અમદાવાદઃ રેનબસેરા બિલ્ડિંગની ફાઇલ એક વર્ષની મંજૂરી માટે ધૂળ ખાય છે

News18 Gujarati
Updated: July 18, 2019, 2:32 PM IST
અમદાવાદઃ રેનબસેરા બિલ્ડિંગની ફાઇલ એક વર્ષની મંજૂરી માટે ધૂળ ખાય છે
સિવિલ હોસ્પિટલ કેમ્પસની તસવીર

આરોગ્ય વિભાગની આળસ 1200 બેડ હોસ્પિટલની સાથે રેઇન બસેરા પણ તૈયાર કરવાનો પ્રોજેકટ અટકી પડ્યો. રૈનબસેરા બિલ્ડીંગની ફાઈલ મંજૂરી માટે એક વર્ષથી ધૂળ ખાઈ રહી છે.

  • Share this:
હિમાંશુ વોરા, અમદાવાદઃ એકતરફ રાજ્ય સરકાર અમદાવાદને ગુજરાતનું મેડીકલ હબ બનાવવાની વાતો કરે છે તો બીજીબાજુ ઢંગધડા વગરના આયોજનને કારણે તઘલખી નિર્ણયો લે છે. જેના કારણે પ્રજાનો પૈસો અને સમય બંને વેડફાય છે. સાથે-સાથે લોકો પણ હેરાન થાય છે. સરકારના આવા જ તઘલખી નિર્ણય મુજબ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કરોડો રૂપિયા ખરચી નાંખ્યા છે. પરંતુ હવે એકાએક આરોગ્ય વિભાગ દ્વારા અસારવા સિવિલ કેમ્પસમાં નવા વિકાસકાર્ય ઉપર રોક લગાવી દેવામાં આવી છે. જેને પગલે નવીન 1200 બેડની હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીના સગાસંબંધીઓ રાતવાસો કરી શકે તે માટે નવ માળના અધ્યતન રેનબસેરાના બિલ્ડિગના પ્રોજેક્ટને છેલ્લા એક વર્ષથી અધ્ધરતાલે લટકાવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અસારવા ખાતે આવેલી અને 110 એકરમાં ફેલાયેલી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જુદી જુદી હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત કુલ 14 જેટલી સંસ્થાઓ આવેલી છે. જેમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત નવીન 1200 બેડની હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, ડેન્ટલ હોસ્પિટલ, પેરાપ્લેજીયા હોસ્પિટલ, ટી.બી હોસ્પિટલ અને બી.જે મેડીકલ કોલેજ સહિત શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે.

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી હોસ્પિટલોમાં રોજની હજારો લોકોની ઓ.પી.ડી અને ઈન્ડોર પેશન્ટોની સંખ્યા હજારોમાં થાય છે. કારણ કે અહી ગુજરાતના અન્ય શહેરો ઉપરાંત આસપાસના રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી પણ ઘણાં દર્દીઓ સારવાર માટે આવે છે. અહી સારવાર લેવા આવનાર દર્દીએ ઘણીવાર દિવસો સુધી દાખલ રહેવું પડે છે. આ તબક્કે દર્દીને તો હોસ્પિટલમાં બેડ મળી જાય છે. પરંતુ દર્દી સાથે આવનાર સગાસંબંધીને રહેવાની સમસ્યા સર્જાય છે. આથી જ શિયાળો, ઉનાળો કે ચોમાસાની સિઝન હોય સિવિલ કેમ્પસમાં દર્દીના સગાંસંબંધીઓ ગમે ત્યાં ખુલ્લી જગ્યાએ સૂતા હોવાના દ્રશ્યો વારંવાર જોવા મળે છે.

સરકારે દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી 1200 પથારીવાળી અધ્યતન હોસ્પિટલ બનાવી દીધી. નવી 1200 બેડની હોસ્પિટલનો પ્રોજેક્ટ મૂકાયો ત્યારે જ દર્દીઓની સાથે આવનાર તેમના સગાસંબંધીઓને રહેવાની વ્યવસ્થાની પણ વિચારણા કરવામાં આવી હતી. જેના ભાગરુપે 1200 બેડની હોસ્પિટલ સામે જ 9 માળનું અને અંદાજે 1000 લોકો રાતવાસો કરી શકે તેવી વ્યવસ્થા ધરાવતું રેનબસેરા બિલ્ડીંગ બનાવવવાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જેથી ગુજરાતના અન્ય શહેરોમાંથી કે અન્ય રાજ્યમાંથી આવેલા દર્દીના સગાસંબંધી અહી રાતવાસો કરી શકે.

આ પણ વાંચોઃ-જે પ્રેમ ન કરી શકે તે ક્રાંતિ ન કરી શકે, આંતરજ્ઞાતિય લગ્ન કરવા જ : મેવાણી

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ લગભગ 35 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર રેનબસેરા બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોર ઉપર 10 જેટલી દુકાનો બનાવવાનું આયોજન છે. ત્યારબાદના તમામ માળ ઉપર રુમ અને ડોરમેટરી, કોમન રસોડુ, ટોઈલેટ અને બાથરુમની પણ વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર બિલ્ડીંગની ડીઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે. આ બિલ્ડીંગ માટેની ટેન્ડર પ્રક્રીયા પણ કરી દેવામાં આવી છે. લગભગ એક વર્ષ પહેલા રેનબસેરા બિલ્ડીંગ બનાવવાની સમગ્ર પ્રક્રીયા પૂરી કરી દેવાઈ છે. હાલ રેનબસેરા બિલ્ડીંગની ફાઈલ આરોગ્યમંત્રી નીતીન પટેલની ઓફીસમાં મંજૂરી માટે પડી રહી છે.ગાંધીનગર આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારી જણાવે છે કે, રેનબસેરા બિલ્ડીંગ એ ખરેખર લોકઉપયોગી પ્રોજેક્ટ છે. સરકારના પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટીંગ યુનિટ (પી.આઈ.યુ) દ્વારા રેનબસેરા બિલ્ડીંગને લગતા ડીઝાઈનથી માંડીને ગ્રાઉન્ડ વર્કના તમામ રિપોર્ટસ તૈયાર કરી દેવાયા છે. પરંતુ હવે આરોગ્ય વિભાગ દ્વારા અસારવા સિવિલ કેમ્પસના બાંધકામ અને ડેવલપમેન્ટને લગતાં તમામ પ્રોજેક્ટ ઉપર રોક લગાવી દેવાઈ છે. જેની પાછળનું કારણ હવે આરોગ્યમંત્રી સોલા સિવીલ હોસ્પિટલ કેમ્પસમાં નવીન પ્રોજેક્ટમાં રસ લઈ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે મોટા ઉપાડે અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસને મેડીકલ હબ બનાવવા મેડીસીટી સોસાયટીની રચના કરી દીધી આ સાથે અદ્યતન 1200 બેડની હોસ્પિટલ પણ બનાવી દીધી છે. પરંતુ અહી દાખલ થનાર 1200 દર્દીઓ સાથે આવનાર 1200 સગાસંબંધી કયાં રાતવાસો કરશે એ પ્રશ્ન તો ઉભો જ છે. અલબત આ મુદ્દે સિવિલ હોસ્પિટલના અને પી.આઈ.યુ ના અધિકારીઓ કંઈ પણ બોલવા તૈયાર નથી.
First published: July 18, 2019, 2:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading