અમદાવાદમાં એક તાંત્રિકના એકતરફી પ્રેમમાં પાગલ થઈ પરણિત મહિલા અને તેના પતિને હેરાન-પરેશાન કરવાની એક ઘટના સામે આવી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ આપી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
મહિલાએ ફરિયાદ આપી હતી કે, તેના અને તેના પતિની ફેસબુકમાં ફેક પ્રોફાઈલ બનાવી, સાથો-સાથ તેના ફેસબુક આઈડીનો પાસવર્ડ બદલી તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, જેથી પોલીસે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી અને તપાસમાં મુકેશ નામના એક તાંત્રિક જાણકાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી પ્રમાણે આરોપી અને ફરિયાદી 8 વર્ષ પહેલાં એક મિત્રના લગનમાં ભેગા થયા હતા અને જ્યાં નંબરની આપ લે થઈ હતી. આરોપી તાંત્રિક વિધિનો જાણકાર હોવાથી બંને વચ્ચે વાતચીત પણ થતી હતી.

આરોપીની પોલીસે કરી ધરપકડ
આરોપી ફરિયાદી મહિલાનાના એક તરફી પ્રેમમાં પડવા લાગ્યો, જેના કારણે ફરિયાદીને બ્લેક મેલ કરવા માટે તેણે ફરિયાદી અને તેના પતિની ફેસ બુકમાં ફેક પ્રોફાઈલ બનાવી અને સાથો સાથ ફરિયાદી મહિલા અને તેના પતિનો ફેસબુકનો પાસ વર્ડ બદલી નાખી બંને એકાઉન્ટથી ફરિયાદી મહિલાનો ફોટો પોસ્ટ કરી ફરિયાદીને હેરાન કરી રહયો હતો.
પોલીસ અનુસાર, આરોપી સરખેજ વિસ્તારમાં રહે છે અને માત્ર 9 પાસ છે. હાલ પોલીસે આરોપીનો મોબાઈલ કબ્જે કરી આગળની તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં અવાર નવાર આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.