સંજય જોશી, અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાને હાઇકોર્ટમાં રાજદ્રોહનાં કેસમાં જામીન મંજૂર થયા છે. હાઇકોર્ટમાં આપેલી બાંહેધરીઓનું પાલન કરવાની અને 6 મહિના સુધી સુરતમાં પ્રવેશ નહીં કરવાની શરતે જામીન મંજૂર કર્યા છે.
સુનાવણી મુલતવી રાખી હતી
મહત્વનું છે કે 26મી જુલાઇનાં રોજ રાજદ્રોહ કેસમાં જેલમાં કેદ અલ્પેશ કથીરિયાની જામીન અરજીમાં બંને પક્ષોની દલીલ કોટમાં પૂર્ણ થઇ હતી. બન્ને પક્ષે રજુઆતો પુર્ણ થતા આ મામલે કોર્ટે ચુકાદો મુલતવી રાખ્યો હતો. કોર્ટમાં અલ્પેશ તરફથી અંડરટેકીંગ આપવામાં આવ્યુ હતું, તો સરકારે તેની જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે આ કેસની સુનાવણી આજે થઇ છે.
ગત સુનાવણીમાં કોર્ટમાં બંને પક્ષોના વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. જેમાં અલ્પેશના વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે રાજદ્રોહ કેસ અલ્પેશનો મહત્વનો રોલ નથી અને અલ્પેશે પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હતી જે હવે નહિ કરે તેની બાંહેધરી આપવા અમે તૈયાર છીએ. સાથે જ કોર્ટની તમામ શારતોનું પાલન પણ અલ્પેશ કરશે તેવુ અંડરટેકીંગ પણ કોર્ટમાં આપવામાં આવ્યું છે. તો સામે સરકારે કોર્ટમાં રજુઆત કરી હતી કે અલ્પેશે પોલીસ, જજ, અને સંખ્યાબંધ લોકો સાથે ગેરવર્તન કર્યુ છે. તે વિરુદ્ધ 124 Aની કલમ લગાવવામા આવેલી છે જેમાં આજીવન કેદની જોગવાઈ છે.
અલ્પેશ કથીરિયાના એડવોકેટ યશવંતસિંહ વાળાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 18મી ઓક્ટોબર 2015ના રોજ અમરોલી પોલીસ મથકમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા વિપુલ દેસાઇ અને ચિરાગ દેસાઇ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. પોલીસ ફરિયાદ મુજબ હાર્દિક પટેલે વિપુલ દેસાઇને તેના ઘરે આશ્વાસન આપતી વખતે ‘બે-ચાર પોલીસવાળાને મારી નાંખ, બાકી પાટીદારનો દીકરો મરે નહીં’ એવા ઉશ્કેરણીજનક શબ્દો કહ્યાં હતા. જે અંગેનો ગુનો નોંધાયા બાદ પોલીસે આ કેસની કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં અલ્પેશ કથીરિયાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વનું છે કે ઓગસ્ટ 2015માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર થયેલા તોફાન સ્ંદર્ભે નોંધાયેલા રાજદ્રોહના ગુનામાં અમદાવાદ પોલીસે કથીરિયાની ધરપકડ કરી સાબરમતી જેલભેગો કર્યો હતો. બીજીતરફ સુરત પોલીસે અહીંના કેસ સંદર્ભે ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર