અમદાવાદ : દાણીલિમડા વિસ્તારમાં એક દિવસ પહેલા થયેલા ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનાની તપાસમાં નવો વળાંક આવ્યો છે. ઈજાગ્રસ્તે જાતે જ તેના પર ફાયરિંગ કર્યુ હોવાની હકિકત સામે આવી છે. ઉપરાંત ભોગ બનનાર અને તેના ભાઈની પુછપરછ કરતા 4 હથિયાર અને 26 જીવતા કારતુસ કબ્જે કર્યા છે. ત્યારે હવે પોલીસ હત્યાના પ્રયાસની તપાસ બાજુ પર મુકી હથિયાર કયાંથી અને કેવી રીતે આવ્યા તેની તપાસમાં લાગી છે.
દાણીલીમડામાં બનેલ ફાયરિંગના બનાવ અંગે પોલીસ દ્વારા હકીકત જાણવા માટે તપાસ તેજ શરૂ કરી હતી. જો કે ફરિયાદીએ જણાવેલ ઘટના સ્થળ તેમજ આસપાસના સી સી ટી વી ફૂટેજ તપાસતા એવો કોઈ જ બનાવ બન્યો ન હોવાનુ જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ફરિયાદી અને ઇજાગ્રસ્તની ઉલટ પૂછપરછ શરૂ કરી હતી.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, ફરિયાદી અને તેના ભાઈએ વર્ષ ૨૦૦૮માં વટવાના બરકત અલી રંગરેજની હત્યા કરી હતી. જેથી તેમની અને નજર મહંમદ રંગરેજ તથા મોસીન ઉર્ફે પતલી વચ્ચે અંદરો અંદર ઝઘડા ચાલતા હતા. જેથી ઇજાગ્રસ્તે જાતે જ દેશી તમંચા વડે ફાયરીંગ કરી ખભાના ભાગે ઇજા પહોંચાડી હતી. જોકે હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે અંગે પોલીસે તપાસ કરતા પોલીસને 4 હથિયાર અને 26 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જે અંગે પોલીસે બે અલગ અલગ ફરિયાદ દાખલ કરી હાલમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
એક તરફ શહેરમાં રથયાત્રાની તૈયારી બીજી તરફ સુરક્ષા એજન્સી દ્વારા આપવામાં આવેલા હુમલાના એલર્ટ વચ્ચે માત્ર એક દિવસની તપાસમાં 4 હથિયાર મળી આવતા. પોલીસ સતર્ક બની છે. અને હથિયાર ક્યાથી, કેવી રીતે લાવ્યા અને કેમ રાખવામા આવ્યા તે અંગે તપાસ હાથ ધરી છે.