અમદાવાદ રથયાત્રા : ભગવાનના મોસાળ સરસપુરના મહંતે અન્નજળ ત્યાગ અને આત્મદાહની ચીમકી ઊચ્ચારી

અમદાવાદ રથયાત્રા : ભગવાનના મોસાળ સરસપુરના મહંતે અન્નજળ ત્યાગ અને આત્મદાહની ચીમકી ઊચ્ચારી
સરસપુર મંદિર મહંત.

લક્ષ્મણદાસજી મહારાજનું મોટું નિવેદન : સરકાર ઇચ્છતી તો રથયાત્રા નીકળી હોત, રથયાત્રા ન નીકળતા સરકારે રાજીનામું ધરી દેવું જોઈએ.

  • Share this:
અમદાવાદ : આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથ (Ahmedabad Rath Yatra 2020)ની રથયાત્રા નીકળી શકી ન હતી. આ મામલે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી (Head priest of Lord Jagannath Temple Dilipdas Ji Maharaj) મીડિયા સાથે વાતચીત કરતા ભાવુક થઈ ગયા હતા અને તેઓએ કહ્યું હતું કે તેમણે જે વ્યક્તિ પર ભરોસો મૂક્યો હતો તે વ્યક્તિએ તેમનો ભરોસો તોડ્યો હોવાથી રથયાત્રા નીકળી શકી ન હતી. આ મામલે હવે સરસપુર મંદિરના મહંત લક્ષ્મણદાસજી મહારાજે (Saraspur Temple Priest Laxmandas Ji) અન્નજળ ત્યાગ કરવાની વાત સાથે આત્મદાહ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તેઓએ કહ્યું હતું કે, જો સરકાર ઇચ્છતી તો અમદાવાદમાં રથયાત્રા નીકળી શકી હોત. રથયાત્રા નથી નીકળી ત્યારે સરકારે રાજીનામું ધરી દેવું જોઈએ. (આ પણ વાંચો :  મેં ખોટા વ્યક્તિનો ભરોસો રાખ્યો : મહંત દિલીપદાસજી)

જોકે, આ મામલે પોલીસ વિભાગના અધિકારીઓની અને ભાજપના કેટલાક લોકોની સમજાવટને કારણે લક્ષ્મણદાસજી મહારાજ અન્નજળ ત્યાગ કરવાની વાતને ત્યજી દીધી છે. તેમણે જણાવ્યું છે કે તેમની ગૃહમંત્રી સાથે વાતચીત થઈ છે અને તેઓ કોર્ટમાં કરેલી કાર્યવાહી અંગે તેમને જણાવશે. એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું હતું કે, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા 48 કલાકમાં તેમને મળવા આવશે અને તેમની સાથે રથયાત્રા કેમ ન કાઢી તે અંગે ચર્ચા પણ કરશે.

ઉપવાસની વાત બાદ દોડધામ

સરસપુર મંદિરના મહંતે ઉપવાસ અને આત્મદાહની ચીમકી ઊચ્ચારતા જ સરસપુર વિસ્તારના ભાજપના કાઉન્સિલર વાસણ શેરીમાં આવેલા જૂના સરસપુર મંદિરમાં પહોંચ્યા હતા. અહીં તેઓએ લક્ષ્મણદાસજી મહારાજ સાથે એક કલાક બેઠક કરી હતી. જે બાદમાં પોલીસ વિભાગના સરસપુર વિસ્તારના ડીવાયએસપી હિતેશ ધામલીયા અને  પીઆઇ પણ પોલીસ કાફલા સાથે મંદિરમાં પહોંચ્યાં હતાં.

આ પણ વાંચો : સરકારે જનતાની લાગણી સાથે રમત રમી, ખૂદ ભગવાન જગન્નાથ ભાજપથી છેતરાયા : કૉંગ્રેસ

 

લક્ષ્મણદાસજીએ શું કહ્યું?

સવારના 10 વાગ્યાની આસપાસ ભગવાન જગન્નાથ મંદિરમાં ગૃહ પ્રવેશ કરતા હતા ત્યારે વાસણ શેરીમાં રહેતા અને  ભલા ભગત મંદિરના મહંત લક્ષ્મણદાસજી મહારાજે અન્નજળ ત્યાગ કરવાની ચીમકી આપી હતી. એટલું જ નહીં રથયાત્રાની પરંપરા તૂટી તે માટે ભારોભાર દુઃખની લાગણી સાથે તેમણે જગન્નાથ મંદિર જવાની તૈયારીઓ પણ કરી હતી. તેમને રોકવામાં આવશે તો તેઓ કાયદો અને વ્યવસ્થા હાથમાં લેશે તેવી પણ તેમણે વાત કરી હતી. જોકે, આ વચ્ચે લક્ષ્મણદાસજી મહારાજને સમજાવવા માટે પોલીસ કાફલો મંદિર પહોંચી ગયો.

વીડિયો જુઓ : અમરેલીની ઘટનામાં નવો વળાંક

લક્ષ્મણદાસજીના કહેવા પ્રમાણે રાજ્ય સરકારના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે તેમણે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. ગૃહ મંત્રીએ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ થયેલા કેટલાક મુદ્દાને તેમની સામે પણ રાખ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું કે ગૃહ મંત્રી તેમને મળવા આવશે અને ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરેલા મુદ્દાઓને પણ રજૂ કરશે.
Published by:News18 Gujarati
First published:June 24, 2020, 17:27 pm

ટૉપ ન્યૂઝ