Home /News /madhya-gujarat /અમદાવાદ : નિકોલ 1.30 કરોડની લૂંટ કેસ, સેલ્સમેન સાત જગ્યાએ ફર્યા બાદ લૂંટાયો

અમદાવાદ : નિકોલ 1.30 કરોડની લૂંટ કેસ, સેલ્સમેન સાત જગ્યાએ ફર્યા બાદ લૂંટાયો

છેલ્લા એક મહીનામાં અમદાવાદ શહેરમાં બનેલી ઘટનાઓ જોતા એમ લાગી રહ્યું છે કે ગુનેગારોને હવે પોલીસનો ડર જ રહ્યો નથી.

છેલ્લા એક મહીનામાં અમદાવાદ શહેરમાં બનેલી ઘટનાઓ જોતા એમ લાગી રહ્યું છે કે ગુનેગારોને હવે પોલીસનો ડર જ રહ્યો નથી.

    અમદાવાદ : અમદાવાદમાં લૂંટ ચલાવનાર વિશાલ ગોસ્વામી ગેંગ ભલે પોલીસે ઝડપી લીધી હોય પણ ફરી અન્ય કોઇ ગેંગ સક્રિય થઈ છે તે વાત ચોક્કસ છે. તાજેતરમાં ચાર જેટલી મોટી લૂંટ થવા પામી છે. શહેરના નિકોલ વિસ્તારમાં જાહેર રોડ પર બે શખ્સો 1.30 કરોડની ચીલઝડપ કરીને પલાયન થઇ ગયા હતા. જે કેસમાં પોલીસ તપાસમાં નવી વાતો સામે આવી છે. ભોગ બનનાર સેલ્સમેન સવારથી તેમની સીજી રોડની ઓફિસેથી નીકળ્યા હતા અને બાદમાં સાત જેટલી જ્વેલર્સ શોપ પર માલ બતાવીને તેઓ નિકોલ પહોંચ્યા હતા. જેથી આ તમામ જગ્યાઓ પર સેલ્સમેનની પાછળ પાછળ ચોર ટોળકીએ પણ રેકી કરી હોવાની પ્રબળ શક્યતા હોવાનું પોલીસ માની રહી છે.

    નવા વર્ષની શરૂઆત શહેર પોલીસ માટે અનેક પડકાર લઇને આવી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં એક પછી એક લૂંટ, ચોરી અને ફાયરિંગની ઘટનાએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે. આરોપીઓ જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યાં હોય તેમ એક પછી એક ગુનો આચરી રહ્યાં છે. શહેરના નિકોલ વિસ્તારમાં 3 કિલો સોનાના દાગીના ભરેલી બેગની લૂંટે પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે. સીજીરોડ પર આવેલ વિકાસ ગોલ્ડના સેલ્સમેન કેતનભાઇ સોની નિકોલના વૈભવલક્ષ્મી ગોલ્ડમાં સોનાના દાગીના લઇને આવ્યા હતાં. તેઓ અહીં પહોંચ્યા તે પહેલા તેમના અન્ય સ્ટાફના લોકો સાથે એક ગાડીમાં નીકળી સાત જેટલી જ્વેલર્સ શોપમાં દાગીના બતાવવા ગયા હતા. સૌ પ્રથમ તેઓ વસ્ત્રાલ નિરાંત ચોકડી પાસે આવેલા વિરા જ્વેલર્સ, બાદમાં નિકોલ વિજય ગોલ્ડ, હરિદર્શન ચાર રસ્તા વિનાયક ગોલ્ડ, નરોડાના તુલસી જ્વેલર્સ, કૃષ્ણનગરના જગદંબા અને આભુષણ જ્વેલર્સ, જ્યોતિ ગોલ્ડ પેલેસ, વિનાયક ગોલ્ડ અને બાદમાં તેઓ નિકોલના વૈભવ લક્ષ્મી ગોલ્ડ દુકાનમાં ગયા હતા.



    આ તમામ જગ્યાઓ પર જવા માટે તેઓ સવારે 11.30 વાગ્યે તેમની સીજી રોડ પરની ઓફિસેથી નીકળ્યા હતા. નિકોલ ખાતેની દુકાનમાં પણ દાગીના આપ્યા બાદ તેઓ બીજી જગ્યાએ જવા માટે ગાડીમાં બેસવા જતા હતા ત્યારે જ તેમના હાથમાંથી બેગ ઝૂંટવી શખ્સો ફરાર થયા હતા. જે-જે સાતેય જગ્યાઓ પર કેતનભાઇ સોની ગયા હતા તે તમામ જગ્યા અને તે રૂટ પરના સીસીટીવી ફૂટેજ પણ હવે પોલીસ ચકાસશે અને સાથે સાથે તમામ વેપારીઓની પણ પૂછપરછ કરી નિવેદન નોંધશે.

    છેલ્લા એક મહીનામાં અમદાવાદ શહેરમાં બનેલી ઘટનાઓ જોતા એમ લાગી રહ્યું છે કે ગુનેગારોને હવે પોલીસનો ડર જ રહ્યો નથી. અથવા તો ગુનેગારો પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે. ત્યારે સવાલ અહીં એ ઉભો થાય છે કે પોલીસનું સઘન પેટ્રોલીંગ ક્યાં છે? સોની તથા આંગડિયા પેઢી માટે ખાસ એક્શન પ્લાન ઘડાયો છે તો પણ આ બનાવો કેવી રીતે બની રહ્યા છે? શું જાહેર જનતા પોતાની સુરક્ષા જાતે જ કરવી પડશે?
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો