હિમાંશુ વોરા/ વિભુ પટેલ, અમદાવાદ
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને સમાજના આગેવાનો વચ્ચે 10 મુદ્દા પર ચર્ચા થઈ છે. આ ચર્ચા દરમિયાન પાસ તરફથી મનોજ પનારા, ધાર્મિક માલવીયા અને બ્રિજેશ પટેલ હાજર રહ્યા હતા. જ્યારે પાટીદાર સમાજની સંસ્થા તરફથી સી.કે.પટેલ, દિનેશ કુંભાણી અને પ્રહલાદ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બીજી તરફ હાર્દિક ઝડપથી પોતાના ઉપવાસ છોડી દે તે માટેની કવાયત તેજ કરવામાં આવી છે.
બેઠક દરમિયાન સંસ્થાઓના નેતાઓએ પાસના કન્વીનરોને સૂચના આપી હતી કે આંદોલનને સમજલક્ષી બનાવવામાં આવે. રાજકીય પક્ષો સાથે આંદોલન જોડાયેલું હોવાની છાપને ભૂંસી નાખવામાં આવે તેમજ પાસની અંદર રહેલા આંતરિક વિખવાદોને પણ ભૂલી જવામાં આવે. તે સાથે જ પાટીદાર સંસ્થાઓના નેતાઓએ પાસના કન્વીનરોને ખાતરી આપી હતી કે સામાજિક સંસ્થાઓ પણ તેમની સાથે જ છે.
આ પણ વાંચોઃ ઉપવાસ અંગે લલિત વસોયાનું મોટું નિવેદન, 'હું વ્યક્તિગત રીતે હાર્દિકથી નારાજ'
હાર્દિકના પારણા કરાવવા કવાયત તેજ
હાર્દિક ઝડપથી પારણા કરી લે તે માટે અમદાવાદ ખાતે પાટીદારોની વિવિધ સંસ્થાઓના આગેવાનો વચ્ચે એક બેઠક મળશે. આ બેઠકમાં હાર્દિક પારણા કરી લે તે અંગે ચર્ચા કરવામાં આવશે. આ માટે સામાજિક સંસ્થાઓના આગેવાનો સરકાર સાથે પણ હાર્દિક પટેલના વિવિધ મુદ્દાઓ અંગે વાતચીત કરશે.
પાસના પૂર્વ કન્વીનરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને લખ્યો પત્ર
બીજી તરફ પાસના પૂર્વ કન્વીનર કેતન પટેલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેણે કોંગ્રેસ પર પાટીદાર યુવકોને ગુમરાહ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. પત્રમાં કેતન પટેલે લખ્યું છે કે, પાટીદાર યુવકોને ટિકિટની આપવાની લાલચે ભટકાવો નહીં, વિરોધ પક્ષ તરીકે વિકાસમાં સાથ આપો અને ગુજરાતના બદનામ કરવાનું બંધ કરો.