અમદાવાદ : સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવા ન્હાય. આજે આપણે બે ભાઈઓની સફળતાની એવી કહાનીની કે જે વાંચીને તમે પણ વિચારતા થઈ જશો. આ સફળતાની વાર્તા છે. અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં રહેતા બે ભાઈઓ દિવાળી બાદ આવતા નવા વર્ષ પછી તરત જ ઉત્તરાયણ માટે દોરી રંગવાનું કામ શરુ કરી દેતાં. આ દોરી રંગીને બંને ભાઈઓ સીએ અને સીએસ સુધીનો અભ્યાસ પુરો કર્યો છે. હાલ બંને કેનેડામાં સારી નોકરી કરી રહ્યાં છે.
પિતા ટાયરનાં ધંધા સાથે સંકળાયેલા છે
આમ તો ઉત્તરાયણ નજીક આવે એટલે મોટા ભાગે બાળકો કે યુવાનો પતંગ અને દોરી ખરીદી કરવાની તૈયારીઓ કરતા હોય છે. પરંતુ વાત છે અમદાવાદના બે ભાઈઓની કે જેઓ જ્યારે પણ ઉત્તરાયણ નજીક આવતી ત્યારે તૈયારી કરતા પોતાના અભ્યાસ માટેની રકમ ભેગી કરવાની. અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં રહેતા બિમલ દવે અને પ્રતિક દવેની આ વાત છે. ઉત્તરાયણ નજીક આવે તે પહેલાથી જ આ બંને ભાઈઓ દોરી રંગવાના વ્યવસાયમાં લાગી જતા. આમ તો તેમના પિતાને ટાયરની દુકાન હતી. ટાયરનાં ધંધા સાથે મુકેશભાઈ પોતે પણ ઉત્તરાયણ આવતા દોરી રંગવાનું કામ કરતા હતા.
મોટા ભાઇને જોઇને નાના ભાઇએ પણ દોરી રંગવાની શરૂ કરી
વર્ષ 1985થી તેઓએ સાબરમતી વિસ્તારમાં દોરી રંગવાની શરુઆત કરી હતી. પિતાના દોરી રંગવાના કામનો એ રંગ તેમના મોટા પુત્ર બિમલ દવેને પણ લાગ્યો. શરુઆતમાં બિમલ પિતા પાસે દોરી રંગવાનું કામ શીખતો અને ધીરે ધીરે તેનો દોરી રંગવાનો શોખ ધંધામાં પરિણમ્યો. ધોરણ 12 પછી અભ્યાસનો તમામ ખર્ચ કાઢવા તેણે દોરી રંગવાનું કામ શરુ કર્યું. ધીરે ધીરે બિમલનું દોરી રંગવાનું કામ જોઈને તેનો નાનો ભાઈ પ્રતિક દવે પણ દોરી રંગવાના કામમાં લાગી ગયો. આ બંને ભાઈઓની ખુદ્દારી એટલી કે યુવાવસ્થા આવી એટલે પોતાનો ખર્ચો પિતાના માથે નાખવાની જગ્યાએ ભણવાનો ખર્ચો તેઓએ પોતાના માથે ઉઠાવી લીધો હતો.
ઉત્તરાયણ પહેલાનાં 2 મહિનાથી જ દોરી રંગવાનું કામ શરુ દેતા હતા. બિમલને ભણીગણીને સીએ બનવું હતું. ભાઈની આ મહેનત જોઈને તેના નાનાભાઈ પ્રતિકે પણ તે દિશામાં જ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. બંને ભાઈઓ દોરી રંગવાના એ વ્યવસાયમાંથી જ સીએ, સીએસ બનવા સુધીની સફર ખેડી છે. બિમલ અને પ્રતિકના પિતાનું કહેવું છે કે, તેમના બંને દિકરા સમજણા થયા ત્યારથી તેઓએ અભ્યાસનો ખર્ચ તેમના પર નથી નાખ્યો. અભ્યાસનો તમામ ખર્ચ તેઓ જાતે જ કમાઈ લેતા હતા. બિમલ સીએ, સીએસ ઉપરાંત કેટની પણ તૈયારી કરતા હતા. હાલ બંને ભાઈઓ કેનેડામાં નોકરી કરી રહ્યાં છે. બિમલ દવે પોતે કેનેડામાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ કંપનીમાં ટ્રેઝરી મેનેજર તરીકે ફરજ બજાવે છે. તો બિમલનો નાનો ભાઈ પ્રતિક દવે પણ કેનેડા ગવર્મેન્ટમાં ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યો છે. એક ફિલ્મી ડાયલોગ પણ છે કે, કોઈ કામ છોટા નહિ હોતા, ઔર ધંધે સે બડા કોઈ ધર્મ નહિ હોતા. આ ડાયલોગ પર અમદાવાદનાં આ બે સફળ યુવાનોની કહાનીમાં ફીટ બેસે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર