શક્તિસિંહને સોંપાઈ મોટી જવાબદારી, બિહાર કોંગ્રેસ પ્રભારી બનાવાયા

News18 Gujarati
Updated: April 2, 2018, 1:31 PM IST
શક્તિસિંહને સોંપાઈ મોટી જવાબદારી, બિહાર કોંગ્રેસ પ્રભારી બનાવાયા

  • Share this:
કોંગ્રેસ મોવડી મંડળે ગુજરાત કોંગ્રેસના મોટા ગજાના નેતા શક્તિસિંહને મોટી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો. કેન્દ્રીય કોંગ્રેસ સંગઠને ગુજરાતના નેતા શક્તિસિંહને બિહારની જવાબદારી સોંપી છે. શક્તિસિંહને બિહાર કોંગ્રેસના પ્રભારી તરકેની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસે શક્તિસિંહ પર મોટી બાજી રમી બિહાર રાજ્યના કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા બિહારના નવા પ્રભારી તરીકે શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ સી.પી. જોશીના સ્થાને હવે બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે જવાબદારી નિભાવશે. મતલબ કે, સી.પી. જોશીના સ્થાને શક્તિસિંહની બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સંગઠનમાં ફેરફાર કરવાનો સીલસીલો ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર કરવાનું શરૂ કર્યું હતું. કોંગ્રેસ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીને સ્થાને અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે હવે બિહારમાં સી.પી. જોશીના સ્થાને ગુજરાતના કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલને બિહાર કોંગ્રેસની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

કોણ છે શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામે થયો હતો. લિમડાના શાહી પરિવારના તે મોટા પુત્ર છે. શક્તિસિંહે બીએસસી, એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે. ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. આ પછી શક્તિસિંહ ગોહિલે સ્થાનીક ચૂંટણી લડી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા. 1990માં તે એઆઇસીસીના સદસ્ય બન્યા અને અહીંથી જ તેમની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઇ. કોંગ્રેસના બહુ ઓછા નેતા છે જે ટેકનિકલ વાતોના પણ માહિતગાર છે અને ભાષા પર પણ સારી પકડ હોય. શક્તિસિંહને આવા જ એક કોંગ્રેસી નેતા છે જે સજાગ પણ છે અને સ્માર્ટ પણ. કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલા કે જે બાપુ નામે જાણીતા હતા.

ભરતસિંહ સોલંકી પછી શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના બીજી ક્ષેણીના મોટા નેતા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલને કચ્છની માંડવી બેઠક પરથી જાકારો મળ્યો હતો. આ બેઠક પર ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાનો 9046 મતોથી વિજય થયો હતો. શક્તિસિંહ ગોહિલ ભાવનગર દક્ષિણ બેઠક પરથી 1990, 1995, તેમજ 2007ની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2012ની ચૂંટણીમાં તેમને આ બેઠક પર પરાજય મળતા તેઓ 2014ની પેટાચૂંટણીમાં કચ્છની અબડાસા બેઠક પરથી લડી ચૂંટાયા હતા. ગુજરાતના મંત્રીમંડળના ઇતિહાસમાં સૌથી નાની વયે એટલે કે 32 વર્ષની ઉંમરે મંત્રીપદ સંભાળનારા નેતા તરીકે તેમને ઓળખવામાં આવે છે. 1991થી 1995 દરમિયાન તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય અને નાણાં મંત્રાલય જેવા વિભાગો સંભાળ્યા હતા. સઘન વાંચન અને અભ્યાસ ધરાવતા નેતા તરીકેની તેઓ છબી ધરાવે છે.
First published: April 2, 2018
વધુ વાંચો
अगली ख़बर