સંજય ટાંક, અમદાવાદ : 'મહા' વાવાઝોડું ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. જેની સૌથી વધારે અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં થશે. વાવાઝોડામાં ભારે પવન ફૂંકાતો હોય છે. આ કારણે ફાયરના અધિકારીઓએ લોકોને હૉર્ડિંગ્સ, ઝાડ અને વીજળીના થાંભલાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.
અરબી સમુદ્રમાં ઉદભવેલું 'મહા' વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. મંગળવારે સવારે વાવાઝોડું વેરાવળથી 720 કિલોમીટર, દીવથી 770 કિલોમીટર અને પોરબંદરથી 670 કિલોમીટર દૂર હતું.
વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ થોડી વધારે હશે. જોકે, હવામાન વિભાગે મંગળવારે બપોરે કરેલી આગાહી પ્રમાણે કિનારા સુધી ટકરાય ત્યાં સુધીમાં 'મહા'ની ગતિ મંદ પડી જશે. પહેલા 100થી 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : રાહતનાં સમાચાર : 'મહા' વાવાઝોડું ગુજરાત તરફ આવતા નબળું પડશે
જોકે, હવામાન વિભાગના કહેવા પ્રમાણે પવનની ગતિ 70 થી 80 કિ.મી. પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. આ માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી હોય છે. આકસ્મિક ઘટનાઓના અનુભવોને આધારે અમદાવાદ ફાયર બ્રિગેડના એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું કે, "વાવાઝોડામાં ભારે પવન ફૂંકાતો હોય ત્યારે ઝાડ પડી જવાની ઘટના બનતી હોય છે. સાથે સાથે વીજળીના થાંભલા અને હૉર્ડિંગ્સ પડી જતા હોય છે. આથી લોકોનાં જીવ જોખમમાં મૂકાતા હોય છે. આ કારણે વાવાઝોડા જેવી પરિસ્થિતિ હોય ત્યારે જરુર ન હોય તો બહાર નીકળવાનું ટાળવું જોઇએ. લોકોએ બને તો ઘરમાં જ રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ."
આ પણ વાંચો : 'મહા' વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, 7મીએ દીવ-પોરબંદર વચ્ચે 70-80 કિ.મીની ઝડપે ટકરાશે Published by:Vinod Zankhaliya
First published:November 05, 2019, 14:19 pm