અમદાવાદ : શહેરમાં સૌથી ગગનચુંબી હૉસ્પિટલમાં જેની ગણના થાય છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) સંચાલિત એસ વી પી હોસ્પિટલ (SVP Hospital)માં ચોરીની ઘટના સામે આવી છે. હૉસ્પિટલમાં કામ કરતા મહિલા કર્મચારીને દર્દીઓને અપાતા માસ્ક (Mask), દવા (Medicine) અને અન્ય વસ્તુઓ ચોરી કરતા રંગે હાથ ઝડપી લેવામાં આવી છે. અહીં સવાલ એ ઊભો થયો છે કે શું આ ચોરી કરેલી દવાઓ ત્યાં આવેલા એક ખાનગી મેડિકલ સ્ટોરમાં (Medical Store) ફરીથી વેચાણ માટે મૂકવાના આવતી હતી? આ સમગ્ર ઘટનાને હૉસ્પિટલ તરફથી દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરસ થયો હતો કે એસ વી પી હૉસ્પિટલમાં કામ કરતા ખાનગી એજન્સીના કર્મચારી મહિલાને હૉસ્પિટલમાંથી દવાઓ ચોરી કરતા રંગે હાથ ઝડપી લેવાયા હતા. મહિલા કર્મચારીની બેગ તપાસવામાં આવી હતી ત્યારે તેમાંથી માસ્ક, દવા, સેનિટાઇઝર સહિત અન્ય તબીબી સામગ્રી જોવા મળી હતી. જે બાદમાં આ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી. એસ વી પી હૉસ્પિટલ તરફથી આ મહિલા કર્મચારી તત્કાલ નોકરીમાંથી દૂર કરી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટવા 6 તારીખે સવારે બની હતી. નિયમિત સિક્યુરિટી ચેકિંગ દરમિયાન ચોરી પકડાઇ હતી. તત્કાલ ધોરણે સ્ટાફ કર્મચારીને નોકરીમાંથી દૂર કરી દેવામાં આવ્યાં હતાં.
આ અંગે એએમસીના એક અધિકારીએ નામ ન આપતા જણાવ્યું હતું કે, હૉસ્પિટલમાં ચોરીની ઘટનાઓ આ પહેલા પણ બની ચુકી છે. તેની પાછળ મુખ્ય કારણ એ છે કે હૉસ્પિટલમાં ખાનગી એપોલો ફાર્મા આવેલી છે. જ્યાંથી તમામ વોર્ડના ડોક્ટરો દવાઓ લખી આપે છે. હૉસ્પિટલમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર હોવા છતાં ત્યાંથી કોઇ દવા લખી આપવામાં આવતી નથી. માત્ર ડૉક્ટરો એપોલોમાં મળતી દવાઓ લખી આપે છે. દર્દી માટે ડૉક્ટર અથવા નર્સ સ્ટાફને જે દવા અપાય છે તેનો કોઇ હિસાબ રખાતો નથી. દર્દીને કહેવામા આવે છે કે તમારી દવાનો ઉપયોગ થયો છે પરંતુ તે દવાઓ ફરી પાછી મેડિકલ સ્ટોરમાં જતી રહે છે અને વેચાણ થાય છે. આ ઘટના છેલ્લા અનેક સમયથી ત્યાં ચાલે છે પરંતુ એપોલો મેડિકલ સ્ટોર સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
અધિકારીએ વધુમાં કહ્યું કે, એપોલો મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લેવાનો આગ્રહ હૉસ્પિટલ તરફથી કરવામાં આવે છે. આ માટે ડૉક્ટરોને મોટા કમિશન અપાય છે. સ્ટાફ દ્વારા વોર્ડમાં જે દવા લેવાય છે તેનું બિલ એસ વી પી ભોગવે છે, પરંતુ તે દવાનો કોઇ હિસાબ હોતો નથી. આ દવાઓ બારોબાર ફરી સ્ટોરની પહોંચાડવા આવે છે. જે વીડિયો વાયરસ થયો છે તેમાં પણ એવું જ માનવામાં આવી રહ્યું હતું કે આ દવા પાછલા બારણે એપોલો મેડિકલ સ્ટોરમાં જવાની હતી.