Home /News /madhya-gujarat /

હાર્દિકના ઉપવાસના પગલે અમદાવાદમાં 60 દિવસ માટે કલમ 144 લાગુ

હાર્દિકના ઉપવાસના પગલે અમદાવાદમાં 60 દિવસ માટે કલમ 144 લાગુ

હાર્દિક પટેલ, ફાઈલ ફોટો

  આગામી 25 ઓગસ્ટના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ કરવાને લઈ હાર્દિકના વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસ 'છત્રપતિ નિવાસ' નિવાસસ્થાને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે શહેર પોલીસ કમિશનરે અમદાવાદમાં 60 દિવસ માટે ધારા 144 લાગુ કરી છે.

  અમદાવાદમાં 60 દિવસ સુધી કલમ 144 લાગુ કરી છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કલમ 144 લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કલમ મુજબ 4 માણસથી વધુ વ્યક્તિ ભેગા થઈ શકશે નહીં. આગાઉ પાટીદાર આંદોલન દરમિયાન તોફાનો ફાટી નિકળતા આ વખતે પોલીસે અગમચેતી રૂપે કલમ 144 અમદાવાદમાં લાગૂ કરી છે.

  ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ હાર્દિકે સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ માટેની મંજૂરી માંગતી એક અરજી મામલતદારને કરી છે. આ મામલે ગાંધીનગર જિલ્લાના પાસ કન્વિનર ઉત્પલ પટેલે હાર્દિક વતી ગાંધીનગરના મામલતદારને એક અરજી કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે તા. 25મી ઓગસ્ટના રોજ સત્યાગ્રહ છાવણી, સેક્ટર-6, ગાંધીનગર ખાતે માઈક અને મંડપ સાથે ઉપવાસની મંજૂરી આપવામાં આવે.

  આ પહેલા તેણે આમરણાંત ઉપવાસના માટે નિકોલમાં આવેલા પ્લોટની મંજૂરી માટે અમદાવાદના મ્યુનિસિપલ અને પોલીસ કમિશનર સાથે રૂબરૂ મળીને આ અંગે રજૂઆત કરી હતી. જોકે આમ છતાં તેને કોઈપણ ગ્રાઉન્ડની મંજૂરી આપવામાં આવી નહોતી. આ અગાઉ હાર્દિકે કોર્પોરેશનના પ્લોટની ફાળવણી અંગે અરજી કરી હતી. જેમાં નિકોલના મેદાનની માંગ કરી હતી. પરંતુ કોર્પોરેશને તેને પાર્કિંગ પ્લોટ જાહેર કરી દીધો હતો. ત્યારે હાર્દિકે ઉપવાસ માટે અન્ય પ્લોટ મેળવવા અને મંજૂરી માટે અમદાવાદના મેયરને પાસ દ્વારા અરજી કરવામાં આવી હતી.

  મારા ઘરે જ ઉપવાસ કરીશ, આ માટે મંજૂરીની જરૂર નથીઃ હાર્દિક

  પાસના કન્વિનર હાર્દિક પટેલે 25મી ઓગસ્ટના રોજ પોતાના ઘરે જ આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. આ અંગે સોમવારે સવારે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, નિકોલ કે અન્ય જગ્યાએ ઉપવાસની મંજૂરી નહીં મળતા મારા ઘરે જ ઉપવાસ કરવાનું નક્કી કર્યું છે. હવે જો આ કાર્યક્રમમાં પણ સરકાર કે પોલીસ કોઈ દરમિયાનગીરી કરશે કે મને આવું કરતા અટકાવશે તો એવું સાબિત થશે કે ગુજરાતમાં લોકશાહી જેવું કંઈ છે જ નહીં.

  આંદોલનને દબાવવા સરકારનો નુસખો

  હાર્દિકે જણાવ્યું હતું કે રવિવારે જે થયું તે હાઇવોલ્ટેજ ડ્રામા નહીં પરંતુ પાટીદાર આંદોલનને દબાવવા માટે પોલીસ અને ભારતીય જનતા પાર્ટીનો નુસખો છે. ઘરથી બહાર નીકળતાની સાથે જ અમારી ધરપકડ કરી લેવામાં આવે છે જે બિલકુલ ખોટું છે. અમારી ધરપકડ બાદ સુરતમાં જે તોડફોડ કરવામાં આવી હતી તે કૃત્યને પણ હું વખોડું છું. હું આ હિંસાને સમર્થન નથી આપતો. સરકારી મિલકતને કોઈ નુકસાન ન થાય તે જોવાની આપણી જવાબદારી છે."

  ઉપવાસ ચાલુ જ રહેશે

  "25મી ઓગસ્ટના રોજ ઉપવાસનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ જ રહેશે. બહાર મંજૂરી ન મળે તો હું મારા ઘરે જ શાંતિપૂર્ણ રીતે ઉપવાસ કરીશ. અમે ઘરે ઉપવાસ કરવા અંગે કોઈ જ મંજૂરી લીધી નથી, કારણ કે મારું ઘર એ મારી ખાનગી સંપત્તિ છે. અહીં ઉપવાસ પર બેસવા માટે સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. હું મારા ઘરે ઉપવાસ કરી રહ્યો છું કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ નહીં."

  હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ આંદોલનની જાહેરાત બાદ 50થી પણ વધુ દિવસ પહેલા કોર્પોરેશનના પ્લોટની ફાળવણી અંગે અરજી કરવામાં આવી હતી, પરંતુ તે ફાળવવામાં આવ્યો ન હતો.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Section 144 applicable in Ahmedabad, હાર્દિક પટેલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन