દાંડીયાત્રા: 88 વર્ષ બાદ પણ બાપુનો વારસો વિકાસથી વંચિત

News18 Gujarati
Updated: March 12, 2018, 12:25 PM IST
દાંડીયાત્રા: 88 વર્ષ બાદ પણ બાપુનો વારસો વિકાસથી વંચિત

  • Share this:
ભારત દેશની સ્વતંત્રતાનું પ્રવેશદ્વાર એટલે વિશ્વ પ્રસિદ્ધ સત્યાગ્રહ. પરંતુ આજે એ જ સ્થળ વિકાસથી વંચિત છે. આમ તો આ બધી જગ્યાઓ પર સરકારી ગ્રાંટનો ધોધ વહે છે. પરંતુ અહી વિકાસના નામે મીંડુ છે.

આપણે વાત કરી રહ્યાં છીએ બાપુની સ્મૃતિની કે જેને 12 માર્ચ 1930ના દિવસે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાની શરૂઆત કરી. આ યાત્રા સાથે જોડાયેલી યાદો અને આ યાત્રામાં જોડાયેલા લોકો આજે ગાંધી સંસ્મરણોમાં અમરત્વ પામ્યા છે. પરંતુ અહીંની કડવી વાસ્તવિકતા એ છે કે જે યાત્રાને દેશની સ્વતંત્રતાનું પ્રવેશદ્વાર માનવામા આવે છે એ જ પ્રવેશ દ્વાર આજે મૃતપાય હાલતમાં છે. અહીં નથી થયો ગાંધી મૂલ્યોનો વિકાસ, કે નથી થયું ગાંધી વિચારધારાનું સંવર્ધન.

આમ તો  અમદાવાદનો સાબરમતી આશ્રમ તો તમામ સુવિધાઓથી સજ્જ છે. કારણ માત્ર એટલું જ કે તે મેટ્રો સિટીમા આવેલું છે. સાબરમતી આશ્રમમાં તો પીએમ મોદીથી લઈને અન્ય દેશોના પ્રધાનમંત્રીઓ પણ મુલાકાત લે છે. પરંતુ બીજી તરફી બાપુની અન્ય સ્મૃતિઓની હાલત દયનિય છે. આમ સાબરમતી આશ્રમ મેટ્રો સિટીમાં હોવાથી તમામ સુવિધાઓથી સજ્જ છે. જ્યારે બીજા અન્ય સ્થળો પર તો પાયાની જ સુવિધાઓનો અભાવ છે.

તો દાંડી નજીક આવેલી કરાડી ગામની બાપુની ઝુંપડી કે જ્યાં ગાંધી બાપુએ દાંડી યાત્રાના ૨૧ દિવસ વિતાવ્યા હતા.આજે તેની સ્થિતિ કોઇ ગાંધી પ્રેમીનું કાળજું કંપી ઉઠે તેવી છે.તો દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ ખાસ સમય વિતાવ્યો હતો તેવા સ્થળ સૈફી વિલાની હાલત પણ જર્જરિત છે. આમ પ્રવાસીઓ પણ ફરિયાદ કરે છે કે બાપુના આ સ્મરણોની યોગ્ય જાળવણી અને સમારકામ થવું જોઈએ.



બાપુએ દેશને આઝાદી અપાવી.પરંતુ બાપુના દેશપ્રેમની સાક્ષી પૂરતા સ્મારકોની યોગ્ય જાળવણી કરવામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વામણી પુરવાર થઇ છે.આઝાદી મળ્યા એને આજે વર્ષો વિતી ગયા છે. તેમ છતાં ગાંધીના તીર્થસ્થળોને વિશ્વ માટે સુલભ નથી બનાવી શક્યા. અહીં પાયાની સુવિધાઓ, ગાંધી મૂલ્યોના સંવર્ધનથી લઈને મુલાકાતીઓ માટે યોગ્ય સુવિધાઓ સહિત અનેક વસ્તુઓની ખામી છે. તેમ છતાં વર્તમાન સરકાર દ્વારા અહીં દાંડી ખાતે કરોડો રૂપિયા ખર્ચી નાખવાનુ સુનિયોજિત આયોજન કરાયું છે.ત્યારે ગાંધી વિચારધારાને પચાવી બાપુના વારસાને જાળવી રાખવા કટિબદ્ધ એવા તેમના વારસદારો પણ આ ધરોહર સચવાઈ જશે તેવો આશાવાદ સેવી રહ્યા છે.

અત્યાર સુધીમાં થયેલી ચળવળોમાં દાંડી યાત્રા વિશેષ સ્થાન પામી છે. પરંતુ ચળવળોના સાક્ષી આ સ્મારકોની હાલત હાલમાં દયનીય છે. ત્યારે આ સ્મારકોની જાળવણી માટે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.



ત્યારે ગાંધીવાદી રણજીતભાઈનું કહેવું છે કે, 'અત્યંત દુઃખદ બાબત છે. સરકાર પૈસા વાયા કલેકટર મારફત આપે. પણ સ્મારકોની દશા સુધારવા માટે આ પૈસાનો સદઉપયોગ થતો નથી.સરકાર જરૂર પડે તો લોકોના સૂચન મંગાવે. દુઃખદ બાબત માટે શું કહેવું.? સરકાર પૈસા ખર્ચે છતાં ગાંધી તીર્થસ્થાનોની દશા જોઈ દુઃખ થાય છે. સરકારે જ્યારે પૈસા મોકલે છે. ત્યારે ગામલોકોની મીટિંગ બોલાવી સૂચનો લઈ નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જરૂરી છે. વિદેશી પ્રવાસીઓ અહીં વધુ આવે છે તેમના માટે સુવિધા હોવી જોઈએ. વિદેશી પ્રવાસીઓ દાંડીની સારી છાપ લઈને જવા જોઈએ. જેમને આ જવાબદારી સોંપાઈ છે તેઓ ગાંધી સ્મારકોને વિશ્વને જોવા ગમે તેવા બનાવે એવી લાગણી વ્યક્ત કરું છું.'



ત્યારે આ સમગ્ર મામલે નવસારીના સાંસદ સી.આર.પાટીલ સાહેબનું કહેવું છે કે, 'દાંડી એક ઐતિહાસિક સ્થળ છે. દાંડી કુચમાં બાપુએ આક્રમકતા દાખવી સરેઆમ મીઠાના કાયદા નો ભંગ કર્યો હતો. આ સ્થળનો વિકાસ કરવો એ સરકારનું કર્તવ્ય છે. કરાડી અને સૈફી વિલા જ્યાં બાપુ રોકાયા હતા તે સ્થળોની યોગ્ય જાળવણી માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. તે સિવાય દાંડી પહોંચવા માટે મોટા રસ્તા બનાવાનું પણ આયોજન થઈ રહ્યું છે. લોકો દાંડી આવે અને તેનું મહત્વ પણ વધે તેવું આયોજન થઈ રહ્યું છે. થોડાજ દિવસોમાં તમને નવું નિર્માણ જોવા મળશે.'



ત્યારે હવે જોવાનું તો એ રહે છે કે દાંડી યાત્રા અને દાંડી કુચ સત્યાગ્રહની ચળવળોમાં અનોખુ સ્થાન પામે છે કે કેમ? કારણ કે આઝાદી મળી એને વર્ષો વીતી ગયા છે. તેમ છતાં બાપુના આ વારસાનું જતન કરવામાં આવ્યું નથી. અને જ્યારે દાંડી યાત્રા દિવસ આવે એટલે સરકાર મસ મોટી જાહેરાતો કરે છે. અને વચનો આપે છે કે આવનાર સમયમાં અહીં રસ્તા બનવવાનું, સ્મારકોની જાણવણી કરવાનું વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ દાંડી યાત્રા દિવસ પૂર્ણ થયા બાદ સરકાર આ વાયદાઓને ભુલી જાય છે. ત્યારે જોવાનું એ રહે છે. કે સરકાર બાપુના વારસાની જાણવણી ક્યારે અને કેવી રીતે કરે છે?

રાજન રાજપૂતનો રિપોર્ટ, નવસારી
First published: March 12, 2018, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading