અમદાવાદ : અમેરીકાના વિઝા મેળવવાના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમમાં બીજો ગુનો દાખલ

News18 Gujarati
Updated: November 3, 2019, 9:46 PM IST
અમદાવાદ : અમેરીકાના વિઝા મેળવવાના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમમાં બીજો ગુનો દાખલ
અમેરીકાના વિઝા મેળવવાના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમમાં બીજો ગુનો દાખલ

સીઆઇડી ક્રાઇમે દાખલ કરેલ બીજા ગુનામાં ઇમરાન અહેમદ પટેલની ધરપકડ કરીને તેની પાસેથી ચાર પાસપોર્ટ કબજે કર્યા

  • Share this:
રુત્વિજ સોની, અમદાવાદ : પાસપોર્ટમાં છેડછાડ કરીને અમેરીકાના વિઝા મેળવવાના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે વધુ એક ગુનો દાખલ કર્યો છે. સીઆઇડી ક્રાઇમે ઇમરાન એહમદ પટેલ, રીઝવાન મોહમ્મદ સફી મોયાવાલા, નૌશાદ મુસા સુલતાન અને તેમના સાગરીતોની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. જેમાં હાલમાં સીઆઇડી ક્રાઇમે ઇમરાન એહમદ પટેલની ધરપકડ કરીને તેની પાસેથી કુલ ચાર પાસપોર્ટ જપ્ત કર્યા છે.

8 મે 2019ના દિવસે અમેરીકન કોન્સ્યુલેટના મુંબઇના અધિકારીએ ગાંધીનગર ખાતે રહેતા હસમુખ ચૌધરી અને તેના પત્નીના પાસપોર્ટમાં ઓસ્ટ્રેલિયા, કતાર તેમજ યુએઇ જેવા દેશોમાં ન ગયા હોવા છતાં તેમના પાસપોર્ટમાં ઇમીગ્રેશનના સિક્કા તથા હસમુખ ચૌધરીના પાસપોર્ટમાં યુકેના બોગસ વિઝા લગાડ્યા હોવાનું ધ્યાનમાં આવતા સીઆઇડી ક્રાઇમમાં ગુનો દાખલ કરાવ્યો હતો. આ ગુનામાં પોલીસે આરોપી હસમુખ ચૌધરી, નિષ્મા ચૌધરી, મોતીભાઇ ચૌધરી તથા એજન્ટ નૌશાદ મુસા સુલતાનની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો - અમદાવાદમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ વડોદરાથી આવતી હોવાનો ઘટસ્ફોટ

આરોપી નૌશાદ પાસેથી 159 પાસપોર્ટ, બોગસ આધારકાર્ડ, ક્રેડીટ કાર્ડ, ઇન્કમટેક્ષ રીટર્ન તેમજ પાસપોર્ટના છુટા પાડેલા પાનાઓ જેમાં વિઝાના સ્ટીકર તથા ઇમીગ્રેશનના સ્ટેમ્પ લગાડવામાં આવેલ હતાં. જે પાસપોર્ટના છુટા પાડેલા પાના પૈકી એક પાના પર ઇમરાન એહમદ પટેલ નામના યુકેના વિઝા લાગેલા હતાં. આ બાબતે સીઆઇડી ક્રાઇમે અમેરીકન કોન્સ્યુલેટ પાસે ખાત્રી કરાવતા ઇમરાન એહમદ પટેલના તથા તેની પત્નીને અમેરીકાના વિઝા ગ્રાન્ટ કરવામાં આવેલ હતાં.

ઇમરાનની પૂછપરછ કરતા ખુલાસો થયો હતો કે તેણે અમેરીકાના વિઝા મેળવવા માટે ભરૂચના એજન્ટ રીઝવાનનો સંપર્ક કર્યો હતો. અને રીઝવાને રૂપિયા 6 લાખમાં વિઝા કરાવી આપવાનું કહ્યું હતું. જેથી રીઝવાને ઇમરાન અને તેની પત્નીના પાસપોર્ટ પણ પોતાની પાસે રાખ્યા હતાં. જેમાં તેઓ ચીન કે થાઇલેન્ડ ન ગયા હોવા છતાં ઇમીગ્રેશનના સિક્કા લગાડેલા હતાં. તેના પાસપોર્ટમાં યુકેના વિઝીટર વિઝાવાળું પાનું કાઢી લઇ તેની જગ્યાએ બીજુ પાનું લગાડીને અમેરીકાના વિઝા મેળવવા માટે તે પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો.

હાલમાં સીઆઇડી ક્રાઇમે ઇમરાન એહમદ પટેલની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આરોપી નૌશાદ મુસા સુલતાન જ્યુડીશિયલ કસ્ટડીમાં હોવાથી ટ્રાન્સફર વોરંટના આધારે તેનો કબજો મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.
First published: November 3, 2019, 9:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading