અમદાવાદ : કોરોના કાળમાં લોકડાઉન છતા હવે ગરીબ અને મધ્યમવર્ગના બાળકોનો નહીં બગડે અભ્યાસ. કારણ કે બાળકોના ઘરે બેઠા અભ્યાસ માટે તંત્ર એ અપનાવ્યો છે નવતર પ્રયોગ. બાળકોના અભ્યાસ માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ એ બાળકોના અભ્યાસ માટે એક મહિનાનું પુસ્તક તૈયાર કર્યું છે. જે બાળકોને વહેંચવામાં આવી રહ્યું છે.
એકતરફ લોકડાઉન જાહેર થતા વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ અટક્યો છે તેવામાં શહેરની કેટલીક ખાનગી શાળા વિદ્યાર્થીઓ ને ઓનલાઈન અભ્યાસ કરાવી રહી છે. જો કે ખાનગી શાળાઓ એ તો વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરાવવાનો વિકલ્પ શોધી કાઢ્યો. પણ સરકારી શાળાને એ બાળકોનું શુ કે જેઓ માટે ઓનલાઈન અભ્યાસની સવલત નથી. તો તેવા મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તે માટે તંત્ર એ નવતર પ્રયોગ અપનાવ્યો છે. અને વિદ્યાર્થીઓ માટે એક મહિનાના અભ્યાસક્રમના પુસ્તક તૈયાર કર્યા છે અને વિદ્યાર્થીઓના ઘરે આ પુસ્તક પહોંચાડવા આવી રહ્યા છે. આ પુસ્તકનું શીર્ષક આપવામાં આવ્યું છે ઘરે શીખીએ.
આ અંગે સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્ર સીંગ તોમર જણાવે છે કે, મ્યુનિસિપલ શાળામાં અભ્યાસકર્તા વિદ્યાર્થીઓ કોરોનાની મહામારીમાં સંપૂર્ણપણે અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે આ આયોજન કરાયું છે. સ્કુલ બોર્ડના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક તૈયાર કરાયા છે. તમામ વિષયના સિલેબસ સાથેના પુસ્તકો બનાવ્યા છે. પુસ્તક માં માત્ર એક મહિના એટલે કે જૂન મહિનાનો અભ્યાસક્રમ નો સમાવેશ કરાયો છે.
પુસ્તક માં આપેલો અભ્યાસક્રમ પૂર્ણ કરીને વિદ્યાર્થીઓએ પુસ્તક શાળામાં પરત કરવાના રહેશે. ધોરણ 1 થી 8નો વિદ્યાર્થીઓ સમજી શકે તેવી સરળ ભાષામાં સિલેબસ તૈયાર કરાયો છે. જૂન બાદ જુલાઈ માસના પણ પુસ્તકો આ રીતે તૈયાર કરવામાં આવશે અને તે શિક્ષકો મારફતે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.
મહત્વનું છે કે નગર પ્રાથમિક સમિતિ હેઠળ અમદાવાદ સ્કૂલ બોર્ડના 350 થી વધુ શાળાઓના લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોરોના કાળમાં લોકડાઉન જાહેર થતા વિદ્યાર્થીઓનું ભણવાનું બગડી રહ્યું છે. આગામી ઓગસ્ટ મહિના સુધી સ્કૂલો ખુલવાની શકયતા નથી ત્યારે આ બાળકો ઘરે બેઠા અભ્યાસ કરી શકે તેવો પ્રયાસ કર્યો છે.