અમદાવાદ : અમદાવાદમાં સાયન્સ સિટીમાં (Ahmedabad Science City visit) વિઝિટ ફી માં બેફામ વધારો કરવામાં આવ્યો છે. આ અંગે કોંગ્રેસના નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સાયન્સ સિટીમાં (Ahmedabad Science City )સુવિધાઓના નામ પર પ્રતિ વ્યક્તિ વિઝિટ ખર્ચ 1850 રૂપિયા થાય એટલી ઉંચી ફી લાદી દીધી છે. કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ (Arjun Modhwadia) જણાવ્યું હતું કે પહેલા માત્ર 20 રૂપિયા એન્ટ્રી ફી અને 20 રૂપિયા પાર્કિગ ફી વસુલવામાં આવતી હતી. જેની સામે હવે 50 રૂપિયા એન્ટ્રી ફી અને ₹50 પાર્કિંગ ફી સાથે રોબોટિક ગેલેરી વિઝિટ ફી ₹250, એક્વાટિક ગેલેરી વિઝિટ ફી ₹250, 3D સ્કેનર/પેન્ટર વિઝિટ ફી ₹500, રોબો પેન્ટર વિઝિટ ફી ₹200 સહિતની અલગ અલગ ફી ના નામે પ્રતિ વ્યક્તિ દીઠ ₹1850 રૂપિયા વસુલવામાં આવશે.
મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સામાન્ય ભાષામાં સમજીએ તો માત્ર ચાર વ્યક્તિનો પરિવાર સાયન્સ સિટીની વિઝિટ માટે જાય તો પણ ₹7400 જેટલો ખર્ચો થાય એટલી ઉંચી ફી લાદવામાં આવી છે, એટલે ગરીબ અને મધ્યમ વર્ગનો કોઈ વ્યક્તિ સાયન્સ સિટીમાં વિઝીટ તો દુર તે બાજુ ડોકાવવાની પણ હિમ્મત ના કરી શકે. આ માત્ર વિઝિટ ફી માં વધારો નહી, ઉઘાડી લૂંટ છે. સાથે જ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાના સાયન્સ સિટીના મૂળ ઉદ્દેશ્યની પણ હત્યા છે. લોકશાહીનું ગળુ ઘોટી બિઝનેસ મોડલ આધારીત કંપની રાજ લાદી દેવાનું ષડયંત્ર છે.