અમદાવાદમાં પરપ્રાંતીય શ્રમિકોનો પોલીસ પર પથ્થરમારો, છ ગાડીના કાચ તૂટ્યા, 100 લોકોની અટકાયત

અમદાવાદમાં પરપ્રાંતીય શ્રમિકોનો પોલીસ પર પથ્થરમારો, છ ગાડીના કાચ તૂટ્યા, 100 લોકોની અટકાયત
અમદાવાદમાં પોલીસ પર પરપ્રાંતીયો તરફથી પથ્થરમારાની પ્રથમ ઘટના, અસંખ્ય શ્રમિકોની અટકાયત કરવામાં આવી.

અમદાવાદમાં પોલીસ પર પરપ્રાંતીયો તરફથી પથ્થરમારાની પ્રથમ ઘટના, અસંખ્ય શ્રમિકોની અટકાયત કરવામાં આવી.

  • Share this:
    અમદાવાદ : દેશમાં લૉકડાઉન 4.0 લાગૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે જે તે રાજ્યમાં ફસાયેલા શ્રમિકો તેમના વતન જવા માટે ઉતાવળા બન્યા છે. રાજ્યમાં બે દિવસમાં પોલીસ પર પથ્થરમારાના બે બનાવો બન્યા છે. રવિવારે રાજકોટના શાપર ખાતે પરપ્રાંતીય મજૂરોએ હોબાળો મચાવીને તોડફોડ કરી હતી તેમજ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. સોમવારે અમદાવાદ ખાતે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયરગેસના શેલ પણ છોડવા પડ્યા છે. પથ્થરમારાની ઘટના બાદ IPS અમિત વિશ્વકર્મા ઘટનાસ્થળે દોડી ગયા હતા. પથ્થરમારા દરમિયાન પોલીસની છ ગાડીના કાચ તૂટ્યા છે. આ મામલે પોલીસે 100  લોકોની અટકાયત કરી છે. આ તમામ લોકો ઉત્તર પ્રદેશના રહેવાશી છે તેમજ આઈઆઈએમ પાસે બનેલા રેનબસેરામાં રહેતા હતા.

    પોલીસે ધરપકડ શરૂ કરી



    મળતી માહિતી પ્રમાણે સોમવારે આઈઆઈએમ રોડ ખાતે મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થયા હતા. આ અંગેની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદમાં શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને શ્રમિકોના ટોળામાંથી એકાએક પથ્થરમારો શરૂ થયો હતો. આ તમામ લોકો વતન જવાની માંગ સાથે એકઠા થયા હતા. આ દરમિયાન પોલીસે તેમને ખોટી ઉતાવળ ન કરવા માટે સમજાવ્યા હતા. તેમજ સરકાર દ્વારા ભરવામાં આવી રહેલા પગલાં અંગે માહિતી આપી હતી.



    ટીયરગેસના શેલ છોડવામાં આવ્યા

    પોલીસ શ્રમિકોને સમજાવી રહી હતી ત્યારે જ કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી દીધો હતો. જે બાદમાં પોલીસે લોકોને વીખેરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક વધારાનો કાફલો બોલાવી લેવામાં આવ્યો હતો.જે બાદમાં પોલીસે આસપાસના વિસ્તારોમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું.

    પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું

    પથ્થરમારા બાદ પોલીસે આસપાસના વિસ્તારોમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું. તોફાની તત્વો પોલીસ પર પથ્થરમારો કરી નજીકમાં આવેલી વસાહત અને વિસ્તારોમાં ભાગી ગયા હતા. જે બાદમાં પોલીસે નજીકમાં આવેલા સ્થળો પર કોમ્બિંગ શરૂ કરીને તમામ લોકોની ધરપકડ શરૂ કરી હતી. આઈઆઈએમ નજીક જીએમડીસી રોડ ખાતે બનાવવામાં આવેલા રેનબસેરામાં પોલીસ કોમ્બિંગ શરૂ કરીને અનેક લોકોને પકડી પાડ્યા હતા.



    પથ્થરમારા બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને રવાના કારી હતી. પ્રાથમિક તબક્કે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જે બાદમાં ધરપકડનો દૌર શરૂ કર્યો હતો.

    શ્રમિકોની વતન જવાની માંગ

    મળતી માહિતી પ્રમાણે 500થી વધારેના ટોળાએ એકઠા થઈને તેમને વતન મોકલવાની માંગ કરી હતી. આ દરમિયાન પોલીસે તેમને સરકારી પ્રક્રિયા વિશે માહિતી આપી હતી. પરંતુ શ્રમિકોએ વતન જવાની માંગ ઉગ્ર કરીને પથ્થરમારો કરી દીધો હતો.

    રેનબસેરામાં રહેવા જમવાની વ્યવસ્થા

    આઈઆઈએમ રોડ નજીક જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવેલા રેનબસેરામાં સરકાર તરફથી શ્રમિકોને રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ લોકો ઘણા સમયથી અહીં રહેતા હતા. મળતી માહિતી પ્રમાણે પોલીસ આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ કરશે અને ભાગી ગયેલા લોકોની શોધખોળ કરશે.



    અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારોનો પ્રથમ બનાવ

    લૉકડાઉન દરમિયાન અમદાવાદમાં પરપ્રાંતીય લોકોના વિરોધના અનેક બનાવો સામે આવ્યા છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યાના પણ બનાવ બન્યા છે, પરંતુ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો આ પ્રથમ બનાવ છે.
    Published by:News18 Gujarati
    First published:May 18, 2020, 11:19 am

    ટૉપ ન્યૂઝ