અમદાવાદ: શહેરમાં (Ahmedabad news) પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક પરિવારની મિલકતનો ઝગડો પોલીસ મથકે પહોંચ્યો છે. મકાનમાં પિતા અને પુત્ર અલગ અલગ રૂમમાં રહે છે. 60 વર્ષીય પિતા એક મહિલા સાથે બેએક માસથી મૈત્રી કરાર કરીને રાજસ્થાનની મહિલા સાથે રહે છે. ગઈકાલે તેઓ બહારથી આવ્યા ત્યારે પુત્રવધુ સાથે બબાલ અને ઝપાઝપી થઈ હતી. પુત્રએ પિતાને ઈંટ મારી દીધી હોવાનો આક્ષેપ કરાયો છે. જ્યાં પુત્રએ પિતા અને તેની સાથે રહેતી મહિલા વિરુદ્ધ પણ આક્ષેપ કરતા પોલીસે બંને પક્ષે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ચાંદખેડામાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ નિવૃત્ત જીવન ગુજારે છે. તે એક જ મકાનમાં રહે છે અને ત્યાં જ પુત્ર અને પુત્રવધૂ તેમની બે દીકરીઓ સાથે રહે છે. આ વૃદ્ધે વર્ષ 2022 માં રાજસ્થાનની મહિલા સાથે મૈત્રી કરાર કર્યો હતો અને બેએક માસથી તેની સાથે રહે છે. વૃદ્ધનો પુત્ર અને પુત્રવધૂ મકાન બાબતે અને વૃદ્ધ સાથે લીવ ઇનમાં રહેતી મહિલા બાબતે અવાર નવાર ઝગડા કરતા હતા. જે મકાન બાબતે વૃદ્ધએ કલેકટર કચેરીમાં અરજી પણ કરી હતી.
ગઈકાલે વૃદ્ધ તેમની સાથે રહેતી મહિલા સાથે શાક માર્કેટથી શાક લઈ આવ્યા અને ઘરનો દરવાજો ખોલતા હતા ત્યારે તેમની પુત્રવધૂ આવી અને આ ઘર અમારું છે તમે અહીંથી નીકળી જાવ અને વૃદ્ધાશ્રમમાં જતા રહો કહીને તકરાર શરૂ કરી હતી. બાદમાં પુત્રવધૂએ મહિલાને ગાળો બોલી વાળ પકડી મારી હતી. તેવામાં જ વૃદ્ધનો પુત્ર પણ આવી ગયો અને પિતાને ઝગડો કરી ઈંટ મારી દેતા તેઓને ઇજાઓ પહોંચી હતી. સોસાયટીના લોકો ભેગા થઈ જતા વૃદ્ધ અને તેમની સાથે રહેતી મહિલાને સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં બીજીબાજુ પોલીસને જાણ કરતા વૃદ્ધે પુત્ર અને પુત્રવધૂ સામે ફરિયાદ આપી હતી.
જ્યાં બીજીબાજુ 31 વર્ષીય પુત્રએ પિતા અને પિતા સાથે લિવઇન માં રહેતી મહિલા સામે ફરિયાદ આપી છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે, બને દંપતી ઘરે હતા ત્યારે બાજુના રૂમમાં રહેતા તેમના પિતા અને સાથે રહેતી મહિલા બહારથી આવી ઘર ખાલી કરવા ફરિયાદીની પત્ની સાથે ઝગડવા લાગ્યા હતાં. બાદમાં મામલો ઉગ્ર બન્યો અને તેઓએ પુત્રવધૂ સાથે હાથાપાઈ કરી હતી.
જેમાં તેમની દોઢ વર્ષની પુત્રીને દીવાલ સાથે અથડાતા તેને ઇજા થઇ હતી. જે મામલે હવે પુત્રએ પણ પિતા અને તેમની સાથે લિવઇનમાં રહેતી મહિલા સામે ફરિયાદ આપતા ચાંદખેડા પોલીસે બંને પક્ષના લોકોના આક્ષેપ મુજબ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર