ પોલીસે આ મામલે કુલ 10.46 લાખની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
લૉકડાઉન બાદ અમદાવાદ પરત ફરેલા વૃદ્ધાએ 9.84 લાખના દાગીના ગુમાવ્યા
મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદમાં રહેતા એક વૃદ્ધા રિક્ષામાં બેસીને ગામડેથી પરત આવતા ચોરીનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે. વૃદ્ધા અમદાવાદ ખાતેના ઘરેથી દાગીના લઇને માર્ચ મહિનામાં જ તેમના વતન જતા રહ્યા હતા. પરંતુ હાલ લૉકડાઉનમાં છૂટ મળતા તેઓ અમદાવાદ તેમના પુત્ર સાથે આવ્યા હતા. એસટી બસમાંથી ઊતરી વસ્ત્રાલ ખાતે ઉતર્યા બાદ તેઓ રિક્ષામાં બેસીને ઘરે જતા હતા. આ દરમિયાન રિક્ષામાં બેઠેલા શખ્સોએ નજર ચૂકવી 9.84 લાખના દાગીના ચોરી લીધા હતા. સમગ્ર મામલે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.
કેવી રીતે દાગીના ગુમ થયા?
મૂળ સુરેન્દ્રનગરના અને હાલ વસ્ત્રાલમાં રહેતા રમિલાબહેન પ્રજાપતિ તેમના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે. તેમના પતિ સુરેન્દ્રનગરના લીલાપુર ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. તેઓ માર્ચ મહિનાથી તેમના અમદાવાદના મકાનને તાળા મારીને ગામડે રહેવા જતા રહ્યા હતા. બાદમાં તેઓ સોમવારે લીલાપુર ગામથી એસટી બસમાં બેસી અમદાવાદ આવવા નીકળ્યા હતા. તેઓ અમદાવાદ ઉતરી રિક્ષામાં બેસી તેમના વસ્ત્રાલ ખાતેના ઘરે જતા હતા. રિક્ષામાં તેઓ બેઠા હતા અને આગળ ડ્રાઇવર સાથે તેમના પુત્ર પણ બેઠો હતો. સાથે રિક્ષામાં પાછળની સીટ ઉપર અન્ય શખ્સો પણ બેઠા હતા.
" isDesktop="true" id="1022693" >
વૃદ્ધા વસ્ત્રાલ ખાતેના તેમના ઘરે ઉતર્યા ત્યારે તેમના થેલાની ચેઇન ખુલી હતી. વૃદ્ધા જ્યારે અમદાવાદથી તેમના વતન ગયા હતા ત્યારે ઘરમાં રાખેલા તમામ દાગીના સાથે લઈ ગયા હતા. પરત આવ્યા ત્યારે આ દાગીના થેલામાં મૂકીને લાવ્યા હતા. રિક્ષામાં બેઠેલા શખ્સો તેમની નજર ચૂકવીને આ દાગીના ચોરી ગયા હતા. આ મામલે રામોલ પોલીસમાં તેઓએ 9.84 લાખના દાગીના ચોરાયા હોવાની ફરિયાદ આપી છે.