અમદાવાદ : શહેરની વિખ્યાત વી.એસ. હોસ્પિટલ (VS Hospital)ના નવીનીકરણ અને રી-ડેવલપમેન્ટ 120 કરોડના ખર્ચે કરવા રાજ્ય સરકાર અને અમદાવાદ મનપા(AMC)એ જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાત સાથે જ વીએસ હોસ્પિટલ ને લઈને રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. કોંગ્રેસના ધારાસભ્ય સોશિયલ મીડિયામાં તેમના આંદોલનથી વી એસ હોસ્પિટલ ફરીવાર શરૂ થવાનો પ્રચાર કરે છે, તો ભાજપ આને હલકી માનસિકતા ગણાવે છે.
બે દિવસ પહેલા અમદાવાદ મનપા અને સરકારે જાહેરાત કરી કે અમદાવાદની શાન સમાન વી.એસ.હોસ્પિટલ ને 120 કરોડ રૂપિયાના ખર્ચે રી-ડેવલોપ કરવામાં આવશે. આ જાહેરાત સાથે જ પોતાની મહેનત રંગ લાવી હોવાનો દાવો કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટર્સ ફરતા થયા છે કે 'પ્રજા તો જાણે જ છે. અમારું કામ બોલે છે', 'ગ્યાસુદ્દીન શેખની આગેવાનીમાં ચાલતું વી એસ હોસ્પિટલ બચાવો આંદોલન રંગ લાવ્યું'. ' ફાયર બ્રાન્ડ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની હોસ્પિટલ મુદ્દે મેયર સમક્ષ રજૂઆત જુનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરસ થયો છે.
આ અંગે ગ્યાસુદ્દીન શેખ દ્વારા જણાવ્યુ હતુ કે, ભાજપ વી એસ હોસ્પિટલ બંધ કરવાની ફિરાકમા હતી. પરંતુ અમારા આંદોલનના કારણે આ નિર્ણય કરાયો છે. આ મુદ્દે રાજનિતી કરવી અયોગ્ય છે. કારણ કે આ નિર્ણય હજારો લોકોને આર્શિવાદ મળશે. એએમસી નિર્ણયનો ખુબ આભાર માનું છું.
મહત્વનું છે કે, વી.એસ.હોસ્પિટલ તબક્કાવાર બંધ કરાઈ એ સમયગાળામાં ગ્યાસુદ્દીન શેખ અને કોંગ્રેસના નેતાઓએ અમદાવાદમાં અનેક દિવસ સુધી આંદોલન કર્યા હતા, અને તેમની માંગ હતી કે કોઈ પણ ભોગે વી એસ હોસ્પિટલ શરૂ રાખવામાં આવે. હવે જ્યારે તંત્ર એ વી એસ હોસ્પિટલના રી-ડેવલપમેન્ટ નો પ્લાન તૈયાર કર્યો છે ત્યારે તેના યશ લેવાની પ્રક્રિયા ભાજપને પસંદ નથી આવી રહી.
પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા આ બે ધારાસભ્યો પત્રલખુ ધારાસભ્યો છે. જેઓ નાના માં નાની વાત પર સરકાર, કોર્ટ કે કેન્દ્ર સરકારને પત્ર લખવા માટે પંકાયેલા છે. સરકાર હજારો નિર્ણયો લેતી હોય છે ત્યારે એમાં બધા કામોનો સમાવેશ થઈ જાય. પરંતુ આ ધારાસભ્યો સરકારના નિર્ણય ને પોતાના કારણે લીધો હોવાની ખોટી ક્રેડિટ લેવાના આદિ બન્યા હોવાનો આક્ષેપ કર્યો છે અને આજ કોંગ્રેસ ધારાસભ્ય માનસિકતા બતાવી રહ્યા છે.
ગુજરાતની જૂની અને મોટી હોસ્પીટલોમાં વીએસ હોસ્પિટલનું નામ ઉચ્ચ હરોળમાં લેવાય છે. જેને લઇને રાજનીતિ થવી સ્વાભાવિક જ છે, અને જ્યારે 120 કરોડ રૂપિયાનું કામ રીડેવલપમેન્ટ સાથે થવાનું હોય ત્યારે તો જેમને નાની મોટી લડાઈ લડી હોય તે પણ જશ ખાટવા આવી જ જવાના, પરંતુ મહત્વનું એ છે કે રાજનીતિના બદલે વી એસ હોસ્પિટલથી વધારેમાં વધારે લોકોને ફાયદો થાય, બાકી રાજનીતિ તો ચાલતી જ રહેશે.