વાહન ટોઈંગ મામલે શાહપુરમાં બબાલ, પોલીસે ભાજપ-કોંગ્રેસના નેતાઓને બનાવ્યા આરોપી

News18 Gujarati
Updated: August 27, 2019, 6:38 PM IST
વાહન ટોઈંગ મામલે શાહપુરમાં બબાલ, પોલીસે ભાજપ-કોંગ્રેસના નેતાઓને બનાવ્યા આરોપી
કેટલાક લોકોએ પોલીસની ગાડી આગળ ન જઈ શકે તે માટે રસ્તામાં બાંકડા મુકી દીધા

ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામા આવી અને ડ્રાઈવ દરમિયાન ગીચ વિસ્તાર ગણાતા શાહપુરમાં વાહનોને ઉઠાવવાની તેમ જ દંડ ભરવાની કાર્યવાહી શરુ કરવામા આવી

  • Share this:
ભાવિક આચાર્ય, અમદાવાદ: આમ તો ભાજપ અને કોંગ્રેસ એક બીજાના વિરોધી ગણાય છે પરંતુ કેટલીક વાર એવુ પણ બનતુ હોય છે કે, બંને એક જ કાર્ય માટે કોઈ સ્થળ પર ભેગા થઈ પ્રજાના પ્રશ્નને સાંભળવા પહોંચી જાય છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી, પરંતુ પ્રજાના પ્રશ્નને સાંભળવા જતા બંને પક્ષના સ્થાનિક નેતાઓ પર જ પોલીસે ફરિયાદ નોંધી લેતા બંને પક્ષના સ્થાનિક નેતાઓ દોડતા થઈ ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,રવિવારે રજા અને તહેવાર બંને સાથે હતા અને તેવા સંજોગોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામા આવી અને ડ્રાઈવ દરમિયાન ગીચ વિસ્તાર ગણાતા શાહપુરમાં વાહનોને ઉઠાવવાની તેમ જ દંડ ભરવાની કાર્યવાહી શરુ કરવામા આવી. તે સમયે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પ્રજાના પ્રશ્નોને લઈને આગળ આવ્યા પરંતુ ઘટના એવી બની કે બંને પક્ષના આગેવાનો વિરુદ્ધ શાહપુર પોલીસે ગુનો નોધી દીધો.

વીગતે વાત કરીએ તે, શાહપુર હલીમની ખડકી પાસે આવેલ પોળોમાં બહારથી આવેલ મહેમાનોને રેલનુ કામ ચાલુ હોવાથી તેમ જ ગીચ વિસ્તાર હોવાથી વાહન પાર્ક કરવાની જગ્યા ન મળી જેના કારણે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક રહીશો વચ્ચે બોલા ચાલી થઈ હતી. સ્થાનિકોએ વાહનો નહી લઈ જવા તેમ જ પરિસ્થિતીને સમજવાની કોશિશ કરવાની વિનંતી કરી. પરંતુ, પોલીસે તેમની કાર્યવાહી ચાલુ રાખી હતી, જેને લઈ બોલાચાલી વધતી ગઈ અને ટોળુ પણ વધવા લાગ્યુ.આ વાતની જાણ સ્થાનિક આગેવાનોને થતા તેઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જેમા દરીયાપુર વોર્ડ કોંગ્રેસના કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિ, તેમના પતિ ભુપેશ પ્રજાપતિ, ભાજપના દરીયાપુર વોર્ડના મહામંત્રી ભરત ભાવસાર પણ હતા અને તેમણે પોલીસ અને સ્થાનિક લોકોને સમજાવાની કોશિશ પણ કરી હતી. પરંતુ કેટલાક લોકોએ પોલીસની ગાડી આગળ ન જઈ શકે તે માટે રસ્તામાં બાંકડા મુકી દીધા હતા. જે અંગે શાહપુર પોલીસને જાણ થતા પોલીસનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો.

જોકે, આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસ અને ભાજપના આગેવાનોના નામ પણ આરોપી તરીકે આવતા ભાજપ તેમ જ કોંગ્રેસના આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો, અને પોતાના નામ આરોપી તરીકે નીકાળવા માટે દોડ ધામ શરુ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ થોડા સમય પહેલા જ શાહપુરના પીઆઈ આર.કે. અમીનની દાદાગીરી વિરુધ્દ સ્થાનિક ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ વિધાનસભામા પણ રજુઆત કરી ચુક્યા છે.તો બીજી બાજુ પોલીસે ફરિયાદમાં લખ્યું છે કે,, આરોપીઓએ અમારી સાથેના કર્મચારીઓને કાયદેસરની સરકારી કાર્યવાહીમાં અવરોધ ઉભો કરી પોલીસ સાથે બિભત્સ વર્તન કરી અમારી ટ્રાફિક નિયમનની કામગીરીમાં રૂકાવટ ઉભી કરી ટ્રોઈંગ કરેલા વાહનો ગાડીમાંથી નીચે ઉતારી દીધા હતા, આ તમામ ઘટાનાનો અમારા સ્ટાફે મોબાઈલમાં વીડિયો પણ રેકોર્ડિંગ કર્યો છે.
First published: August 27, 2019
વધુ વાંચો
अगली ख़बर