Home /News /madhya-gujarat /ભાજપના ઠાકોર નેતાઓ અલ્પેશ ઠાકોરથી ભયભીત કેમ?

ભાજપના ઠાકોર નેતાઓ અલ્પેશ ઠાકોરથી ભયભીત કેમ?

બીજેપી ઠાકોર સમાજના નેતાઓની મીટિંગ

ઠાકોર સમાજના આગેવાનોએ પૂર્વ સાંસદ નટુજી ઠાકોરની આગેવાનીમાં સીએમ વિજય રૂપાણીને રજૂઆત કરી હતી કે, અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ ના આપવામાં આવે

  હિતેન્દ્ર બારોટ - ગાંધીનગર

  રાધનપુરના કોગ્રેસના ધારસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ઠાકોર સમાજ દ્વારા અંબાજીથી એકતાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના યુવાનોમાં રહેલા વ્યસનને દૂર કરવા અને સમાજને શિક્ષિત કરવાનું છે. આ બધા વચ્ચે એવી અટકળો પણ થઈ રહી છે કે, કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર બીજેપીમાં જોડાશે. આ અટકળોને ધ્યાનમાં રાખી ઠાકોર સમાજના આગેવાનોએ પૂર્વ સાંસદ નટુજી ઠાકોરની આગેવાનીમાં સીએમ વિજય રૂપાણીને રજૂઆત કરી હતી કે, અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ ના આપવામાં આવે, જો અલ્પેશ ભાજપમાં જોડાશે તો ભારે નુકશાન થશે તેવો ભય વ્યક્ત કર્યો હતો. જોકે સાચી વાત એ છે કે, અલ્પેશની લોકપ્રિયતાને જોઈ બીજેપીના ઠાકોર નેતા ભયભીત થયા છે.

  તમને જણાવી દઈએ કે, ભયભીત થયેલા આ નેતાઓએ શ્રમ રોજગાર પ્રધાન દિલિપ ઠાકોરની ઉપસ્થિતિમાં તેમની ઓફિસમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર, પૂર્વ પ્રધાન કેશાજી ઠાકોર, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભા શાસક પક્ષક દંડક ભરત ડાભી, પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ, પૂર્વ પ્રધાન માધુભાઈ ઠાકોર, રોહિત ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  આ બેઠકમાં અલ્પેશ ઠાકોર દ્વારા ઠાકોર સમાજને ભ્રમિત કરવામાં આવી રહ્યો છે તેવો વિરોધ કરવો, ગ્રુપ મીટિંગ કરવી, ખાટલા બેઠક કરવી, સમાજના આગેવાનો સાથે બેસી અલ્પેશ ઠાકોરથી સમાજને થતા નુકશાનથી લોકોને અવગત કરવા મુદ્દે ચર્ચા થઈ હતી.

  મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં બીજેપી પાસે ઠાકોર સમાજમાં રાજકીય પક્કડ ધરાવતો એક પણ નેતા નથી. બીજેપીએ ઉત્તર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ નટુજી ઠાકોરને પસંદ કરી અજમાવ્યા હતા. પરંતુ તેઓ પણ ઠાકોર સમાજ પર પોતાનો પ્રભાવ ઉભો કરવામાં નિષ્ફળ ગયા. વર્ષ 2009માં યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા બીજેપીએ અમદાવાદ મહાનગર પાલિકામાં સુકાની તરીકે મહાદેપુરા વોર્ડના કોર્પોરેટર કાનાજી ઠાકોરને સુકાન સોંપ્યું. તેમણે ઠાકોર સમાજમાં નવું નેતૃત્વ ડેવલોપ કરવાના અનેક પ્રયત્નો કર્યા, પરંતુ બીજેપીની નેતાગીરી પાટીદારોથી પ્રભાવિત હોવાના લીધે તેમને પૂરતું મહત્વ ન મળ્યું, જેથી તેઓ ઠાકોર સમાજ માટે નેતૃત્વ ન ઉભુ કરી શક્યા.

  અલ્પેશ ઠાકોર દ્વારા વિધાનસભા ચૂંટણી પહેલા ઠાકોર સમાજમાં વ્યસન મુક્તિ અને શિક્ષણને લઈ આંદોલન છેડવામાં આવ્યું હતું, જે સફળ રહેતા રાજ્ય સરકારની નશા બંધી નીતી કડક કરવાની ફરજ પડી હતી. એટલું જ નહી, અલ્પેશના આંદોલનથી પ્રભાવિત થઈ સીએમ વિજય રૂપાણીએ વર્ષોથી રાજ્યકક્ષાના પ્રધાન પદે રહેલા દિલિપ ઠાકોરને પહેલા વખત કેબિનેટમાં સ્થાન આપ્યું હતું. પરંતિ તેઓ પણ આખા ઉત્તર ગુજરાતમાં એટલે કે, સાબરકાઠા, બનાસકાંઠા, પાટણ મહેસાણામાં રાજકીય પક્કડ ઉભી કરી શક્યા નથી. આવા સંજોગોમાં 2019ના મે મહિનામાં યોજાનાર લોકસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર ભાજપ માટે તારણહાર બની શકે એવું બીજેપીના સિનિયર નેતા માની રહ્યા છે. બીજેપીના નેતાઓને લાગે છે કે, અલ્પેશ ઠાકોર બીજેપીમાં આવે તો ભાજપને અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ વગેરે જીલ્લામાં ઠાકોર સમાજના મત અંકે કરી શકાય.

  આ બાબતે બીજેપીના કેટલાક નેતાઓ દ્વારા અલ્પેશને બીજેપી લાવવા માટે ખાનગી ઓપરેશન ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભાજપામાં રહેલા ઠાકોર નેતાઓ અલ્પેશના બીજેપીના પ્રવાસને લઈ ભયભીત બન્યા છે. બીજેપીમાં રહેલા ઠાકોર નેતાઓને લાગે છે કે, અલ્પેશ બીજેપીમાં જોડાશે તો તેમનું રાજકીય ભવિષ્ય જોખમાશે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ ઠાકોર સમાજના આગેવાનોએ આજે સીએમ વિજય રૂપાણીને અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ ન આપવાની રજૂઆત કરી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: BJP leaders, Meeting

  विज्ञापन
  विज्ञापन