જાહેરહિતની અરજી: પત્નીની સંમતિ વિના પતિ સેક્સ કરે તે ‘રેપ’ જેટલો જ જઘન્ય ગુનો

News18 Gujarati
Updated: November 20, 2019, 7:21 PM IST
જાહેરહિતની અરજી: પત્નીની સંમતિ વિના પતિ સેક્સ કરે તે ‘રેપ’ જેટલો જ જઘન્ય ગુનો
પ્રતિકાત્મક તસવીર

અરજદારનું કહેવું છે કે,‘આઇપીસીની રેપની ધારા મુજબ જો પતિ તેની પત્નીની સંમતિ વિના તેની સાથે સેક્સ કરે તો પણ તેને કોઇ પણ જાતની સજા કરવાની જોગવાઇ નથી

  • Share this:
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં એક અરજ દ્વારા જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે, પત્નીની સંમતિ વિના પતિ સેક્સ કરે તો તેને રેપના કાયદામાંથી મુક્તિ આપવાની જોગવાઇને ગેરબંધારણીય ઠેરવવી જોઇએ.

નિરમા યુનિવર્સિટીની લો ઇન્સ્ટિટ્યુટના વિદ્યાર્થી રમીત સિંઘે કરેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એ.જે.શાસ્ત્રીની ખંડપીઠે એવો સવાલ ઉઠાવ્યો હતો કે આવા જ મુદ્દાની એક રિટ સુપ્રીમ કોર્ટ સમક્ષ થઇ છે. પ્રસ્તુત કેસ સુપ્રીમ કોર્ટમાં થયેલી કેસથી કઇ રીતે અલગ છે તે જણાવવા અરજદારને હાઇકોર્ટે કહ્યું છે અને કેસની વધુ સુનાવણી આજ રોજ મુકરર કરી હતી. આજે સુનવણી બાદ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી 23ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

આ કેસમાં અરજદારે રેપ એટલે કે બળાત્કારના ગુના માટેની આઇપીસીની ધારા ‘375 એક્સેપ્શન ૨’ને ગેરબંધારણીય જાહેર કરવાની માગ કરી છે. તેની રજૂઆત છે કે,‘કાયદાની આ જોગવાઇ મુજબ જો પુરુષ તેની પોતાની પુખ્ત વયની પત્ની સાથે તેની મરજી કે સંમતિ વિના સેક્સ કરે તો તે રેપ(બળાત્કાર) નથી.’ અરજદારનું કહેવું છે કે,‘આઇપીસીની રેપની ધારા મુજબ જો પતિ તેની પત્નીની સંમતિ વિના તેની સાથે સેક્સ કરે તો પણ તેને કોઇ પણ જાતની સજા કરવાની જોગવાઇ નથી. જ્યારે કે આ જ કાયદામાં કોઇ સ્ત્રીની ઇચ્છા કે સંમતિ વિના પુરુષ સેક્સ કરે તો તેને રેપ ગણવામાં આવે છે. એટલે કે આ કાયદાની જોગવાઇ જ વિરોધાભાસી છે. એટલું જ નહીં આ કાયદો દેશના બંધારણે દરેક નાગરિકને સમાનતા અને સન્માન પૂર્ણ જીવન જીવનના જે અધિકારો ક્રમશ: આર્ટિકલ ૧૪ અને ૧૯માં આપ્યા છે એનો પણ ભંગ કરે છે.

કોઇ પણ કાયદામાં સમાનતા હોવી અત્યંત જરૂરી છે. યુવતી કે મહિલા પત્ની હોય તો પણ તેના શરીર પર તેનો અધિકાર છે અને શારીરિક સંબંધ બાંધવો કે નહીં તેનો નિર્ણય કરવાની સ્વતંત્રતા તેને બંધારણે આપી છે. જો પતિ તેની સંમતિ વિના સેક્સ કરે તો એ બંધારણે તેને સન્માનપૂર્ણ જીવવાના હક ઉપર પણ તરાપ છે. તેથી આ કાયદાની જોગવાઇને ગેરબંધારણીય ઠેરવી તેને રદબાતલ કરવી જોઇએ.’
First published: November 20, 2019
વધુ વાંચો
अगली ख़बर