કોરોના યોદ્ધા : 'જન્મદિવસે જ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, મેં જંગ લડી અને જીત્યો'

News18 Gujarati
Updated: June 30, 2020, 1:24 PM IST
કોરોના યોદ્ધા : 'જન્મદિવસે જ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, મેં જંગ લડી અને જીત્યો'
PSI કે.એમ. ચાવડાની 10 દિવસ સુધી સારવાર ચાલી હતી.

અમદાવાદ ઈસનપુર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના PSI ચાવડા કોરોનાને હરાવી અને ફરજમાં પરત જોડાયા છે, જાણો તેમની કહાણી તેમના શબ્દોમાં

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 32000ને પાર થઈ ગયો છે. આ પૈકીના 23000 કરતાં વધારે યોદ્ધાઓએ કોરોનાને હરાવી દીધો છે. કોરોના વાયરસના સંક્રમણમાં સૌ કોઈ આવ્યા છે. સંક્રમિત થયેલા લોકોની યાદીમાં લોકોની રક્ષા કરતા અને કોરોનાના કપરાકાળમાં ડ્યૂટીમાં જોતરાયેલા પોલીસ અધિકારીઓ પણ બાકાત રહ્યા નથી. આવા જ એક અધિકારી છે અમદાવાદના ઈસનપુર પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર કે.એમ. ચાવડા. ચાવડા ડી સ્ટાફમાં ફરજ બજાવી રહ્યા છે અને તેઓ ખરા અર્થમાં કોરોના યોદ્ધા છે. ગત 23મી મેના રોજ તેમનો જન્મદિન હતો અને આ જ દિવસે તેમનો કોરોનાવાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જોકે, ગુનેગારોની સાથે સાથે પીએસઆઈ ચાવડાએ કોરોનાના પણ ભુક્કા બોલાવ્યા છે. વાંચો તેમની પ્રેરણાત્મક કહાણી તેમના જ શબ્દોમાં

“ હું સતત ડ્યૂટીમાં હાજર હતો. કન્ટેઇનમેન્ટ ઝોનમાં લોકોને જાગૃત કરવા તેમજ બંદોબસ્ત અને સુરક્ષાના કામ સબબ મારે ફિલ્ડમાં રહેવાનું હતું. પોલીસ પર લોકોને સુરક્ષિત રાખવાની જવાદારી હોય છે. આ સમયમાં વધારે હતી. અમે ફિલ્ડમાં ફરતા હતા અને જ્યાં જ્યાં જવું પડે ત્યાં ત્યાં જઈ રહ્યા હતા. અમારા પોલીસ મથકના તાબામાં આવતા વિસ્તારોમાં કોરોનાના કેસ પણ નોંધાઈ રહ્યા હતા. દરમિયાન મે મહિનાના બીજા અઠવાડિયાથી મને શરીરરમાં પરિવર્તન દેખાયું. મારું શરીર તૂટી રહ્યુ હતું. મને શ્વાસ ચઢી રહ્યો હતો. દાદરો ચઢવામાં પણ હું થાકી જતો હતો. મને ધીરે ધીરે તાવ આવ્યો અને શ્વાસ ચઢવા લાગ્યો. મેં મારા ઉપરી અધિકારીઓને જાણ કરી તેમણે તુરંત જ કોરોનાનો રિપોર્ટ કરવા કહ્યું.”


“પહેલાં તો મેં સામાન્ય દવા લીધી અને છાતીનો એક્સરે રિપોર્ટ કરાવ્યો. મને ન્યૂમોનિયોનો ચેપ લાગી ગયો હતો. ત્યારબાદ મેં સિવિલમાં જઈને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. તમામ લક્ષણો હતા એટલે મેં તકેદારી પણ લીધી હતી. મારા સ્ટાફ સાથે અંતર જાળવી રાખતો હતો. દરમિયાન 23મી મેના રોજ મારો જન્મદિવસ હતો. એ જ દિવસે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મારા ઉચ્ચ અધિકારી ડીસીપી આહિરે સાહેબ અને સોંલકી સાહેબે મને કોવિડ કેર હૉસ્પિટલ રતનમાં એડમિટ કરાવ્યો. મારી સારવાર શરૂ થઈ. કોરોનાવાયરસ માણસને શારીરિક સાથે માનસિક રીતે તોડી નાંખે છે. જોકે, મારા આસપાસમાં લોકોએ મને ખૂબ સહકાર આપ્યો. મારો સ્ટાફ સતત મારી સાથે સંપર્કમાં રહેતો. મારા ઉચ્ચ અધિકારીઓએ પોતાના દીકરાનું ધ્યાન રાખતા હોય એમ મારી સાથે વર્તાવ કર્યો. ડૉકટરો,નર્સ અને સ્ટાફે કહ્યું કે ચિંતા ન કરો તમે સાજા જ છો અને સાજા થઈ જશો. લગભગ 10 દિવસની સારવાર બાદ હું સાજો થઈ અને ઘરે પરત આવ્યો. મને કોરોના વિશે બધી જાણ હતી પરંતુ ફરજ પણ બજાવવાની હતી. ચેપ ક્યાંથી લાગ્યો અને કેવી રીતે લાગ્યો એ તો ખબર નથી પરંતુ ખુશી એ વાતની હતી કે મારા પરિવારમાં કોઈ સાથે નહોતું એટલે વધારે સંક્રમણની ચિંતા નહોતી. વધુમાં મારા સ્ટાફમાં પણ કોઈને મારાથી ચેપ ન લાગ્યો એનો પણ આનંદ હતો.”

આ પણ વાંચો :   રાજ્યમાંથી વધુ 50 વિદેશી હથિયાર જપ્ત, ગુજરાત ATSએ વધુ 10 લોકોની ધરપકડ કરી

“હવે મારે વધારે તકેદારી રાખવાની હતી. હું રોજ રોજ માનસિક રીતે મજબૂત થઈ રહ્યો હતો. મેં દવા ઉપરાંત દેશી ઉપચારો પણ કર્યા. રોજ હળદરવાળું દૂધ. ગરમ પાણીમાં લીંબું. થોડો ઉકાળો, પૌષ્ટીક આહાર, વીટામીન સી અને મલ્ટી વિટામીનની ગોળીઓ વગેરેના સંયોજનથી મારી શક્તિ પરત આવી રહી હતી. લગભગ 7 દિવસ હું હાઉસ ક્વૉરન્ટીન રહ્યો અને અંતે તમામ પ્રક્રિયાઓ અને યાતનાઓ પછી મેં કોરોનાને હરાવ્યો. આજે હું ફરીથી કર્મભૂમિ પર હાજર છું. કર્મક્ષેત્રમાં ફરજ બજાવી રહ્યો છું”આ પણ વાંચો :  સુરત : 24 કલાકમાં રેકોર્ડબ્રેક 217 વ્યક્તિઓને ચોંટ્યો Corona, વરાછા-કતારગામમાં 'કોરોના બોમ્બ' ફૂટ્યો

“ જે લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે એમને અને જે લોકોને લક્ષણો દેખાઈ રહ્યા છે, એમને મારી એટલી જ સલાહ છે કે કોરોના સામે આગોતરી તકેદારી અને માનસિક સ્વસ્થતા બચાવશે. દૂધ હળદરનું કોમ્બિનેશન અપનાવો. ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય તેવા આહાર લેવા. માસ્ક પહેરો, ગ્લવ્ઝ પહેરો. ભીડમાં જવાનું ટાળો, અંતર જાળવો અને જો લક્ષણો દેખાય તો તપાસ કરાવતા પહેલાં આઇસોલેટ થાઓ. મારું પરિવાર સદનસીબે મારી સાથે નહોતું એટલે મને તેમના સુધી સંક્રમણ પ્રસરાશે તેવું જોખમ નહોતું. અલબત પરિવારે પણ દરેક તબક્કે મારી હિંતમ વધારી છે. આ કહાણી કોરોના યોદ્ધાઓને સમર્પિત છે જે દિવસ રાત આ મહામારી વચ્ચે પોતાની ફરજ બજાવી રહ્યા છે. આપણે સાથે મળીને એક દિવસ આ કાળમુખા કોરોનાને ચોક્કસ હરાવીશું.”
First published: June 30, 2020, 1:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading