અમદાવાદ: 'પાર્થને કહો ચઢાવે બાણ.. હવે તો યુદ્ધ એજ કલ્યાણ...' આવીજ કંઈક સ્થિતિ એસટી નિગમમાં જોવા મળી રહી છે. રાજ્યના એસ ટી નિગમના (state sT nigam) 40 હજાર કર્મચારીઓ હવે સરકાર (Government) સામે આરપારની લડાઈના મૂડમાં (protest mood) છે. જેની આક્રમક ઝલક રાજ્યના અલગ અલગ એસટી બસ સ્ટેન્ડ (st busstand) પર કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં જોવા મળી રહી છે.
અને કર્મચારીઓએ પોતાની 18 પડતર માંગણીઓની અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા એસટીના ત્રણેય યુનિયનએ આગામી 20 ઓક્ટોબર મધરાતથી 8 હજાર એસ.ટી. બસોના પૈડા થંભાવી દેવાની ચીમકી ઉચ્ચારી છે. ગત 8 ઓક્ટોબરના રોજ માસ સીએલ યોજીને રાજ્યના એસ.ટી. નિગમના 40 હજાર કર્મચારીઓએ પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે.
અને હવે કર્મચારીઓ વિરોધ પ્રદર્શન પર ઉતાર્યા છે. અને આગામી 20 ઓક્ટોબરએ મધરાતથી 8 હજાર બસોના પૈડા થંભાવી દેવાની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત એસટી મજદૂર મહાસંઘના મહામંત્રી ઘનશ્યામભાઈ બ્રહ્મક્ષત્રિય જણાવે છે કે કોરોનાની બીજી લહેરમાં અંદાજે 2 હજારથી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા હતા.
જેમાં 150થી વધુ કર્મચારીઓ મોતને ભેટ્યા હતા. કોરોના વોરિયર્સના વળતર પેટે સરકારે 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી ત્યારબાદ વળતર આપવામાં આવ્યું નથી. બીજું કે જે કર્મચારીઓ સંક્રમિત થયા હતા તેમને મેડિકલ પેટે મોટા બિલ થયા જે રકમ પણ ચૂકવાય નથી.
આ ઉપરાંત મોંઘવારી એરીયર્સ, 7 માં પગાર પંચનો અમલ, સેટલમેન્ટ કરાર મુજબ હક્ક રજાઓનું રોકડમાં ચૂકવણું સહિત વિવિધ 18 જેટલી માંગણીઓની રજુઆત કરવામાં આવી હતી. ગત ઓગસ્ટ મહિનાથી આ અંગે રજુઆત કરવામાં આવી રહી છે.
છતાં સરકાર દ્વારા રજૂઆતો ધ્યાને આપવામાં આવી નથી. મહત્વનું છે કે આ પડતર માંગણીઓને લઈ એસટી નિગમના ત્રણેય યુનિયન હવે સરકાર સામે બાયો ચઢાવી છે. વિરોધ પ્રદર્શન ઉપરાંત ઘંટ નાદ દ્વારા નિગમના મેનેજમેન્ટ ને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.