રાહુલ ગાંધીએ મને જોઈએ તે જવાબદારી આપવાનું વચન આપ્યું: અલ્પેશ ઠાકોર

News18 Gujarati
Updated: January 10, 2019, 2:48 PM IST
રાહુલ ગાંધીએ મને જોઈએ તે જવાબદારી આપવાનું વચન આપ્યું: અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોર, રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

"રાહુલ ગાંધીને મારા પર ખૂબ ભરોશો છે. તેમણે મને કહ્યું છે કે અલ્પેશ તું કહીશ તેવી જવાબદારી હું તને આપીશ. રાજકારણમાં ક્યારેય આવું નથી થતું કે તમે ઇચ્છો તેની જવાબદારી તમને મળે."

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ ઠાકોર સેનાના સ્થાપક અલ્પેશ ઠાકોરે આજે (ગુરુવારે) નવી દિલ્હી ખાતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિત અને કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક કહલ અંગે વાતચીત થઈ હતી. રાહુલ ગાંધી સાથે બેઠક બાદ અલ્પેશ ઠાકોરે નવી દિલ્હીથી ખાસ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરી હતી. અલ્પેશ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમની વાત સાંભળી છે, તેમને મને જ્યાં પણ કામ કરવું હોય ત્યાં કરવાની ઓફર પણ આપી છે. સાથે જ અલ્પેશ ઠાકોરે એવું જણાવ્યું હતું કે પક્ષમાં સાચી વાત કરવી તેને ગદ્દારી ન કહી શકાય. આ પ્રસ્તુત છે અલ્પેશ ઠાકોર સાથે સવાલ-જવાબના અંશો.

રાહુલ ગાંધી સાથે શું વાતચીત થઈ?

"આજની બેઠકમાં મેં ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે રાહુલ ગાંધીને વાકેફ કરાવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતમાં કેવી રીતે ચૂંટણી જીતી શકાય, કેવી રીતે તૈયારી કરી શકાય, પાર્ટીને કેવી રીતે મજબૂત કરી શકાય તે તમામ વાતો અંગે વાતચીત થઈ હતી. મેં રાહુલ ગાંધી પાસે માંગણી કરી હતી કે મને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવે. હાલ તેમને મને એવું કહ્યું છે કે હું બિહારની જવાબદારી ચાલુ રાખું. આગામી મુલાકાતમાં કંઈક વિચારીશું તેવું તેમણે કહ્યું છે. હું તેઓ પરત ફરશે ત્યારે ફરીથી તેમની સાથે મુલાકાત કરીશ."

આ પણ વાંચોઃ કોંગ્રેસના સંગઠનમાં થશે ફેરફાર; ત્રણ MLA દિલ્હીમાં અહેમદ પટેલને મળ્યા

તમને બીજેપી તરફથી ઓફર મળી હતી?

આ સવાલ પર અલ્પેશે જણાવ્યું કે, "મને બીજેપી તરફથી કોઈ ઓફર મળી નથી. બીજેપીના કોઈ નેતાએ મારી સાથે ચર્ચા પણ નથી કરી. હું ક્યાંક નથી જઈ રહ્યો. પરંતુ પાર્ટીને વધારે ફાયદો થાય, તેમજ પાર્ટીનું સંગઠન મજબૂત થાય તે માટે આગેવાનોએ કાર્યકરો વતી બોલવું પડે છે. નેતાગીરી સામે સાચી વાત રજૂ કરવાને બળવો ન કહી શકાય. જો આવું જ થાય તો લોકો સાચી વાત બોલવાનું જ બંધ કરી દે."રાહુલ ગાંધીએ જવાબદારી અંગે શું કહ્યું?

અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, "રાહુલ ગાંધીને મારા પર ખૂબ ભરોશો છે. તેમણે મને કહ્યું છે કે અલ્પેશ તું કહીશ તેવી જવાબદારી હું તને આપીશ. રાજકારણમાં ક્યારેય આવું નથી થતું કે તમે ઇચ્છો તેની જવાબદારી તમને મળે. રાહુલ ગાંધીએ આવી વાત કરી તે મારા માટે ખૂબ મોટી વાત છે. તેમણે મને કહ્યું છે કે તારે જ્યાં કામ કરવું હોય તે વિચારી લે, તું જ્યાં પણ કામ કરીશ સારું જ કરીશ."
First published: January 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading