ગુજરાત સ્વાસ્થ્ય વિભાગને હાઇકોર્ટની ચેતવણી, 'તમે સુધરો નહીં તો અમે સુધારવા આવીશું'


Updated: May 26, 2020, 11:11 PM IST
ગુજરાત સ્વાસ્થ્ય વિભાગને હાઇકોર્ટની ચેતવણી, 'તમે સુધરો નહીં તો અમે સુધારવા આવીશું'
ગુજરાત હાઈકોર્ટ (ફાઈલ ફોટો)

સિવિલ હોસ્પિટલની કામગીરી નિહાળવા આકસ્મિક મૂલાકાત માટે હાઇર્કોટને આપેલા આમંત્રણનો સ્વીકાર કરતી ગુજરાત હાઇકોર્ટ

  • Share this:
અમદાવાદ : સિવિલ હોસ્પિટલના મુદ્દે ૨૨મી મેના રોજ હાઇકોર્ટે આપેલા આદેશોમાં જરૂરી સુધારા કરવાની માગ સાથે રાજ્ય સરકારે કરેલી અરજીમાં હાઇકોર્ટે પ્રથમદર્શી રીતે સિવિલમાં ચાલી રહેલી કામગીરીના રિપોર્ટ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ રાજ્ય સરકારને ‘સિવિલ હોસ્પિટલ’ના મુદ્દે હાલના તબક્કે ‘ફાઇનલ સર્ટિફિકેટ’ ન આપી શકાય એવું અવલોકન કર્યું છે. સાથે જ સિવિલની બદતર હાલત વિશે રેસિડેન્ટ ડોક્ટરે લખેલા નનામા પત્રના મુદ્દાઓની ઝીણવટભરી તપાસ કરવા માટે શહેરના નિષ્ણાંત ડોક્ટર્સની સમિતિનું ગઠન કરી રિપોર્ટ રજૂ કરવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની ખંડપીઠે સરકારને ચેતવણી આપી છે કે,‘સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ અને રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ સહિતની ઓથોરિટી પોતાની જાતને તૈયાર કરી લે, કેમ કે કોઇ પણ એક સારા દિવસે અમે સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિ જોવા આવી શકીએ છીએ. જેથી સિવિલ મુદ્દે ચાલી રહેલા તમામ વિવાદોનો અંત આવે.’

આ સમગ્ર પ્રકરણમાં જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે આદેશમાં નોંધ્યું છે કે,‘પ્રથમદર્શી રીતે સરકારે રજૂ કરેલા મટિરીયલ પરથી જણાય છે કે કોરોના દર્દીઓની સિવિલ હોસ્પિટલમાં પુરતી કાળજી અને સારવાર અપાઇ રહી છે. અલબત્ત, આ મામલો અહીં પૂર્ણ થતો નથી. ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના નાગરિકોના હિત અને સુખાકારી માટે રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલની અનેક સમસ્યાઓને ઝીણવટપૂર્વક ચકાસીને તેનું સમાધાન શક્ય એટલી ઝડપે લાવવું પડશે. સિવિલના રેસિડેન્ટ ડોક્ટરે જે પત્ર લખ્યો છે આ કેસમાં સૌથી વધુ આહત કરનારી બાબત છે. રાજ્ય સરકાર ભલે કહે કે આ પત્રમાં કોઇ સત્ત્વ કે નક્કરતા નથી. પરંતુ આટલી ગંભીર બાબતને રદબાતલ કે નજરઅંદાજ કરવી જોઇએ નહીં. અમે સરકારથી આશા રાખતા હતા કે તેઓ પત્રને ગંભીરતાથી લઇ પગલા લેશે, કાર્યવાહી કરશે. પરંતુ રાજ્ય સરકારે તો આ પત્રને જાણે કોઇ નકામી, અર્થહિન વાહિયાત વાત હોય એ રીતે ફગાવી કાઢી છે. પોતાની ઓળખ સાથે કોઇ ડોક્ટર આવી હકીકતો દર્શાવી શકે નહીં. તેથી તેમને નનામો પત્ર લખી સિવિલનું વાસ્તવિક ચિત્ર જણાવ્યું છે. તેથી આ સંજોગોમાં પત્રમાં રજૂ કરાયેલા મુદ્દાઓ પર તાત્કાલિક એક તપાસ થવી જોઇએ. રાજ્ય સરકારે તપાસ માટે એક સમિતિની રચના કરવી જોઇએ. જે સમિતિના સભ્યો સ્વતંત્ર હોવા જોઇએ. એમાં કોઇ સરકારી અધિકારી કે સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલી વ્યક્તિ ન હોવી જોઇએ. શહેરના બે કે ત્રણ પ્રતિષ્ઠિત તબીબો સમિતિમાં હોવા જોઇએ. જેથી તેઓ જે રિપોર્ટ આપે એ વિશ્વાસનું પુન:સંપાદન કરે. તેથી રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલ સંબંધિત સારી કામગીરીને કોર્ટ રેકોર્ડ પર લઇ રહી છે, ત્યારે અમે સરકારને આદેશ કરીએ છીએ કે તેઓ સિવિલ હોસ્પિટલની નાનામાં નાની તકલીફો, ડોક્ટર્સ અને સ્ટાફની હાલાકી અંગે પણ ધ્યાન આપે અને તેનું સમાધાન કરે. કોરોનાના દર્દીઓની સારવારની ગુણવત્તા અંતે તો ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની કામગીરી પર જ આધારિત છે. જો ડોક્ટર્સ અને સ્ટાફ જ હોસ્પિટલમાં કામ કરવાની પરિસ્થિતિથી પ્રસન્ન નહીં હોય તો અંતે તેનો બોજો તેમની કામગીરી અને અંતે કોરોનાના દર્દીની સારવાર પર દેખાશે.’

હાઇકોર્ટની ખંડપીઠે નોંધ્યું છે કે,‘પ્રોપર ટીમ વર્ક અને કો-ઓર્ડિનેશનનો અભાવ હોવાનું અમે ફરીથી કહી રહ્યા છીએ. જો પ્રોપર ટીમ વર્ક અને કો-ઓર્ડિનેશન થઇ જાય તો એ વાતમાં કોઇ શંકા નથી કે સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિમાં સુધારો આવશે. સ્વાસ્થ્ય મંત્રીને જવાબદારી છે કે તેઓ સિવિલના વહીવટી તંત્ર અને કામગીરી પર સતત નજર રાખે. સરકારે અમને આશ્વસ્ત કર્યા છે કે તેઓ સિવિલની પરિસ્થિતિ સુધારવા શ્રેષ્ઠ કામગીરી કરશે. એ દ્રષ્ટિએ અમે સરકારની આ અરજીનો નિકાલ કરીએ છીએ પરંતુ સિવિલ હોસ્પિટલનો મુદ્દો ચર્ચા-વિચારણા માટે ખૂલ્લો રાખીએ છીએ. મૂળ સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન આ અરજીના પેપર્સ પણ રજીસ્ટ્રીએ રજૂ કરવાના રહેશે. અમે આ અરજીને રાજ્ય સરકારના સિવિલના મુદ્દે રિપોર્ટની જેમ રાખીએ છીએ અને સુઓમોટો અરજીના અન્ય એડવોકેટ્સ સિવિલ હોસ્પિટલના મુદ્દે કોર્ટની મદદ કરવા માગતા હોય તો તેઓ રજીસ્ટ્રીમાંથી આ અરજીની નકલ મેળવી શકે છે. રાજ્ય સરકાર સિવિલ હોસ્પિટલના મુદ્દે તપાસ કરવા માટેની સમિતિનો રિપોર્ટ આગામી સુનાવણીએ રજૂ કરવાનો રહેશે.’

સ્વાસ્થ્ય મંત્રીએ સિવિલની મુલાકાત લીધી એ ખુશીની વાત પરંતુ એમના ખભે ભારે જવાબદારી - હાઇકોર્ટે નોંધ્યું છે કે,‘અમે એ જાણીને રાજી થયા છીએ કે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી(નીતીનભાઇ પટેલ) સિવિલ હોસ્પિટલની વહીવટી વ્યવસ્થાઓમાં રસ દાખવી રહ્યા છે. એક રીતે નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી એ તો સ્વાસ્થ્ય મંત્રીની ફરજ જ છે. સ્વાસ્થ્ય મંત્રીના ખભે હાલ જવબદારીઓનો ભારે બોજ છે. ત્યારે તેઓ રાજ્યના નાગરિકો માટે શ્રેષ્ઠ રીતે પોતાની જવાબદારી નિભાવે એવી આશા છે. રાજ્ય સરકારે ભૂલ કરનાર બેજવાબદાર અધિકારી સામે સખત કાર્યવાહી કરવામાં સંકોચ રાખવો જોઇએ નહીં. એ એક જ રીત છે જેના થકી રાજ્ય સરકાર પ્રજાના મનમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરી શકે છે. રાજ્ય સરકાર સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ હોવાની બડાઇ કરે છે, પરંતુ હવે સિવિલ હોસ્પિટલને એશિયાની શ્રેષ્ઠ હોસ્પિટલ બનાવવા એડી ચોટીનું જોર લગાવવું જોઇએ.’

સિવિલ હોસ્પિટલની કામગીરી નિહાળવા આકસ્મિક મૂલાકાત માટે હાઇર્કોટને આપેલા આમંત્રણનો સ્વીકાર કરતી ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદની સિવિલ કોવિડ-૧૯ હોસ્પિટલ માટે કરવામાં આવેલા અવલોકનો-રાજ્ય સરકારને અપાયેલી સૂચનાઓ સંદર્ભમાં રાજ્ય સરકારે રજૂ કરેલા અહેવાલની હાઇર્કોટે સકારાત્મક નોંધ લીધી છે. પ્રદિપસિંહજી જાડેજાએ આ અંગેની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે નામદાર હાઈકોર્ટ દ્વારા ૨૨મી મેના રોજ સીવીલ હોસ્પિટલ અમદાવાદમાં કોવીડની સારવાર બાબતે એક હુકમ કરવામાં આવેલ હતો. આ હુકમ સીવીલ હોસ્પિટલ, અમદાવાદના એક રેસીડેન્ટ ડૉક્ટરની નનામી અરજી અને કોઈ મેડીકલ ઓફીસરના પત્રના આધારે કરવામાં આવ્યો હતો. આ પત્ર સોશીયલ મીડીયામાં મે મહીનાના પહેલા અઠવાડીયાથી જ ફરતો હતો. નનામી અરજીમાં રજૂ કરેલા મૂદાઓ કોવિડ સિવિલ હોસ્પિટલની સાચી વિગતો રજૂ કરતા નહોતા. જેથી રાજ્ય સરકારે નામ.હાઈકોર્ટને વિનંતી કરી હતી કે, વ્યાપક જનહિતમાં તાત્કાલીક આ અરજી અંગે સુનવણી કરવામાં આવે. જેથી, રાજ્ય સરકારે લીધેલા પગલાં અને સારવારની વિગતો ઝડપથી જાહેર જનતા સમક્ષ રજુ કરી શકાય અને લોકો સમક્ષ સાચી હકિકત મુકી શકાય. કાયદા રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજય સરકાર દ્વારા રજૂ થયેલ દલીલો અને પૂરાવાઓને ધ્યાને લેતા નામદાર હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારે કોવિડ સિવીલ હોસ્પિટલમાં ઉત્તરોત્તર સુધારા માટે કરેલી કામગીરીની સકારાત્મક નોંધ લેતો એક હુકમ કરવામાં આવ્યો છે. નામદાર હાઇકોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો છે કે રેસિડેન્ટ ડોકટર કે અન્ય સ્ટાફની કોઇપણ મુશ્કેલીઓને નિવારવા માટે એક સ્વતંત્ર સમિતીની રચના કરવામાં આવે.રાજ્ય સરકારે આ માટે રાજ્યના ખ્યાતનામ ડોકટરો ડો. પંકજ શાહ, ડો. તેજસ પટેલ, ડો. અતુલ પટેલ અને ડો. હરિશ દોષીની સમિતીની તાત્કાલિક રચના કરી છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા કોવિડ સિવીલ હોસ્પિટલની આકસ્મિક જાત મૂલાકાત લઇ ત્યાં ઉપલબ્ધ સગવડતાઓ અને દર્દીઓને અપાતી સુવિધાઓના નિરીક્ષણ માટે નામદાર હાઇકોર્ટને કરેલી વિનંતીને ગ્રાહય રાખી છે. હાલ કુલ કોવિડ દર્દીઓના ૬ર ટકા જેટલા લોકો સિવિલ હોસ્પિટલમાં ભરતી થાય છે. અહિં આ સારવાર તદ્દન મફત કરવામાં આવે છે. કાયદામંત્રીએ જણાવ્યું કે, નનામી અરજીના આધારે નામદાર હાઇકોર્ટે કરેલા અવલોકનોના કારણે દર્દીઓમાં ગેરસમજ ઊભી થયેલ હતી. જેથી જાહેર આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને નામદાર હાઇકોર્ટ સમક્ષ સાચી અને સચોટ વિગતો જરૂરી આધાર પૂરાવા સાથે રજૂ કરવામાં આવેલ હતી. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને ગર્વનમેન્ટ પ્લીડર મનીષા લવકુમાર દ્વારા માનનીય ન્યાયાધિશ શ્રી જે.બી. પારડીવાલા અને ઇલેશ વોરા સમક્ષ આ વિષયે વિગતવાર રજૂઆતો કરવામાં આવી હતી. અને નામદાર હાઇકોર્ટે આજે વધુ એક ઓર્ડર આ કેસમાં કર્યો છે.

જાડેજાએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા નામદાર હાઇકોર્ટને સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ વિવિધ સગવડતાઓની વિગત ફોટોગ્રાફ સાથે રજૂ કરવામાં આવી હતી. સાથોસાથ સી.સી.ટીવી નેટવર્ક, મોનિટરીંગ રૂમ,હોસ્પિટલ મેનેજમેન્ટ સીસ્ટમ, નિષ્ણાત ડોકટરોની સેવાઓ અને એઇમ્સના ડિરેકટર ડો. રણદિપ ગુલેરીયાની મૂલાકાત અને તેઓના દ્વારા હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સારવાર બાબતે વ્યકત કરવામાં આવેલ સંતોષથી પણ વાકેફ કરવામાં આવ્યા છે.

હાઇર્કોટને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અગ્ર સચિવ આરોગ્ય ડો. જયંતિ રવિ દ્વારા સિવીલ હોસ્પિટલની સમયાંતરે લેવામાં આવેલ મૂલાકાત અને તેમના દ્વારા હોસ્પિટલની સગવડતાઓનું નિરીક્ષણ અને દર્દીઓની સારવાર બાબતે આપવામાં આવેલ સૂચનાઓથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટ દ્વારા કોવીડ સીવીલ હોસ્પિટલ , અમદાવાદને લગતા ૨૨ મુદ્દાના સોશીયલ મીડીયામાં ફરતા પત્રની વિવિધ બાબતો પરત્વે વિગતવાર રીપોર્ટ રજુ કરવા ત્રણ સીનીયર મેડીકલ ઓફીસર્સની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં એસ.વી.પી. હોસ્પિટલના ડૉ.અમી પરીખ અને ડૉ.અદ્વૈત ઠાકોર અને સીવીલ હોસ્પિટલના ડૉ.વિપીન અમીન નો સમાવેશ કરવામાં આવ્યો હતો. પત્રમાં રજુ થયેલા તમામે તમામ ૨૨ મુદ્દાઓ ઉપર આ કમીટી દ્વારા રીપોર્ટ નામદાર હાઈકોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલ. જેના મહત્વના નિરીક્ષણો આ મુજબ છે તેની વિગતો કાયદા રાજ્યમંત્રીએ આપી હતી.

આ નિરીક્ષણો અનુસાર પેશન્ટ મેનેજમેન્ટ અથવા ખાતાકીય કામગીરી બાબતે મેડીસીન વિભાગના વડા સામે કોઈ લેખિત ફરીયાદ રેસીડન્ટ ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલી નથી. હોસ્પિટલમાં આવશ્યક દવાઓની, અને કન્ઝ્યુમેબલ્સની કોઈ અછત જણાયેલ નથી. કોવીડ હોસ્પિટલ ખાતે ડેડિકેટેડ સ્ટોર્સમાં દરેક વોર્ડ અને આઇ.સી.યુ. માટે ૧૦ દિવસનો સ્ટોક હંમેશા ઉપલબ્ધ રહે છે. કોવિડ હોસ્પિટલમાં કલીનીકલ અને મેડિકલ મેનેજમેન્ટ અઠવાડિક રોટેશનથી કરવામાં આવે છે.ઇન્સ્ટીટયુશનલ પ્રોટોકોલ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે અને એક્ષપર્ટ કમિટીના સુચનોનું પણ નિયમીત રીતે અમલ કરવામાં આવે છે. ઓન ડયુટી રેસિડેન્ટ અને ડોકટરો જરૂરી ડિસ્ચાર્જ અને મરણ પ્રમાણપત્ર આપે છે. સેમ્પલ કલેકશન માટે પણ પૂરતા પ્રમાણમાં લેબોરેટરી, ટેકનિશીયન ઉપલબ્ધ છે અને નિયમ પ્રમાણે સેમ્પલ લેવામાં આવે છે. દરેક વોર્ડમાં કોમ્પ્યુટર સિસ્ટમ અને પ્રીન્ટર, હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ સહિત કાર્યરત છે અને લેબોરેટરી સાથે જોડાયેલો છે. આઇ.એન.સી. અને એમ.સી.આઇ. ગાઇડલાઇન્સ પ્રમાણે નર્સોનું પ્રમાણ જાળવવામાં આવે છે.

આઇ.સી.યુ.માં ૩ બેડ દીઠ એક નર્સ, આઇસોલેશન વોર્ડમાં ૧પ બેડ માટે ૧ નર્સ ઉપલબ્ધ છે. આઇ.સી.યુ.માં પેશન્ટ મેનેજમેન્ટ માટે વધારાના કર્મચારીઓ પણ હાજર હોય છે.સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે યોગ્ય પી.પી.ઇ કીટની વ્યવસ્થા કરવામાં આવે છે. ઇન્ફેકશન ન ફેલાય તેના માટે પણ પૂરતા પગલા લેવામાં આવે છે. અને આ વાતને રેસિડેન્ટ ડોકટર એસોસિએશને પણ સ્વીકારી છે.દર્દીઓને લાવવા લઇ જવા માટે ડેડિકેટેડ એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.તમામ સ્ટાફને નિયમીતપણે તાલીમ આપવામાં આવે છે. ભોજનને લગતી તમામ વ્યવસ્થાઓ માટે શરૂઆતથી જ ડેડિકેટેડ ડાયેટિશીયનની નિમણૂંક કરવામાં આવી છે. દર્દીઓને હોટલથી મંગાવીને ૮ વખત જમવાનું અને ચા-નાસ્તો આપવામાં આવે છે. મૃતક દર્દીઓના મૃતદેહ તેમના સંબંધિતોને કોઇપણ જાતની અડચણ વગર સોપવા માટે મેડિકલ સુપ્રિટેન્ડેટ દ્વારા ડેડિકેટેડ ડોકટરો અને કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

હોસ્પિટલમાં રાઉન્ડ ધી કલોક સિનીયર ડોકટર સહિત તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપર મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ અને ઓ.એસ.ડી. દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. બધી જગ્યાએ સી.સી.ટીવી કેમેરા ગોઠવવામાં આવેલા છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેનું મોનિટરીંગ થાય છે. રેસિડેન્ટ ડોકટરોએ પણ સ્વીકાર્યુ છે કે સિનીયર ડોકટરો પણ દર્દીની સારવારમાં જોડાય છે અને વોર્ડનો રાઉન્ડ પણ લે છે. કોવિડની કામગીરી સાથે જોડાયેલા ઓન ડયુટી રેસિડેન્ટ ડોકટરોને સારી હોટલમાંથી જમવાનું મંગાવીને આપવામાં આવે છે. અને કોવિડ ડયુટી પર ન હોય તેવા રેસિડેન્ટ ડોકટરોને હોસ્ટેલની મેસમાં વિનામૂલ્યે જમવાનું અપાય છે. મેડીશીન, એનેસ્થીશીયા, ઇ.એન.ટી, ફેફસા અને ઇમજન્સી મેડિસીનના રેસિડેન્સ ડોકટરો આઇ.સી.યુ. જેવા ક્રીટીકલ એરિયામાં રાઉન્ડ ધી કલોક ફરજ બજાવે છે અને તેમને નર્સીગ કે કલાસ ૪ સાથે કોઇ સંકલન કરવાનું રહેતું નથી. પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે ગુજરાત હાઇર્કોટે રાજ્ય સરકારે રજૂ કરેલી આ બધી જ હકિકતોની સકારાત્મક નોંધ લીધી છે.
First published: May 26, 2020, 11:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading