ગાંધીજીના સાથી રાવજીભાઇની આત્મકથા પુન: પ્રકાશિત થઇ; વાંચવા જેવી છે

News18 Gujarati
Updated: September 21, 2019, 3:51 PM IST
ગાંધીજીના સાથી રાવજીભાઇની આત્મકથા પુન: પ્રકાશિત થઇ; વાંચવા જેવી છે
આત્મકથાનું મૃખપુષ્ઠ

‘જીવનનાં ઝરણાં’ ભાગ પહેલો [૧૯૦૭થી ૧૯૩૭] અને ‘જીવનનાં ઝરણાં’ ભાગ બીજો [૧૯૩૭થી ૧૯૫૭]. આ બંને દળદાર પુસ્તકો હાલમાં નવજીવન દ્વારા પ્રિન્ટ ઑન ડિમાન્ડ હેઠળ પુન: પ્રકાશિત કરવામાં આવ્યાં.

  • Share this:
‘જીવનનાં ઝરણાં’ ભાગ પહેલો [૧૯૦૭થી ૧૯૩૭] અને ‘જીવનનાં ઝરણાં’ ભાગ બીજો [૧૯૩૭થી ૧૯૫૭]. આ બંને દળદાર પુસ્તકો હાલમાં નવજીવન દ્વારા પ્રિન્ટ ઑન ડિમાન્ડ હેઠળ પુન: પ્રકાશિત કરવામાં આવ્યાં. જીવનનાં ઝરણાંના બંને ગ્રંથોમાં રાવજીભાઈએ પોતાની જીવની આલેખી છે. રાવજીભાઈ પટેલની ઓળખ જો આપવી હોય તો તેઓને ગાંધીજીના આદિસાથી ગણવા રહ્યા. દક્ષિણ આફ્રિકામાં તેમ જ હિંદુસ્તાનમાં ડગલે ને પગલે તેઓ ગાંધીજીના નિકટ રહ્યા છે. કિશોરલાલ મશરૂવાળાના શબ્દોમાં કહીએ તો ‘તેમની [ગાંધીજીની] નજીક રહી આજ્ઞા ઉઠાવનાર તેમ જ દૂર વસી તેમનું આ ઘડી સુધી કામ કરનાર સેવકોમાંના એક’. જોકે રાવજીભાઈની પ્રતિભા અહીં શબ્દોમાં વાંચ્યા કરતાં તેમનાં સાહિત્યમાં વધુ દેખા દે એવી છે. અલબત્ત તેઓ નમ્રભાવે ‘ગાંધીજીની સાધના’ પુસ્તકના નિવેદનમાં એવું લખે છે : “હું લેખક નથી કે સાહિત્યનો શોખીન નથી ફક્ત હૃદયમાં ઊગી આવ્યું તેવી ભાષામાં લખી નાંખ્યું.” પણ જ્યારે તેમને વાંચીએ ત્યારે તેઓ શ્રેષ્ઠ સાહિત્ય વાંચવાની અચૂક અનુભૂતિ કરાવે છે. આ અનુભૂતિ ‘જીવનનાં ઝરણાં’ પુસ્તકના અહીં આપેલાં એક પ્રકરણમાં વાચકને થશે.

આ સંસારમાં માનવીનું ધાર્યું થતું નથી. એનું ધાર્યું થતું હતું તો આ પૃથ્વી દોજખ બનત કે સ્વર્ગ બનત એનો કાંઈ નિર્ણય થઈ શકતો નથી. કપાળે કપાળે ભિન્ન ભિન્ન મતિ પ્રવર્તે છે. સૌ પોતપોતાની બુદ્ધિ અનુસાર પોતાનું ભલું ઇચ્છે છે. એ સૌની ઇચ્છા પાર પડવાની હોત તો આ અખિલ સંસાર એક ભારે અવ્યવસ્થિત કોકડું થઈ પડ્યો હોત અને તેનો નાશ પણ થઈ ગયો હોત.

વળી કોઈ પણ કાર્ય તપ સિવાય સિદ્ધ થતું નથી. એટલે કે કાર્યસિદ્ધિ અર્થે જંગલમાં જઈને, અનેક આસનો માંડીને દેહને કષ્ટ આપવાની જરૂર નથી. પણ આરંભેલા કાર્યમાં મુશ્કેલીઓ આવે, માનવકૃત મુશ્કેલીઓ અને કુદરતી મુશ્કેલીઓ આવે. માનવકૃત મુશ્કેલીઓ આવે તેનું નિવારણ કરવું એ આપણા હાથની વાત છે. પણ કુદરતી મુશ્કેલીઓ આપણા અખત્યાર બહારની વાત છે. અગણિત નાનાંમોટાં જીવજંતુ, ભૂચર, ખેચર અને જળચર જીવોથી ભરપૂર આ વિરાટ બ્રહ્માંડના નિયમન અને કલ્યાણ ખાતર આપણ સર્વથી વધુ ડહાપણ વાળો કિરતાર, જે ન્યાય આપણે આપણી હસ્તીની સહીસલામતી ખાતર માકડ, મચ્છર, ચાંચડ વગેરે જીવો પ્રત્યે વાપરીએ છીએ તે જ ન્યાય આપણી પ્રત્યે વાપરે છે. આપણી સ્વાર્થવૃત્તિને કારણે આપણી દૃષ્ટિનો પરિઘ બહુ જ સંકુચિત છે. એટલે આપણું રૂવું ખેંચાય તો આપણને દુઃખ થાય છે. તેને પંપાળાય તો આપણને સુખ થાય છે. અને એટલા પરથી આપણે પ્રભુની કૃપા અને અવકૃપાનો ખ્યાલ કરીએ છીએ. પણ આ સંસારનું ચક્ર પ્રગતિમાન છે, તે સંસારને શ્રેય તરફ જ ધકેલે છે. તેને આધીન થવામાં કોઈનું અશ્રેય થતું નથી. તેને આધીન થવામાં જ આપણું ડહાપણ છે. તેની સામે બળવો કરવામાં તો સુખદુ:ખના દ્વંદ્વ વચ્ચે આપણે પિસાવાનું જ છે.

આવો કાંઈક અનુભવ મને મારી આ પ્રવૃત્તિમાં થયો. હું મારી જમીન જે મઘરોલની સીમમાં આવેલી છે ત્યાં આ ગડમથલમાં હતો. અષાઢ વદ અગિયારસથી વરસાદ શરૂ થયો. પણ ધીમે ધીમે બારશ તેરશે તેણે મોરચા શરૂ કર્યા અને ચૌદશે તો પવનના ઝપાટા સાથે મુશળધાર વરસાદ પડવા માંડયો. ખેડૂતોનાં ઘર માટીનાં, વરસાદની ઝાપોટથી ધોવાઈ ધોવાઈને તેની ભીંતો ગળવા લાગી. એક પડી, બીજી પડી. મેં તેમને લાવી લાવીને મારી પાસે રાખ્યા. મારું મકાન ઈંટોનું હતું પણ ચણતર માટીનું હતું, એટલે તેને પણ જોખમ તો હતું. પણ પતરાંને કારણે તેનો બચાવ થતો હતો. ખેડૂતોનાં વીસ ઘરમાંથી સાતઆઠ ઘર ખંડિત થયાં. તે ખાવાનું પણ ક્યાં પકાવે? તેમને મારા મકાનમાં બોલાવ્યા અને ખાવા પકાવવાની સગવડ કરી આપી. પણ આ વરસાદ પાછું વાળીને જુએ તેવો નહોતો. તેણે પોતાનું વિકરાળ સ્વરૂપ વિકસાવ્યું. ખેડૂતો ગભરાયા. કેટલાક રડવા લાગ્યા. પણ આશ્વાસન આપ્યા સિવાય બીજો શો રસ્તો? એટલામાં રાત પડી. નહીં વીજળી, નહીં ગડગડાટ. પવનના સુસવાટા સાથે ભારે વરસાદ. રાત્રે જે થવાનું હોય તે ભલે થાય. અમે બધા સૂઈ ગયા.

રાત્રે બાર વાગ્યા, અને મને વિચાર થયો કે કૂવાવાળા ખેતરમાં શી સ્થિતિ હશે? મેં નોકરને લીધો, ફાનસ લીધું; મારા મકાનવાળા ખેતરની જોડેનું જ ખેતર એ હતું. ત્યાં જઈને જોયું તો એંજિનના ભંડારિયાની ઓરડી વગેરે સલામત હતું, પણ તે ખેતરમાં બધે પાણી હતું. મને લાગ્યું કે તે પાણી તો ભારે વરસાદને કારણે ભેગું થઈ ગયું હશે. તેની મેળે મારગ કરીને વહી જશે. અમે બંને જણા પાછા જઈને સૂઈ ગયા. બહાર જે ભયંકર સુસવાટા મારે તેની ભયંકરતાથી કાળજું કંપી ઊઠે. ઊંઘ પણ શાની આવે? રાત્રીના અઢી વાગ્યા. વળી મેં પેલા નોકરને કહ્યું, ચાલો આપણે જોઈ આવીએ. નોકરે પાવડો હાથમાં લીધો. મેં ફાનસ લીધું. અમે કૂવા પાસે ગયા. આખા ખેતરમાં પાણી વધેલું. પાણી તો વહેતું હશે પણ રાત્રે માલૂમ ન પડે. તે પાણી વધે તો એંજિન અને પમ્પ જોખમમાં હતાં. તે ખેતરની પાસે જ તલાવડી અને ક્યારીની જમીન હતી. ભારે વરસાદ પડે ત્યારે તે ક્યારીમાં થઈને કાંસ વહે. તે કાંસના પાણીનો આંટ ફેલાવાથી ખેતરમાં પાણી વધ્યું. પાણી ડહોળીને કૂવા પાસે જતાં જણાયું કે એંજિનની ઓરડીમાં પાણી દાખલ થતું હતું. મેં પાવડો લઈને એક બારું બાંધવા માંડ્યું. એવામાં એક ભારે અવાજ થયો. ચૌદશની કાળી અંધારી રાત, ભયંકર વરસાદ, પવનનું તોફાન. તેમાં આ અવાજ થયો. હું ત્યાંથી પાછો હઠી ગયો. ફાનસ ધરીને જોયું તો એંજિન ઉપરની ઓરડી તેની ભીંતો સાથે બેસી ગયેલી. જમીનની સપાટીથી ચૌદ ફૂટ નીચે એંજિન ગોઠવેલું તે ઓરડી ચારેય બાજુથી પડી ગઈ. પછી ત્યાં મારે શું સાચવવાનું રહ્યું? અમે બંને પાછા વળ્યા. મેં મારા પિતાશ્રીને કહ્યું, “જે ભય હતો તે કૂવામાં ગયો. જેની આપણને ચિંતા હતી તે તો પૂરી થઈ. હવે તો સવાર થયે આગળ વિચારવાનું રહ્યું.” એમ કહી અમે સૂઈ ગયા. ક્યાં મારી મહત્ત્વાકાંક્ષા અને ક્યાં ધણીનું ધારવું!

સવાર થયું અને જોયું કે પાણીનો આંટ વધતો અમારા પરામાં પેઠો છે. માટીનાં ઘરોવાળા સ્થળે વહેતું પાણી જવાથી ઘરો તો એક પછી એક પડવા લાગ્યાં. મારા ઘરની આજુબાજુ પણ બબ્બે ફૂટ પાણી વહેતું જાય. આ કયાં જઈને અટકશે? આ ઘરમાં પણ કેમ રહેવાય? માટીનું ચણતર ઓગળી જાય અને ભીંતો બેસવા માંડે તો શું કરવું? પેલા કૂવાવાળા ખેતર તરફ નજર કરતાં જણાયું કે કૂવા ઉપર પાણી ફરી વળેલું હતું. જે થઈ ગયું તે રાત્રે ન થયું હોત તો સવારે થાત. તેને કાંઈ હાથ દેવાત નહીં. તેમાં કોઈનો ઉપાય ચાલે તેમ નહોતો. બધાંના ઘરમાં પાણી પેસી ગયું. ખાવાનું પણ ક્યાંયે થાય તેમ ન રહ્યું. મારી પાસે બે થેલા મગફળીના, વાવવા માટે આણેલા તે પડ્યા હતા. તે મગફળીનો ઉપયોગ બધાને ખાવામાં કરવા માંડ્યો. પણ મને લાગ્યું કે આ સ્થિતિમાં અહીં રહેવું જોખમકારક છે. આમ વરસાદ આખો દિવસ વરસ્યા કરે તો રાત્રે પાણી બહુ વધે. તો રાત્રે શું થાય? માટે અંધારું થાય તે પહેલાં આ સ્થળ તજવું જોઈએ અને જે ખેતર ઊંચાણમાં હોય ત્યાં રાત્રે રહેવું જોઈએ. મારી ધારણા સાચી પડી. બપોર પછી પાણી વધવા માંડ્યું એટલે અમે બધા આ વરસાદમાં પરાનાં ઘરમાંથી એક ઊંચા ખેતરમાં મોદો ખેંચી પતરાં ઊભાં કરીને રહ્યા. જેમ તેમ કરીને બચાવ કરવાનો હતો. સગવડ જોવાની ન હતી. મારો નાનો દીકરો શશિકાન્ત તે વખતે છ માસનો હતો. વચલી વળીએ તેનું ઘોડિયું બાંધીને તેની આજુબાજ અમે આખી રાત બેસી રહ્યાં. બાળક તો ઊંઘતું હતું. તેને કંઈ ચિંતા હતી? તે તો તે વખતે કુદરતથી વિખૂટું નહોતું પડ્યું એટલે તેને ડર નહોતો. આમ આખી રાત વીતી ગઈ અને શ્રાવણ સુદ ૧નો દિવસ ઊગ્યો. અમાસની અંધારી રાત અને તેનું જોખમ ઓસરતું હોય એમ લાગ્યું. એટલામાં પાસેના ભલાડા ગામના બેચાર આગેવાનો ખેતરાડુ રસ્તે ત્યાં આવી પહોંચ્યા. અમને આગ્રહ કર્યો કે અમારે તેમની સાથે ગામમાં જવું. અમે સંમત થયા. એ ગામ પણ બેટ બની ગયેલું. જરૂરી વસ્તુ લઈ અમે ભલાડે ગયા. ત્યાંના લોકો પણ મુશ્કેલીમાં હતા. બે દિવસમાં વરસાદે જે ત્રાસ વરસાવ્યો હતો તેથી લોકો ગભરાયા હતા. પણ હવે વરસાદનું જોર કમી થઈ ગયું હતું. પાણીનો પ્રવાહ ઊલટોસૂલટો વહ્યો જતો હતો. નેવનાં પાણી મોભે ચડી જાણે બીજી બાજુ વહેતાં હોય એવો દેખાવ થઈ રહ્યો હતો. આ બધું દૃશ્ય નિહાળતા નિહાળતા અમે ભલાડા ગામ જે મારી જગોથી એક ગાઉ દૂર છે ત્યાં ગયા. ગામલોકોએ અમને એક સુરક્ષિત ઘરમાં રાખ્યા.ભલાડા ગામ પણ જોખમમાં હતું. ધીમે ધીમે પાણી વધ્યે જતું હતું. ગામના અનુભવી લોકોને સૂઝી આવ્યું કે ત્યાંથી એકાદ ગાઉ દૂર એક મોટા બંધને કારણે પાણીનું રોકાણ થયું હતું. સેંકડો માણસો કોદાળી પાવડા લઈને દોડ્યા અને બંધ તોડી નાખ્યો. એથી પાણીને જોઈતો રસ્તો મળ્યો અને પાણી ઊતરવા માંડયું. આ બંધ ન તોડ્યો હોત તો ગામમાં ભારે નુકસાન થાત. આવી ઘણાં ગામની દશા થયેલી. ગામની ચારેય બાજુ પાણી સિવાય બીજું માલૂમ ન પડે. ઊડતી વાતો આવે કે વસઈ ગામ આખું ધોવાઈ ગયું. માલાવાડા ડૂબી ગયું. આમ બે ત્રણ દિવસ વીત્યા. પાણી ઓસરી ગયું અને ભલાડેથી સોજિત્રે જઈ શકાય એવું થયું એટલે હું ભલાડેથી સોજિત્રે ગયો. ત્યાં પણ લોકોમાં ભારે ગભરાટ હતો. વરસાદ ઓછો થઈ ગયા પછી પણ ગામના રસ્તા ઉપરનાં થોડાં ઘર પડી ગયેલાં હોવાથી પાણી ભરાઈ રહ્યું. તે પાણી જમીનમાં ઊતર્યું અને ઘરની અંદરની ડટણ પાણીથી ભરાઈ જવાથી તે ડટણ પાસેના ઘરના કરા બેસી જવા લાગ્યા. આમ ઘણાં ઘરોનું બન્યું. આવી સ્થિતિમાં ચોરીચખારી ન થાય એટલા માટે બધું વ્યવસ્થિત થતાં સુધી જુવાનોએ ગામનું રખવાળું કરવા માંડ્યું. હરેક ગામમાં નીચાણવાળા ભાગમાં આવેલાં ગરીબોના ઝૂંપડાં તણાઈ ગયાં હતાં. ભંગી, વાઘરી વગેરે કોમો બહુ દુ:ખમાં આવી પડી હતી. તેઓ બધા ઘર વિનાના થઈ પડ્યા હતા.

ગામલોકોએ તેઓને ગામની ધર્મશાળામાં કે નિશાળના મકાનમાં કે ચોરાના મકાનમાં રાખ્યા હતા અને તેમનું પોષણ થતું હતું. દુ:ખ આવે છે ત્યારે માણસ નમ્ર બને છે. પોતાની કડકાઈ થોડો સમય ભૂલી જાય છે. તેનું અભિમાન ગળી જાય છે. સ્વાર્થ પણ ઓગળી જાય છે. અને જાણે આ સ્વાર્થભરી દુનિયામાં અપૂર્વ પલટો થયો હોય તેમ જ્યાં ત્યાં પ્રેમ અને ઉદારતા જોવામાં આવે છે. દાવાનળ લાગે ત્યારે સિંહને પોતાનો જીવ બચાવવાનો હોય, અને હરણાને પણ પોતાનો જીવ બચાવવો હોય. દાવાનળમાંથી છટકવું મુશ્કેલ હોય છે. સિંહ હરણાનો શિકાર કરવામાં પડે તો તેનું જ આવી બને. આમ આ રેલસંકટમાં પણ બન્યું. પાણીના વહેણમાંથી બચવા ખાતર એક ઝાડ ઉપર વાંદરું બેઠું હોય, તેના ઉપર માણસ પણ ચડે અને તેના ઉપર સાપ પણ પોતાનું રક્ષણ મેળવે. આમ ત્રણેય જણ એકબીજાને દેખે છતાં નિર્ભય થઈને ઠંડીથી ઠૂંઠવાઈને બેસી રહે. આવા પ્રસંગો પણ સાંભળ્યા છે. આભડછેટથી ભાગનારા લોકોએ પોતાનાં ઘર અસ્પૃશ્ય ગણાતા લોકો માટે ખુલ્લાં મૂકેલાં જાણ્યાં છે. આવા સમયે જ આપણાથી સમજી શકાય છે કે આ સંસારની જીવનદોરી એક દયા-સ્નેહ-અહિંસા છે. માનવજાતનો કે જીવમાત્રનો સ્વાભાવિક ગુણ પ્રેમ છે, કૂરતા નહીં. ક્રૂરતા એ ક્ષણભરનો નશો છે.

આ બધું જોતાં એમ પણ લાગે છે કે રેલથી નુકસાન થવાને બદલે લાભ બહુ થયો હશે. તે શી રીતે તે હું સમજાવી નહીં શકું. રેલથી મને પોતાને અંગત આર્થિક નુકસાન થયું છે, તેવું ઘણા થોડાને થયું હશે. છતાં હું જોઈ શકું છું કે તેથી મારા જીવનને નુકસાન નથી જ થયું. તેનાથી હું મારા જીવનને પલટાવી નથી શકયો એ વાત સાચી. તેમ તેનો મહામૂલો પાઠ પણ હું મારા જીવનમાં ઉતારી શક્યો નથી. પણ તે રેલથી મને એવી એક ભારે ઠોકર વાગી કે હું કાંઈક સમજ્યો. મારી મહત્ત્વાકાંક્ષાને હું કાબૂમાં રાખતાં શીખ્યો. ‘હું આમ કરી નાખું’ની જે ઘેલછા મને લાગેલી તેમાંથી હું બચ્યો.

આ રેલસંકટ ગુજરાતના મોટા ભાગમાં ગુજર્યું હતું. પણ સરદાર વલ્લભભાઈની કુશળ સરદારી નીચે મહાસભાના કાર્યકર્તાઓએ બહુ સુંદર કામ કરી આ ભયંકર રેલની આફતનું દુ:ખ લોકો માટે બહુ હળવું કરી દીધું. હું મારા ઘરની દુગ્ધામાં પડેલો હોઈ આ રેલસંકટના કાર્યમાં વિશેષ ભાગ ન લઈ શક્યો તેના દુઃખનો ખટકો મારા હૃદયમાં રહી ગયો છે.

[नवजीवनનો અક્ષરદેહ-જુલાઈ 2019માંથી]
First published: September 21, 2019, 12:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading