નાના ખેડૂતો પોતાની રીતે ઉપજ વેચી શકે તે માટે ઇ-નામ પોર્ટલમાં ઓપ્શન જરૂરી : રૂપાણી

News18 Gujarati
Updated: August 16, 2019, 8:36 PM IST
નાના ખેડૂતો પોતાની રીતે ઉપજ વેચી શકે તે માટે ઇ-નામ પોર્ટલમાં ઓપ્શન જરૂરી : રૂપાણી
તસવીર - ટ્વિટર

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતના કિસાનો સમૃધ્ધ છે તેનું એક કારણ ખેતીવાડી સાથે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન વિકાસ પણ છે

  • Share this:
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દેશના કૃષિક્ષેત્રમાં પરિવર્તન માટેના સૂઝાવો અંગે નીતિ આયોગે રચેલી મુખ્યમંત્રીઓની ઉચ્ચસ્તરીય સમિતીની મુંબઇમાં આયોજિત બેઠકમાં ભાગ લેતાં મોડેલ APMC એકટ, કોન્ટ્રાકટ ફાર્મિંગ, ડેરી ફાર્મિંગ, એગ્રી એકસપોર્ટ પોલિસી જેવા વિષયોમાં ગુજરાતની અગ્રેસરતા અને સિધ્ધિઓની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી. તેમણે દેશના કિસાનોની આવક બમણી કરવા હેતુથી કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન માટે પોતાના સૂઝાવો પણ વ્યકત કર્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મોડેલ APMC એકટમાં જે જોગવાઇઓ અને પ્રાવધાન સુચવાયેલા છે તે મહદઅંશે ગુજરાતના પ્રવર્તમાન મોડેલ APMC એકટમાં સમાવિષ્ટ છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, આ એકટના પ્રાવધાન એવાં હોય જે ખેડૂત વર્ગને વધુ લાભદાયી હોય અને તેને માર્કેટયાર્ડમાં પોતાની ઉપજ વેચાણ સાથે વેલ્યુએડીશનનો પણ લાભ મળે. વિજયભાઇ રૂપાણીએ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઈ-નામ પધ્ધતિ અન્વયે પોતાના સૂઝાવો વ્યકત કરતાં કહ્યું કે, બહુધા જણસીઓેને ઇ-નામ તળે આવરી લેવાને બદલે પાયલોટ પ્રોજેકટ તરીકે કેટલીક ખાસ ખેત ઉત્પાદન પેદાશો જ આવરી લેવાય.

તેમણે ઉમેર્યુ કે, નાના ખેડૂતો પોતાની રીતે અથવા કમિશન એજન્ટ મારફતે ઇ-નામ હેઠળ પોતાનું ઉત્પાદન વેચી શકે તે માટે પોર્ટલમાં ઓપ્શન હોવો જોઇએ. આના પરિણામે નાના ખેડૂતો પોતાની ઉપજના સારા ભાવ મેળવી નફો પણ રળી શકે. મુખ્યમંત્રીએ કોન્ટ્રાકટ ફાર્મિંગ અને સમાન પ્રકારે સહકારી કૃષિ વિષયે રાજ્યના ગાંધીનગર જિલ્લાના શીવપુરા કમ્પામાં 150 હેકટર વિસ્તારમાં સામૂહિક ખેતી થઇ રહી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

આ સામુહિક ખેતીને પરિણામે કિસાનો વધુ નફો મેળવે, ખેતીમાં નવિન ટેકનીકસનો અમલ કરી શકે તેમજ ખરીદ-વેચાણ માટે બાર્ગેનીંગ પાવર વધારી શકે તે હેતુથી કોન્ટ્રાકટ ફાર્મિંગ હેઠળ સામૂહિક ખેતીને બેસ્ટ પ્રેકટીસીસ તરીકે ગણીને આવા ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વિશેષ યોજના શરૂ કરવી જોઇએ તેવી ભારપૂર્વક રજુઆત તેમણે કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતના કિસાનો સમૃધ્ધ છે તેનું એક કારણ ખેતીવાડી સાથે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન વિકાસ પણ છે. તેમણે ગુજરાતમાં પશુઓને કૃત્રિમ ગર્ભધાન, IVF, એમ્બ્રીઓ ટ્રાન્સફર જેવી પધ્ધતિઓનો અમલ, સામૂહિક પશુ રસીકરણ, પોષણયુકત પશુ આહાર ઉપલબ્ધિ અને ડેરી-પશુપાલન સંલગ્ન તાલિમ તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ અંગેની વિશદ ભુમિકા આપી હતી. વિજયભાઇ રૂપાણીએ આ જ પધ્ધતિ દેશના અન્ય રાજ્યો પણ અપનાવે તેની આવશ્યકતા સમજાવતાં સૂચનો પણ કર્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રીએ દૂધ ઉત્પાદન અને વેપાર સંબંધમાં વિગતે વાત કરતાં જણાવ્યું કે, ડેરી ઉદ્યોગમાં ગુજરાત અને દેશના ખેડૂતો-પશુપાલકોને સારો ભાવ મળે છે ત્યારે ડેરી પ્રોડકટમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી અન્ય દેશોનું દૂધ આયાત થાય તો ખેડૂતો-પશુપાલકોને પ્રતિકૂળ અસર થઇ શકે.તેમણે આ સમગ્ર બાબતે યોગ્ય અને કિસાનોને લાભદાયી વિચારણા બાદ જ નિર્ણય લેવાનું પ્રેરક સૂચન કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ ટેકાના ભાવે ખરીદીની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટેની આ વ્યવસ્થા ઉપયુકત છે. વિજયભાઇ રૂપાણીએ સુચવ્યું કે, તેલિબીયા પાકોની ટેકાના ભાવે ખરીદી કર્યા પછી NDDB અને નાફેડ જેવી સંસ્થાઓ દ્વારા તેલીબીયાનું પ્રોસેસિંગ કરી તેલના પેકીંગ, બ્રાન્ડીંગ અને માર્કેટીંગ સહિતની કામગીરી પણ થવી જોઇએ. આથી, તેલિબીયા પાકોના બજારમાં સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થશે જે સરવાળે ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવ અપાવશે, એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત ખેત ઉત્પાદન અને મત્સ્ય ઉત્પાદનની નિકાસમાં દેશમાં અગ્રીમ હરોળમાં છે ત્યારે રાજ્યના કિસાનો નિકાસ દ્વારા વધુ લાભ મેળવી શકે તે માટે અન્ય દેશોના આયાતના ધારાધોરણો, માંગ પૂરવઠાની સ્થિતી જેવા ડેટા અને નિકાસ માટે જરૂરી સુવિધા સંશાધનો ઊભા કરવા APEDA અને MPEDAની વધુ સહભાગીતા આવકાર્ય છે.

વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોના ખેતપેદાશોના સંગ્રહ માટે વૈજ્ઞાનિક ઢબના સંગ્રહ સ્થાન – ગોડાઉન વેરહાઉસની ખૂબજ આવશ્યકતા છે તેનો સંદર્ભ આપતાં કહ્યું કે, નાશવંત એટલે કે જલ્દી બગડી જતાં ઉત્પાદનો માટે કોલ્ડ સ્ટોરેજ કોલ્ડ ચેઇન માટે આર્થિક સહાયની વિશેષ યોજના છે તે જ પધ્ધતિએ વેરહાઉસ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે પણ સમાન પધ્ધતિએ આવી સહાય યોજના રાષ્ટ્રીયસ્તરે અમલી બનવી જોઇએ.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના કન્વીનર પદે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તેમજ ઉત્તરપ્રદેશ અને ઓરિસ્સાના કૃષિમંત્રીઓ, પંજાબના નાણાંમત્રી તથા ભારત સરકારના કૃષિ સચિવ, નીતિ આયોગના કૃષિ સભ્ય સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
First published: August 16, 2019, 8:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading