Home /News /madhya-gujarat /

લૉકડાઉનમાં પાન મસાલાનું વ્યસન છૂટ્યું, બચેલી રકમમાંથી રાશન કિટ્સ વહેંચી

લૉકડાઉનમાં પાન મસાલાનું વ્યસન છૂટ્યું, બચેલી રકમમાંથી રાશન કિટ્સ વહેંચી

લૉકડાઉનમાં પાન મસાલાનું વ્યસન છૂટ્યું, બચેલી રકમમાંથી રાશન કિટ્સ વહેંચી

પાન-મસાલા ના ખાતા બચત થયેલી રકમમાં ગામના અન્ય યુવાનોએ તેમની પોતાની રકમ ઉમેરીને રૂપિયા 50 હજારથી વધુની રકમની રાશન કિટ બનાવી

અમદાવાદ : કોરોના મહામારીના કારણે લૉકડાઉનની પરિસ્થિતિમાં ગુજરાતમાં નાના-મોટા ધંધા-વ્યવસાય બંધ થયા હતા. જેના કારણે આ ધંધા- વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોની સાથે દરરોજ પાન–મસાલા- ધૂમ્રપાન કરતા લોકો માટે પણ મુશ્કેલી ઉભી થઈ હતી. આ વિકટ પરિસ્થિતિમાં ધૂમ્રપાન કરતા લોકો મક્કમ મનોબળ સાથે તેમના વ્યસનોને તિલાંજલી આપવા અને આફતને અવસરમાં બદલવા કાર્યશીલ બન્યા છે. જેના પરિણામે આજે અનેક લોકો વ્યસનોથી મુકત થયા છે. જયારે કેટલાક લોકો આ મહામારીના સમયમાં તેમના વ્યસનો બંધ થતા તેની બચત રકમમાંથી જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બની અન્યોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા નાનકડા ગામ તાવીના યુવાનોએ આવું જ પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. લૉકડાઉનની પરિસ્થિતિમાં પાન-મસાલાની દુકાનો બંધ થતા તાવીના આ યુવાનોનું પાન-મસાલા ખાવાનું પણ બંધ થયું હતું. તેના કારણે તેમની પાસે બચત થયેલી રકમમાં ગામના અન્ય યુવાનોએ તેમની પોતાની રકમ ઉમેરીને રૂપિયા ૫૦ હજારથી વધુની રકમની રાશન કિટ બનાવી ગામના કન્ટેનમેન્ટ વિસ્તારમાં રહેલા જરૂરીયાતમંદ પરિવારોને પહોંચાડીને અન્યોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે.

આ પણ વાંચો - કોરોના મહામારીમાં કામગીરી અંગે માહિતી આપતા અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કેમ બંધ કરી?

તાવી ગામની આ યુવા ટીમને તેમના આ સેવાકિય કાર્ય માટે નેતૃત્વ પુરૂ પાડી રહેલા બલવિરસિંહ રાણા જણાવે છે કે અમારી ટીમના કેટલાક યુવાનો પાન-મસાલા ખાતા હતા. પરંતુ લૉકડાઉનની પરિસ્થિતિમાં પાનની દુકાનો બંધ થતા પાન-મસાલા મળતા બંધ થયા અને તેના કારણે અમારા ગામના યુવાનોની પાન-મસાલા પાછળ જે રકમ ખર્ચાતી હતી તે રકમની બચત થતા અમે બધાએ ભેગા થઈ આ બચત થયેલ રકમમાં અમારા તરફથી પણ એક ચોક્કસ રકમ ઉમેરીને અમારા ગામના કન્ટેનમેન્ટ વિસ્તારમાં રહેલા 16 જેટલા દેવીપૂજક પરિવારોને રાશન આપવાનો નિર્ણય કર્યો.

તાવીમાં લૉકડાઉન પહેલા બે જ દેવીપૂજક પરિવારો હતા પરંતુ કોરોનાની મહામારીના કારણે આ જ ગામના અન્ય 14 જેટલા પરિવારો 2 મહિના પહેલા જ મુંબઈથી અહીં આવી ગયા હતા. તે તમામ પરિવારના કુલ મળી 80 જેટલા વ્યકિતઓ માટે ભરણપોષણની મુશ્કેલી હતી. તેવામાં તાજેતરમાં તાવીમા આવેલા દેવીપૂજક પરિવારના બહેનને કોરોના પોઝિટીવ આવતા આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી, ત્યાં અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેના કારણે આ દેવીપૂજક પરિવારોની આર્થિક સ્થિતી વધુ ખરાબ બની હતી.

તાવીના આ યુવાનોએ પોતાના ગામના આ પરિવારોનું કોઈપણ વ્યકિત ભૂખ્યુ ન સૂવે એ માટે ભેગા મળી 5 કિલો ઘઉંનો લોટ, 1 કિલો બટેટા, 1 કિલો ડુંગળી, દોઢ લીટર તેલ, 500 ગ્રામ મરચું, 250 ગ્રામ હળદર, 250 ગ્રામ જીરુ, 500 ગ્રામ ચા અને 1 કિલો ખાંડની કિટ બનાવી પ્રત્યેક પરિવાર દિઠ 1-1 કિટ આપી હતી. એટલું જ નહી, આ દેવીપૂજક પરિવારના બાળકો દૂધ વગરના ન રહે તે માટે સવાર-સાંજ દૂધની એક-એક કોથળી અને છાશ પણ તેઓ આપી રહ્યાં છે.

બલવીરસિંહ કહે છે કે, અમે સૌ યુવાનોએ પહેલા આ પરિવારોનો સર્વે કરી, ત્યાર બાદ તેમની જરૂરિયાત મુજબની રાશનની કિટ તૈયાર કરી હતી. આ પછી તેમના કન્ટેન્મેન્ટ વિસ્તાર સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાંથી તેમના આગેવાન તે કિટ મેળવીને તમામ પરિવાર સુધી પહોંચાડે છે. આ ઉપરાંત કોઈપણ પરિવારને કોઈ ચીજ-વસ્તુની જરૂરીયાત પડે તો તેમના દ્વારા અમને મોબાઈલથી જાણ કરવામાં આવતા અમે તુરંત જ તેમના સુધી તે વસ્તુ પહોંચાડીએ છીએ. આ ઉપરાંત ગરમીની સિઝન હોવાથી આ પરિવારોને ભોજનમાં છાશ મળી રહે તે માટે અમે ગામમાંથી છાશ લાવીને તે છાશ પ્લાસ્ટીકની થેલીમાં પેક કરી પરિવારો સુધી પહોંચાડીએ છીએ.
Published by:Ashish Goyal
First published:

Tags: Surendranagar, ગામડા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन