Home /News /madhya-gujarat /ખેડૂતોની એકતાએ Pepsiને ઘુંટણીએ પાડી દીધી: કેસો પાછા ખેંચશે

ખેડૂતોની એકતાએ Pepsiને ઘુંટણીએ પાડી દીધી: કેસો પાછા ખેંચશે

પ્રતિકાત્મક તસવીર

ખેડૂતોની આ મોટી જીત છે. પેપ્સી કંપનીએ ખેડૂતોની માફી માંગવી જોઇએ અને માનસિક હેરાનગતિ સામે વળતર આપવું જોઇએ.

    અમદાવાદ: ગુજરાતમાં બટાટાની ખેતી કરતાં ખેડૂતો પર કરોડો રૂપિયાનાં દાવા કરનારા પેપ્સી કપંનીને ખેડૂતોની એક્તાએ ઢીંચણીએ પાડી દીધી છે અને આજે કંપનીએ જાહેરાત કરી છે કે, ખેડૂતો સામે કરેલા કેસો તે પાછા ખેંચશે.

    ખેડૂતોએ આ સમાચાર સંદર્ભે કહ્યું કે, ખેડૂતોની આ મોટી જીત છે અને હકીકતમાં તો, પેપ્સી કંપનીએ ખેડૂતોની માફી માંગવી જોઇએ અને ખેડૂતોની માનસિક હેરાનગતિ સામે વળતર આપવું જોઇએ.

    અમેરિકાની બહુરાષ્ટ્રિય કંપની પેપ્સીએ ગુજરાતમાં બટાટાની ખેતી કરતા ચાર ખેડૂતો પર અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં કરોડો રૂપિયાનાં દાવા કર્યા હતો. જેમાં ગયા અઠવાડિયે સુનાવણી દરમિયાન પેપ્સી કંપનીએ કોર્ટ બહાર સમાધાન કરવાની ઓફર મૂકી હતી.

    કંપનીએ કોર્ટને જણાવ્યું હતું કે, જો ખેડૂતો કંપની પાસેથી બટાટાનુ બિયારણ ખરીદે અને કંપનીને જ બટાટા વેચવા તૈયાર હોય તો ખેડૂતો સામે થયેલા કેસો પાછા ખેંચવા તૈયાર છે.

    પેપ્સી કંપનીએ બટાટાની ખેતી કરતા ખેડૂતો પર કેસ કર્યા છે એ સમાચાર આવ્યા બાદ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે વિવિધ ખેડૂત સંગઠનોનાં આગેવાનો, કર્મશીલો અને તજજ્ઞોએ પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બટાટાની ખેતી કરતા નવ જેટલા ખેડૂતો સામે પેપ્સી કંપનીએ અલગ-અલગ કોર્ટોમાં વળતરનાં દાવા માંડ્યા છે.

    આ કંપનીએ આ ખેડૂતો પર આક્ષેપ કર્યો છે કે, તેઓ પેપ્સી કંપનીએ વિકસાવેલી બટાટાની વિશેષ જાતનું બિયારણ વાવીને ખેતી કરે છે અને એવો દાવો કર્યો છે કે, ખેડૂતો ગેરકાયદેસર રીતે તેની આ બટાટાની જાતની ખેતી કરે છે.

    સજીવ ખેતી અને ખેડૂતો માટે લડતી જતન સંસ્થાનાં કપિલ શાહે જણાવ્યું હતું કે, કંપનીએ આ વર્ષે અમદાવાદની કોમર્સિયલ કોર્ટમાં ચાર ખેડૂતો સામે દરેક ખેડૂત સામે એક કરોડ પાંચ લાખનાં દાવા કર્યા છે અને આ કેસની સૂનાવણી દરમિયાન કોર્ટે તપાસનાં આદેશ પણ આપ્યા છે અને ખેડૂતોને બટાટા વેચવા પર રોક લગાવી છે.

    “અમેરિકાની પેપ્સીકો ઇન્ડિયા હોલ્ડિંગ પ્રાઇવેટ લી. એ તેની બટાટાની એફસી-પ જાતની કંપનીના કહેવા મુજબ ગેરકાયદે ખેતી બદલ નાના ખેડૂતો પર પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાઇટી અને ફાર્મર્સ રાઇટ્સ એક્ટ, 2001 અતંર્ગત કેસો કર્યા છે. અમે માનીએ છીએ કે, આ કેસો ખેડૂતોને ડરાવવા માટે અને ભયનું વાતાવરણ ફેલાવવા માટે કેસો કર્યા છે પણ ખેડૂતો ગભરાશે નહીં. અમે આ મામલે કેન્દ્ર સરકારનાં સબંધિત વિભાગને પત્ર લખીને જાણ કરી છે અને તાત્કાલિક તેમની દરમિયાનગિરીની માંગણી કરી છે. અમારી માંગણી છે કે, ખેડૂતો પર કરવામાં આવેલા કેસો તૂર્ત જ પાછા ખેંચવામાં આવે. કેમ કે, આ કાયદાની જોગવાઇમાં જ છે કે, ખેડૂતો કોઇ પણ બિયારણ વાવી શકે છે. તેને કોઇ રોકી શકતું નથી,” કપિલ શાહે જણાવ્યું હતું.

    ભારતીય કિસાન સંઘનાં વાઇસ પ્રેસિડેન્ટ અંબુભાઇ પટેલે જણાવ્યું હતુ કે, કંપની આવા કેસો કરીને ખેડૂતોને ભયમાં રાખવા માંગે છે પણ અમે ખેડૂતોની પડખે ઊભા છીએ અને ખેડૂતોએ ડરવાની જરૂર નથી,’’.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Pepsico, ખેડૂતો, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन