Home /News /madhya-gujarat /

અમદાવાદ : બે ભાઈ-ચાર બાળકોના સામૂહિક આત્મહત્યા મામલે પોલીસને ચોંકાવનારી હકીકત હાથ લાગી

અમદાવાદ : બે ભાઈ-ચાર બાળકોના સામૂહિક આત્મહત્યા મામલે પોલીસને ચોંકાવનારી હકીકત હાથ લાગી

અમદાવાદ હાથીજણ સર્કલ નજીક પ્રયોશા રેસીડેન્સીમાં બે ભાઈ અને ચાર બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા

બંને ભાઈઓના પાનકાર્ડના આધારે બેંક ડીટેલ અને નાણાકીય વ્યવહારો આ મામલે તપાસ શરૂ કરી હતી. ચોંકાવનારી બાબત એ બહાર આવી છે કે ગૌરાંગ પટેલના નામે પોલીસને અલગ-અલગ બેંકમાં કુલ ૩૭ લોન એકાઉન્ટ મળી આવ્યા

અમદાવાદ : શહેરના હાથીજણ સર્કલ નજીક પ્રયોશા રેસીડેન્સીમાં બે ભાઈ અને ચાર બાળકોના મૃતદેહ મળી આવતા જ પોલીસ એ આ મામલે તપાસ તેજ કરી છે. તમામ લોકો બંધ મકાનમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે આ કયા કારણોસર બંને સગા ભાઈ આ પગલું ભર્યું હતું તે મામલે પોલીસ દ્વારા આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જે ફ્લેટમાં બનાવ બન્યો હતો તે મકાનની બહાર બેંક દ્વારા લોનની બાબતને લઈને નોટીસ લગાવવામાં આવી હતી. જેથી પોલીસને શરૂઆતથી જ એવી આશંકા છે કે આર્થિક સંકડામણને કારણે આ બંને ભાઈઓએ આ પગલું ભર્યું હોઈ શકે છે.

જેને લઇને પોલીસે આજે બંને ભાઈઓના પાનકાર્ડના આધારે બેંક ડીટેલ અને નાણાકીય વ્યવહારો આ મામલે તપાસ શરૂ કરી હતી. ચોંકાવનારી બાબત એ બહાર આવી છે કે ગૌરાંગ પટેલના નામે પોલીસને અલગ-અલગ બેંકમાં કુલ ૩૭ લોન એકાઉન્ટ મળી આવ્યા છે, જ્યારે અંદાજિત ૩૦ લાખ જેટલી લોનની રકમ ભરપાઈ કરવાની બાકી છે. જ્યારે પોલીસે પરિવારના અલગ-અલગ વ્યક્તિઓની પણ આ મામલે પૂછપરછ શરૂ કરી છે અને લગભગ ૧૦થી વધુ સભ્યોના નિવેદન પણ નોંધાયા છે.

જોકે બીજી તરફ બન્ને ભાઈઓનો પરિવાર આ લોનની બાબતથી અજાણ હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આ સિવાય બન્ને ભાઈઓએ અન્ય કોઇ જગ્યાએ મોટી રકમના નાણાકીય વ્યવહાર કર્યા છે કે, કેમ તે અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તો બીજી તરફ જે મકાનમાં આ બનાવ બન્યો છે તે મકાનમાંથી પોલીસને ચાર પ્લાસ્ટિકના ગ્લાસ પણ મળી આવ્યા છે. એટલે પોલીસને એવી આશંકા પણ છે કે બાળકોની હત્યા કર્યા બાદ બંને ભાઈઓએ આ પગલું ભર્યું હોય. જેથી પોલીસ એ આ મામલે એફ એસ એલની પણ મદદ લીધી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad police, Family suicide, Hathijan, Mass Suicide, Shocking news

આગામી સમાચાર