'સ્વ. દેવેન્દ્રસિંહ રાઠોડને ન્યાય આપો'ના બેનર સાથે નીકળી PSIની અંતિમયાત્રા

'સ્વ. દેવેન્દ્રસિંહ રાઠોડને ન્યાય આપો'ના બેનર સાથે નીકળી PSIની અંતિમયાત્રા
શબવાહિની આગળ બેનર લગાવવામાં આવ્યું હતું.

પીએસઆઈના પરિવારે ઉગ્ર રજુઆત કરીને હિજરત કરી જવાની તૈયારી કર્યા બાદ પોલીસને ડીવાયએસપી સામે કેસ કરવાની ફરજ પડી છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતીઃ  લમણે ગોળી મારીને આપઘાત કરી લેનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આજે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ઘાટલોડિયાથી દેવેન્દ્રસિંહની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. વાડજ સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પહેલા તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેઝ રૂમમાંથી ઘરે લાવવામાં આવ્યો હતો. પીએસઆઈના અંતિમ દર્શન માટે કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ પહોંચ્યા હતા. પીએસઆઈની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઘરેથી જે શબવાહિનીમાં તેમના મૃતદેહને સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો હતો તેની આગળ એક બેનર લગાવવામાં આવ્યું હતું. આ બેનરમાં લખ્યું હતું કે, "PSI સ્વ. દેવેન્દ્રસિંહ રાઠોડને ન્યાય આપો, તેના હત્યારા અધિકારીને સજા કરો."

  પોલીસે ગુનો નોંધતા કરવામાં આવી અંતિમવિધિ  કરાઇના પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસમાં પોલીસે ગુરુવારે કરાઇના ડીવાયએસપી એન.પી. પટેલ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરતા આખરે પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો છે. પોલીસે ડીવાયએસપી સામે કલમ 377 અને 306 મુજબ ગુનો નોંધ્યો છે. પીએસઆઈના પરિવારે ઉગ્ર રજુઆત કરીને હિજરત કરી જવાની તૈયારી કર્યા બાદ પોલીસને ડીવાયએસપી સામે કેસ કરવાની ફરજ પડી છે.  સુસાઇડ નોટના બે પાના ગાયબ કરી દેવાયા?

  મૃતક દેવેન્દ્રસિંહ રાઠોડના પરિવારે ગુરુવારે સુસાઇડ નોટ મેળવવા માટે સોલા પોલીસ મથકમાં આરટીઆઈ કરી છે. દેવેન્દ્રસિંહના પિતા સત્યેન્દ્રસિંહના જણાવ્યા પ્રમાણે પોલીસે તેમને જે ચીઠ્ઠી બતાવી હતી તેમાં ત્રણ પાના હતા. હકીકતમાં ઘરમાંથી કબજે લેવાયેલી સુસાઇડ નોટમાં પાંચ પાના હતા. આથી બાકીના બે પાનામાં કરાઇ એકેડેમીના ડીવાયએસપી એન.પી.પટેલના કારનામા લખ્યાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ માટે જ પોલીસ આ સુસાઇડ નોટને દબાવી રહી છે.

  Devendrasinh Rathod
  આપઘાત કરી લેનાર PSI દેવેન્દ્રસિંહ રાઠોડ


  આ પણ વાંચોઃ PSI આપઘાત પહેલા લખ્યું હતું કે, મારૂં સપનું છે કે દીકરી જજ બને અને દેશની સેવા કરે

  સુસાઇડ નોટને કેમ દબાવી દેવામાં આવી?

  સામાન્ય રીતે આપઘાત કેસમાં પોલીસ સામેથી જ મીડિયાને સુસાઇડ નોટ આપતી હોય છે. પરંતુ આ કેસમાં પોલીસની ભૂમિકા પણ શંકા પ્રેરે તેવી રહી છે. મૃતકના પરિવારે જ્યારે સુસાઇડ નોટની માંગણી કરી ત્યારે તેમને કોર્ટમાંથી હુકમ લાવવાનું કહેવામાં આવ્યું હતું. જે એ વાતની શંકા પ્રેરે છે કે રાજકીય દબાણ કે પછી કરાઇના પોલીસ અધિકારીઓને બચાવવા માટે પોલીસ કોઈની દોરવણી પ્રમાણે કાર્ય કરી રહી છે. અથવા સુસાઇડ નોટમાં એવી સ્ફોટક માહિતી લખવામાં આવી છે જેનાથી પોલીસની આબરૂના લીરેલીરા ઉડી શકે તેમ છે.  આરટીઆઈમાં શું માગણી કરવામાં આવી?

  આરટીઆઈમાં પરિવારના લોકોએ માહિતી અધિકાર નિયમ અંતર્ગત જીવન મરણ અને ન્યાયના કેસને આધિન 24 કલાકમાં વિગતો માંગી છે. પરિવારે 24 કલાકની અંદર પીએસઆઈના રૂમમાંથી મળેલી સુસાઇડ નોટની નકલ તેમજ તેના રૂમમાંથી મળેલી અન્ય વસ્તુની નકલ માંગી છે.

  આ પણ વાંચોઃ ...તો કદાચ PSI દેવેન્દ્રસિંહે આપઘાત કરવાનો વારો ન આવ્યો હોત!

  સુસાઈડ નોટની નકલની સાથે સાથે આરટીઆઈમાં પોલીસે કરેલા પંચનામાની નકલ પણ માંગવામાં આવી છે. આ ઉપરાંત પ્રથમ જાન્યુઆરીના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા લેવામાં આવેલા પીએસઆઈના માતા-પિતા પત્ની, ભાઈ ઉપરાંત દેવેન્દ્રસિંહના સસરા અને તેમના સાળાના નિવેદનની નકલ આપવાની પણ માંગણી કરી છે.
  Published by:News18 Gujarati
  First published:January 04, 2019, 08:08 am

  ટૉપ ન્યૂઝ