રેરેસ્ટ ઑફ ધ રેર સર્જરી : 8 કલાકના જટિલ ઓપરેશન બાદ બાળકની અન્નનળીનું ટ્યૂમર દૂર કરાયું

રેરેસ્ટ ઑફ ધ રેર સર્જરી : 8 કલાકના જટિલ ઓપરેશન બાદ બાળકની અન્નનળીનું ટ્યૂમર દૂર કરાયું
જય.

‌ઓપરેશન કરનાર તબીબ ડૉક્ટરોની બનેલી નિષ્ણાતોની ટીમનું કહેવું છે કે, "એક સંશોધન પ્રમાણે બાળકોમાં આ પ્રકારની જટીલ સમસ્યાઓના કિસ્સા વૈશ્વિક સ્તરે અંદાજે માત્ર 50 જેટલા જ જોવા મળ્યા છે."

  • Share this:
ગાંધીનગર : રાજસ્થાન (Rajasthan)ના 10 વર્ષના માસૂમ બાળક જયને અન્નનળીમાં ટ્યૂમર (Alimentary Canal Tumor) થયું હતું. છેલ્લા દોઢ વર્ષથી આ ટ્યૂમરની તકલીફના કારણે તે બરાબર જમી પણ શકતો ન હતો. આ કારણે તેનું વજન ધીમે ધીમે ઘટી રહ્યું હતું. આ ઉપરાંત બીજી શારીરિક સમસ્યાઓ પણ વધવા લાગી હતી. પિતા પ્રેમ જયશંકરે રાજસ્થાનની વિવિધ હૉસ્પિટલમાં ટ્યૂમરના નિદાન માટે ઘણા પ્રયાસ કર્યા પરંતુ ક્યાંય સફળતા મળી ન હતી. છેલ્લા વિકલ્પ તરીકે અમદાવાદ (Ahmedabad)માં રહેતા તેમના એક સગાએ સિવિલ સંકુલ સ્થિત કેન્સર હોસ્પિટલ (Ahmedabad Civil Cancer Hospital)માં નિદાન માટે સૂચન કર્યુ હતું. ત્યાર બાદ જયના પિતા જી.સી.આર.આઇ. આવી પહોંચ્યાં હતા. પછી જે થયું તે એક ઇતિહાસ બની રહ્યો છે.

જયને અન્નનળીમાં ટ્યૂમર હોવાના કારણે ખાવા-પીવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. છેલ્લા દોઢ વર્ષમાં તેનું આશરે 15 કિ.ગ્રા વજન ઓછું થઇ ગયું હતું. વિવિધ હૉસ્પિટલમાં તપાસ કરાવવા છતાં કોઈ ચોક્કસ નિદાન થઈ શકતું નહોતું. છેલ્લે અમદાવાદ સિવિલ સંકુલની જી.સી.આર.આઇ. હૉસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડૉ.રાજન ગર્ગ અને તેમની ટીમ દ્વારા રેરેસ્ટ ઑફ ધ રેર કહેવાતી આ સર્જરી કરવા માટે બીડુ ઝડપવામાં આવ્યું હતું.

લૉકડાઉન પહેલા જયને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને દોઢ મહિનો વિવિધ ટેસ્ટ અને રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ પ્રકારના કેસમાં થોડી પણ ગફલત જય માટે ઘાતકી સાબિત થઈ શકે તેમ હતી. આ માટે તબીબોની ટીમે વિશ્વમાં કરવામાં આવેલા આ પ્રકારના ઑપરેશનનો બારીકાઈથી અભ્યાસ  કર્યો હતો. લૉકડાઉન પૂર્ણ થતાં જયના અન્નનળીમાંથી ટ્યૂમર કાઢવા ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સતત 8 કલાક ચાલેલા ઓપરેશનમાં અંતે ઓપરેશન સફળ રહ્યું હતું. અન્નનળીના ટ્યૂમરનો હિસ્સો કાઢીને અન્નનળીનો નવો માર્ગ બનાવવામાં આવ્યો હતો. હાલ ઓપરેશનના 10 દિવસ બાદ જય સારી રીતે કોઇપણ જાતની તકલીફ વગર પહેલાની માફક ભોજન લઈ શકે છે.જયના પિતા પ્રેમજયશંકર કહે છે કે, "જય જીવી શકશે તેની આશા હું છોડી ચુક્યો હતો. પરંતુ સિવિલ સંકુલની જી.સી.આર.આઇ.ના તબીબોએ મારા જયને નવજીવન બક્ષ્યું છે.. સરકારી હોસ્પિટલમાં સંવેદનશીલતા સાથે સરસ સહકાર મળશે તેની  કલ્પના ન હતી. હૉસ્પિટલમાં અમને ઉચ્ચ તબીબી સારવાર સાથે-સાથે હૂંફ અને માનવતા પણ જોવા મળી છે. મારા બાળકની અતિ જટિલ સમસ્યાને લઇ ચિંતિત રહેતો ત્યારે હૉસ્પિટલના તબીબો અને સ્ટાફ મિત્રો દ્વારા મને દિલાસો આપવામાં આવતો હતો. મારી સાથે સારો વ્યવહાર કરીને મને સાચો રસ્તો બતાવ્યો છે. જે માટે હું હર હંમેશ જી.સી.આર.આઇ. હૉસ્પિટલ અને ગુજરાત સરકારનો ઋણી રહીશ."

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્યુમર બે પ્રકારના હોય છે એક કે જે કેન્સર બનીને શરીરના અન્ય ભાગમાં પ્રસરતા હોય છે અને બીજા મૂળ જગ્યાએ જ વધતા હોય છે. અન્નનળીમાં થયેલા ટ્યૂમર જયારે વધવા લાગે ત્યારે સમગ્ર પાચનતંત્રને અસર પહોંચાડી શકે તેવી શક્યતાઓ રહેલી હોય છે. જેના કારણે તેને વહેલી તકે દૂર કરવું જરૂરી છે. અન્નનળીમાંથી ટ્યૂમર દૂર કર્યા બાદ પૂર્વવત: અન્નનળી કામ કરે તેની સંભાવનાઓ ઓછી રહેલી હોવાના કારણે અન્નનળીનો માર્ગ બદલવો જરૂરી બની જાય છે.

વીડિયો જુઓ : ઇન્જેક્શન કૌભાંડ મામલે સાત લોકો સામે ફરિયાદ

‌ઓપરેશન કરનાર તબીબ ડૉક્ટરોની બનેલી નિષ્ણાતોની ટીમનું કહેવું છે કે, "એક સંશોધન પ્રમાણે બાળકોમાં આ પ્રકારની જટીલ સમસ્યાઓના કિસ્સા વૈશ્વિક સ્તરે અંદાજે માત્ર 50 જેટલા જ જોવા મળ્યા છે. આ સંજોગોમાં જયનું ઓપરેશન ખૂબ જ સંકુલ અને જટિલ પ્રકારનું હોવાથી વિશ્વમાં અન્ય જગ્યાએ કરવામાં આવેલા ઓપરેશનનો વિશદ અભ્યાસ કરીને જયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સમયસરના નિદાન અને તાત્કાલિક ઓપરેશનને કારણે તેનો જીવ બચી શક્યો છે. સિવિલ હોસ્પિટલ માટેની આ ખૂબ જ અગત્યની સફળતા કહી શકાય તેમ નિષ્ણાત ડોક્ટરોની ટીમનું કહેવું છે."
Published by:Vinod Zankhaliya
First published:July 11, 2020, 15:25 pm

ટૉપ ન્યૂઝ