સુરતના દુષ્કર્મ આરોપીને ક્યાં અપાશે ફાંસી, તૈયાર થઇ રહી છે ફાંસી ખોલી, જાણો અંદરની વિગતો


Updated: February 8, 2020, 5:05 PM IST
સુરતના દુષ્કર્મ આરોપીને ક્યાં અપાશે ફાંસી, તૈયાર થઇ રહી છે ફાંસી ખોલી, જાણો અંદરની વિગતો
છેલ્લે 1953માં સાબરમતીમાં કાના પરબત નામના કેદીને ફાંસી આપવામાં આવી

છેલ્લે 1953માં સાબરમતીમાં કાના પરબત નામના કેદીને ફાંસી આપવામાં આવી હતી

  • Share this:
અમદાવાદઃ સુરત દુષ્કર્મ અને હત્યા કેસમાં દોષિત અનિલ યાદવને ફાંસી આપવાના હુકમ બાદ તેના વકીલે સુપ્રિમ કોર્ટમાં અરજી તો કરી છે. પણ બીજી તરફ 29 ફેબ્રુઆરીની જે તારીખ આપવામાં આવી હતી તે તારીખને ધ્યાનમાં રાખી જેલતંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. પણ જેલતંત્ર પાસે ફાંસી આપવા માટે જલ્લાદ જ નથી. 66 વર્ષથી જર્જરિત બનેલા ફાંસી ઘરનું રંગરોગાન શરૂ કરાયું છે.

સુરતના લિંબાયતમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપી અનિલ યાદવને ફાંસી આપ્યા બાદ સુરત સેશન્સ કોર્ટે ડેથ વોરંટ જારી કર્યું હતું. 29 ફેબ્રુઆરીએ પરોઢિયે 4.30 વાગે સાબરમતી જેલમાં ફાંસી આપવાનો હુકમ કરાયો હતો. પણ આ ડેથ વોરંટ જારી થયા બાદ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી હજુ બાકી છે. પણ સાબરમતી જેલમાં વર્ષોથી જર્જરીત અવસૃથામાં મૂકાયેલી ફાંસીની ખોલીનું સમારકામ અને કલરકામ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે. જેલમાં ગાંધીજી, સરદાર પટેલની ખોલીની બાજુમાં જ આવેલી ખોલીમાં જ ફાંસીનો માચડો તૈયાર કરવામાં આવી રહ્યો છે હોવાનું સાબરમતી જેલના ડીએસપી ડી વી રાણાએ જણાવ્યું છે.

છેલ્લે 1953માં સાબરમતીમાં કાના પરબત નામના કેદીને ફાંસી આપવામાં આવી હતી

જો કાનૂની અડચણ નહી આવે તો આરોપી અનિલ યાદવને 29મી ફેબ્રુઆરીની વહેલી સવારે સાડા ચાર વાગે ફાંસી આપવા નક્કી કરવામાં આવ્યુ છે. આ માટે ડૉક્ટર સહિતની પેનલને પણ આખરી ઓપ આપી દેવાયો છે. સાબરમતી જેલમાં 1953 પછી પહેલીવાર સુરત દુષ્કર્મના આરોપીને ફાંસી અપાશે. અત્યાર સુધી સાબરમતી જેલમાં 1, રાજકોટમાં 3 અને વડોદરા જેલમાં 3 કેદીને ‌ફાંસી અપાઈ ચૂકી છે. 1953માં સાબરમતી જેલમાં કાના પરબત નામના કેદીને ફાંસી આપવામાં આવી હતી. ત્યાર પછી ફાંસી આપવાની કોઇ ઘટના બની નથી. જે કારણોસર જ જેલમાં ફાંસીની ખોલી પણ જર્જરીત અવસ્થામાં જ પડી છે. આ જોતાં સાબરમતી જેલમાં 66 વર્ષ બાદ ફાંસી આપવાની ઘટના બનશે. અત્યારે તો જેલ સત્તાધીશોએ ફાંસી આપવાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા દોડધામ મચાવી છે. જેલમાં ફાંસીની ખોલીને હાઉસીંગ બોર્ડ દ્વારા રિપેરિંગ કરવામાં આવી રહી છે.

ફિલ્મોમાં ફાંસી આપવાના દ્રશ્યો સૌ કોઇએ જોયા જ હશે અને તેમાં ફાંસી આપનાર જલ્લાદ પણ જોવા મળે છે. જોકે આ જલ્લાદ ગણ્યા ગાંઠ્યા રાજ્યની જેલોમાં જ હાજર હોવાનું સામે આવ્યું છે. સુરતના આ કેદીને ફાંસી આપવામાં આવે તે પહેલા સાબરમતી જેલમાં જલ્લાદ છે કે નહિ તે બાબતે ન્યુઝ18 ગુજરાતીએ પડતાલ કરી તો જેલ તંત્ર પાસે જલ્લાદ નહિ હોવાનું સામે આવ્યું. પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ સહિત અન્ય રાજયની જેમ ગુજરાતમાં પણ વર્ષોથી જલ્લાદ જ નથી. આ જોતાં આરોપીને ફાંસી આપવા માટે નિર્ભયા કેસમાં ય મેરઠના પવન જલ્લાદની મદદ લેવાઇ હતી. હવે ગુજરાતના જેલ સત્તાધીશોએ પણ જલ્લાદ માટે તિહાર અને યવરડા જેલનો સંપર્ક સાધી રહ્યા છે. અગાઉ રાજકોટ અને વડોદરામાં જેલમાં ફાંસી અપાઇ ત્યારે યરવડા જેલમાંથી જ જલ્લાદ બોલાવાયા હતા. ત્યારે આ વખતે પણ આ જ વારો આવ્યો છે. ત્યારે સુપ્રિમ કોર્ટમાં કરાયેલી અરજી બાદ જ આ નક્કી કરેલી તારીખ પર ફાંસી અપાશે કે કેમ તેની રાહ જેલના અધિકારીઓ પણ જોઇ રહ્યા છે.
First published: February 8, 2020, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading