ગુજરાતના ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે તે માટે પાસ કન્વીનર હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. આજે મંગળવારે હાર્દિક પટેલના ઉપવાસનો 11મો દિવસ છે. વચ્ચે ત્રણ દિવસ જળત્યાગ બાદ સંતના હાથે પાણી પીને જળત્યાગને છોડ્યો હતો. જોકે, ઉપવાસના પગલે હાર્દિક પટેલની તબિયત વધારે બગડતી જતી દેખાઇ રહી છે. આજે ઉપવાસના 11માં દિવસે મેડકિલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસમાં હાર્દિક પટેલના વજનમાં ધરખમ ઘટાડો થયો છે.
તો બીજી તરફ એવા પણ સમાચાર આવી રહ્યા છે કે હાર્દિક પટેલના ઉપવાસના 11 દિવસે પાટીદાર સમાજ સંસ્થાઓની બેઠક શરૂ થઇ છે. પાટીદાર સમાજની તમામ છ સંસ્થાઓના પ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. સુત્રોના જણાવવા માટે આ બેઠકમાં તમામ સંસ્થાઓની પ્રાથમિકતા હાર્દિક પટેલના પારણાં કરાવવાની રહેશે. આ ઉપરાંત હાર્દિક પટેલની માગણી અંગે પણ ચર્ચાઓ કરી હતી. જોકે, બેઠક બાદ સંસ્થાઓ તરફથી સી.કે. પટેલે જણાવ્યું હતું કે, "અમારી પાસે હાર્દિક તરફથી વાત યાવી હતી કે, જો પાટીદાર સમજાની છ અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિ પારણાં કરાવશે તો તે પારણાં કરવા માટે તૈયાર છે. "
મળતી માહિતી પ્રમાણે પાટીદાર સમાજ સંસ્થાઓની બેઠક શરૂ થઇ ગઇ છે. ત્યારે તમામ છ સંસ્થા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન, સીદસર ઉમિયા માતાજી સંસ્થાન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ, સમસ્ત પાટીદાર સમાજ સંસ્થાન સુરત, કાગવડ ખોડલધામ અને અમદાવાદ સરદારધામ સંસ્થાનના અગ્રણીઓ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. તમામ છ સંસ્થાઓના 4-4 પ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. જેમાં લવજી બાદશા, મથુર સવાણી, સીક કે પટેલ, પ્રહલાદભાઇ પટેલ, જેરામ બાપા, આર.પી. પટેલ અને ડી.એન. ગોલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ મળતી માહિતી પ્રમાણે તમામ છ સંસ્થાઓના કોર્ડીનેટર તરીકે સી.કે પટેલ કામગીરી કરશે. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની સરકાર સાથે ચર્ચા કરશે. તો આગામી સમયમાં પાટીદાર સમાજના પ્રતિનિધિ મંડળ મળશે.
આ ઉપરાંત ઉમિયા સંસ્થાના ટ્રસ્ટી વાસુદેવ પટેલ સાથે હાર્દિક પટેલની મુલાકાત થઇ હતી. જેમાં હાર્દિક પટેલે પોતાની ચાર માગણીઓને વાસુદેપ પટેલ સામે મુકી હતી. જેમાં અલ્પેશ કથીરિયાને જેલમાંથી મુક્ત કરવા, ખેડૂતોનું દેવું માફ કરવા, પાટીદારો સામે થયેલા કેસો પાછા ખેચવા અને પાટીદારોને આર્થીક આધાર પર અનામત મળે આ મુખ્ય માંગણીઓને લઇને ચર્ચા કરી હતી. આ ઉપરાંત હાર્દિકની કોર ટીમ, માતા-પિતા સાથે પણ થઇ વાતચીત કરાઇ હતી. આ ઉપરાંત હાર્દિકની માગણીઓની ચર્ચા થશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એસજી હાઇવે પાસે આવેલા સોલા ઉમિયા કેમ્પસ ખાતે પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક યોજવામાં આવી હતી. બંધ બારણે આ થયેલી આ બેઠકમાં મીડિયાને દૂર રાખાયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. સોલા કેમ્પસ ખાતે સવારથી જ પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક થઈ હતી. જોકે, આ બેઠકમાં શું ચર્ચા ચાલી રહી છે એ અંગે જાણવા મળ્યુ નથી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ સમાજના મોભીઓએ સરકાર સાથે મધ્યસ્થી કરી હતી.