સ્ટેચ્યૂ ઑફ યુનિટી બાદ અમદાવાદનો સાબરમતી આશ્રમ બનશે વૈશ્વિક આકર્ષણ, જાણો કેવો હશે PM મોદીના સપનાનો આશ્રમ

સ્ટેચ્યૂ ઑફ યુનિટી બાદ અમદાવાદનો સાબરમતી આશ્રમ બનશે વૈશ્વિક આકર્ષણ, જાણો કેવો હશે PM મોદીના સપનાનો આશ્રમ
ફાઇલ તસવીર.

સાબરમતી આશ્રમના વિકાસ માટે આશ્રમની આસપાસની જમીનો સરકાર પોતાના હસ્તક લેશે. આશરે 35થી 40 એકર જગ્યામાં આશ્રમનો વિકાસ કરવામાં આવશે.

  • Share this:
અમદાવાદ: પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ (PM Modi dream project) એવા અમદાવાદના સાબરમતી આશ્રમના વિકાસ પર કામ શરૂ થઈ ગયું છે. પીએમ મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની 150મી જન્મજયંતિ અવસરે ગાંધી/સાબરમતી આશ્રમના વિકાસની જાહેરાત કરી હતી. હાલ પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પર કામ શરું થયું છે ત્યારે જાણીએ કેવો હશે પીએમ મોદીના સપનાનો સાબરમતી આશ્રમ?

અમદાવાદની સાબરમતી નદીના કાંઠે આવેલો મહાત્મા ગાંધીનો આશ્રમ દેશ અને દુનિયા માટે નવું નજરાણું બનવા જઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે જેવી રીતે કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરીને વિકાસ કરવામાં આવ્યો છે તેવી જ રીતે સાબરમતી આશ્રમનો વિકાસ કરવામાં આવશે.મોદીનું સ્વપ્ન છે કે દેશ અને દુનિયામાં અમદાવાદનો સાબરમતી આશ્રમ વિખ્યાત થાય અને દુનિયાભરના લોકો આશ્રમની મુલાકાત લે. આ માટે અંદાજે 500થી 700 કરોડ રૂપિયાના ખર્ચે આશ્રમનો વિકાસ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને નાણાનો ખર્ચ કરશે.એવી પણ માહિતી મળી છે કે સાબરમતી આશ્રમના વિકાસ માટે આશ્રમની આસપાસની જમીનો સરકાર પોતાના હસ્તક લેશે. આશરે 35થી 40 એકર જગ્યામાં આશ્રમનો વિકાસ કરવામાં આવશે. આ માટે નવી ટીપી પણ બહાર પાડવામાં આવશે. જે પ્રમાણે આશ્રમની આસપાસ એક પણ ફાઇવસ્ટાર હોટલને સ્થાન નહીં મળે.

આ ઉપરાંત આશ્રમમાં આવીને લોકો ખરેખર શાંતિ અને અહિંસાનો સંદેશ લઈને જાય તે રીતે આશ્રમનો વિકાસ કરવામાં આવશે. પીએમ મોદીની ખાસ સૂચના છે કે આશ્રમમાં આવીને ખરેખર લોકો મનની શાંતિ અનુભવે એ પ્રકારે આશ્રમનો વિકાસ કરવામાં આવે. વિકાસ દરમિયાન આશ્રમના વિવિધ ટ્રસ્ટોને પણ સાથે રાખવામાં આવશે. ગાંધીજીની પ્રિય ખાદી અને હાથવણાટને પ્રોત્સાહન મળે તે પ્રકારના આકર્ષણો આશ્રમમાં વધારવામાં આવશે. એટલે કે હવે અમદાવાદનો સાબરમતી આશ્રમ વૈશ્વિક ઓળખ મેળવવા જઈ રહ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:December 10, 2020, 13:09 pm

ટૉપ ન્યૂઝ