અમદાવાદ : શહેર પોલીસ (Ahmedabad Police)સામાન્ય પીધેલા લોકોને તો પકડે એમાં કોઈ નવાઈ નથી હોતી. પણ હવે તો ખુદ પોલીસકર્મી જ દારૂ (Alcohol)પી ને નાટક કરતા મામલો ગરમાયો છે. એક પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ પોલીસ કન્ટ્રોલરૂમમાં (Police control room)ફોન કર્યો અને કહ્યું કે પીઆઇના ત્રાસથી હું આત્મહત્યા (Suicide)કરી લઈશ. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં જ તેઓ દોડતા થયા હતા. બાદમાં આ પોલીસકર્મીને ઘરેથી જ ઉઠાવી લીધો હતો. આજે પૂછપરછમાં તેણે નશો કર્યો હોવાનું લાગતા તપાસ કરતા તે પીધેલો હોવાનું સામે આવ્યું જેથી પોલીસે આ જ પોલીસકર્મી સામે ગુનો નોંધ્યો છે.
દરિયાપુરના પીઆઇ સાહેબ અમને નોકરીમાં હેરાન કરે છે અને ધમકી આપે છે કે તમને નોકરીમાંથી કાઢી મુકીશ અને હું આત્મહત્યા કરવા જાવું છું. મારા પીઆઇ સાહેબ જવાબદાર છે પોલીસ મોકલો. આવો મેસેજ ગઈકાલે શહેર પોલીસ કન્ટ્રોલરૂમમાં આવ્યો હતો. જેની જાણ દરિયાપુર પોલીસને કરાતા તમામ સ્ટાફ અને અધિકારીઓ ચિંતામાં આવી ગયા અને બેબાકળા થઈ તપાસ કરવા લાગ્યા હતા. આવો મેસેજ કરનાર પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ હતા. જેથી તાત્કાલિક એક પીએસઆઇ સાથે અન્ય પોલીસ સ્ટાફને કામે લગાડાયો. બાદમાં વનરાજસિંહનું સરનામું મેળવી તેના ઘરે તપાસ કરવામાં આવી હતી. તે કોઈ પગલુ ન ભરે તે માટે તેનું કાઉન્સેલિંગ કરાયું અને બાદમાં તેને પોલીસ સ્ટેશન લવાયા હતા.
ત્યાં અધિકારી સમક્ષ લાવી પૂછતાં તે યોગ્ય જવાબ આપતો ન હતો અને નશો કર્યો હોવાની શંકા લાગતા પોલીસ દ્વારા બ્રેધ એનેલાઈઝરથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં તેણે દારૂ પીધો હોવાનું સામે આવતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં મેડિકલ માટે લઈ જવાયો હતો. જ્યાં તેણે દારૂનું સેવન કર્યું હોવાનું સામે આવતા હવે દરિયાપુર પોલીસે આ અંગે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે લોકો તો દારૂ પીતા ઝડપાય પણ હવે ખુદ પોલીસકર્મી જ દારૂ પી ને આ પ્રકારની હરક્ત કરે તો અનેક પ્રશ્નાર્થ ઉપસ્થિત થતા હોય છે. બીજી વાત એ પણ ચર્ચાઈ રહી છે કે સામાન્ય રીતે આ પ્રકારની તપાસમાં જો પોલીસકર્મી અન્ય વિસ્તારમાં હોય તો તે વિસ્તારની પોલીસે તપાસ માટે જવાનું રહેતું હોય છે પણ આમાં જે પોલીસ સ્ટેશનનો પોલીસકર્મી હતો એ જ પોલીસનો સ્ટાફ અન્ય વિસ્તારમાં જઈને આરોપી પકડી લાવતા અધિકારીઓને બચાવવા આ પ્રકારે કાર્યવાહી કરાઈ કે કેમ તે પણ સવાલ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર