Home /News /madhya-gujarat /

મણિકર્ણિકાની વીરતાને પણ ઝાંખી પાળે છે હિંગળાજ માતાનું શૌર્ય

મણિકર્ણિકાની વીરતાને પણ ઝાંખી પાળે છે હિંગળાજ માતાનું શૌર્ય

હિંગળાજમાનું શરીર પડ્યું ત્યાં આજે પણ મંદિર છે. અત્યારનાં પાકિસ્તાનમાં બલુચીસ્તાનમાં હિંદુઓનું શક્તિપીઠ છે

  રાજીવ પાઠક

  આ સપ્તાહે જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનાં જીવન ઉપર એક ફિલ્મ આવી રહી છે - મણિકર્ણિકા. લક્ષ્મીબાઈએ અદ્ભૂત શૌર્ય દાખવ્યુ હતું અને એટલે જ આઝાદીનાં લડવૈયાઓ માટે તે વંદનીય અને પ્રેરણાસ્ત્રોત બની ગઈ.

  પરંતુ બહુ ઓછા ગુજરાતીઓ જાણે છે કે દુનિયામાં દેશદાઝ માટે સૌથી મોટું શૌર્ય અને બલિદાન કરનારી ગુજરાતની વીરાંગના હતી અને હજારો વર્ષોથી કોઇપણ અત્યાચારી સામે લડવા માટે તમામ લોકોની અને ખાસ કરીને રાજપૂતોનાં શૌર્યનું પ્રેરણાસ્ત્રોત રહી છે હિંગળાજ માતા.

  સૌરાષ્ટ્રનાં ઇતિહાસ પરનાં કેટલાક પુસ્તકો નોંધે છે કે ઇસુની સદી પૂર્વે લગભગ 325 કે 30 વર્ષ પહેલાં ગુજરાતનાં સુરેન્દ્રનગર પાસેનાં એક ગામમાં એક ચારણ રહેતો હતો. તેનાં ઘોડા દૂરદેશ પર્યંત વખણાતા. કાઠિયાવાડી ઘોડાઓ તો આમેય યુધ્ધમાં લડવા માટે સદીઓથી વખણાય છે. આ ચારણ પાસે મોટી સંખ્યામાં ઘોડા રહેતાં અને ઘોડા ખરીદવા માટે કેટલાક વિદેશી યોધ્ધાઓ આવ્યા હતાં. આ યોધ્ધાઓને મોટા પ્રમાણમાં ઘોડાઓ ખરીદવા હતાં.

  આ પણ વાંચો - શ્રીનાથજીની દાઢીમાં લાગેલા હીરા પાછળની રસપ્રદ કહાની

  આ ઘોડા રાખનાર ચારણની દિકરી હતી હિંગળાજ. હજુ યુવાની ફૂટી રહી હતી અને કોઇપણ યુવતીને યુવાનીનાં કોડ હોય. પરંતુ જ્યારે આ પરદેશીઓ ઘોડા ખરીદવા આવ્યા ત્યારે તેને નવાઇ લાગી કે કોઇ પરદેશીને આટલી મોટી સંખ્યામાં ઘોડા ખરીદવાની જરૂર કેમ પડી હશે.

  તપાસ કરતાં માલૂમ પડ્યું કે આ યોધ્ધાઓ તો ગ્રીસનાં યુધ્ધવીર વિશ્વવિજય કરવા નીકળેલા સમ્રાટ સિકંદરનાં સૈનિકો હતાં. તેઓ ટૂંક સમયમાં ભારતની ભૂમિ પર આક્રમણ કરવા માટેની તૈયારી માટે ઘોડાઓ ખરીદવા આવ્યા હતાં કેમકે લાંબા સમયનાં યુદ્ધો અને પ્રવાસો દરમિયાન તેમનાં ઘણાં ઘોડાઓ જીવ ગુમાવી ચૂક્યા હતાં અને ભારતની ભોમકાને ગુલામ બનાવવાનાં તેમનાં મનસૂબા હતાં.

  તેનાથી રહેવાયુ નહીં, તેણે પોતાનાં પિતાને ના પાડી કે આપણી માતૃભૂમિ પર નજર બગાડનાર આવા આક્રમણકારીઓને ઘોડા ન વેચાય જે આપણાં દેશ માથે ગુલામીની બેડીઓ નાંખવા આવતા હોય.

  એટલું જ નહિં તેણે હાકલ કરી કે જે યુવાનો આ આક્રમણકારી સામે દેશની રક્ષા કાજે ખપી જવા તૈયાર હોય તેઓ તેને સાથ આપે. ગુજરાતનાં કાઠી દરબારો અને અન્ય યુવાનો તેની સાથે આવ્યા અને હિંગળાજમાતા ભર યુવાનીમાં રણચંડી બનીને આ ટુકડીની આગેવાની લઇ નીકળી પડી સિકંદરની સેનાને ખેદાનમેદાન કરવા અને ભારતની ભૂમિને ગુલામ બનાવવાનાં તેનાં સપના રોળવા. પ્રણ લીધો કે સિકંદરને ભારતની પવિત્ર ભૂમિ પર પગ નહીં મૂકવા દઇએ. સામે થઇને યુધ્ધે ચડી અને પાકિસ્તાનમાં આજનાં બલુચિસ્તાન પાસે સિકંદરની સેના પર વજ્ર બનીને તૂટી પડી. એક યુવાન રણચંડી અને તેની સાથે મુઠ્ઠીભર યુવાનોની ટુકડી અને સામે સિકંદરની અપાર સેના. પણ કહેવાય છે કે તેણે અપ્રતિમ શૌર્ય દર્શાવ્યું અને પોતાનાં દેશ પર પરદેશી આક્રમણકારીઓનાં પગ ન પડે તે માટે સર્વસ્વ આપી બલિદાન કર્યું. ત્યાં જ તેનું માથું પડ્યું પણ છતાંય ઘણાં સમય સુધી તેનું ધડ લડતુ રહ્યું. જ્યાં હિંગળાજમાનું શરીર પડ્યું ત્યાં આજે પણ મંદિર છે. અત્યારનાં પાકિસ્તાનમાં બલુચીસ્તાનમાં હિંદુઓનું શક્તિપીઠ છે. જો કે આ મંદિર વિશે અન્ય લોકવાયકાઓ પણ છે.

  આ વીરતા માટે જ આજે પણ ગુજરાતનાં મોટાભાગનાં રાજપૂતો માટે હિંગળાજ માતા કુળદેવી છે. આ હિંગળાજ માતાનું ગુજરાતમાં સ્થાનક છે હિંગોળગઢ. અને આ વીરતા ગુજરાત જ નહિં પણ સમગ્ર દેશ માટે મણિકર્ણિકા કરતાં પણ અનેકગણી વધારે પ્રેરણા આપતું કેન્દ્ર યુગો સુધી બની રહેશે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Balochistan, Hinglaj Mata, Hinglaj Mata Mandir, Manikarnika, Manikarnika: The Queen Of Jhansi, પાકિસ્તાન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन