દેશના લોકતંત્ર માટે સૌથી મોટા ઉત્સવ ગણાતી લોકસભા ચૂંટણીમાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લેતાં હોય છે. દેશના ખૂબ જ અંતરિયાળ વિસ્તારથી લઈને મેટ્રો શહેરો સુધી મતદાનને લઈ જાગૃતિ જોવા મળે છે. દર ચાર વર્ષે યોજાતી લોકસભા ચૂંટણીમાં કોની સરકાર રચાશે તેને લઈને દેશની બહાર જઈને વસેલા એનઆરઆઈમાં પણ ઘણી ઉત્સુકતા જોવા મળે છે. ઘણા એનઆરઆઈ ચૂંટણીમાં મતદાન કરવા પોતાના વતનની વાટ પણ પકડે છે. પરંતુ 2014ના ચૂંટણી આંકડા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 2014ની લોકસભા ચૂંટણીમાં એનઆરઆઈની કેટેગરીમાં દેશભરમાંથી માત્ર 8 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં સૌથી વધુ 4 એનઆરઆઈ મતદાર ગુજરાતના છે.
વિદેશ જઈને વસેલા ગુજરાતીઓમાં લોકસભા ચૂંટણીને લઈ ઘણી ઉત્સુક્તા હોય છે. અનેક દેશોમાં વસતા ગુજરાતીઓ એનઆરઆઈ મતદારોમાં જાગૃતિ લાવવાના કેમ્પેન પણ ચલાવતા હોય છે તેમ છતાંય 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી એનઆરઆઈ કેટેગરીમાં માત્ર 4 એનઆરઆઈએ મતદાન કર્યું હતું. આ ચારેય એનઆરઆઈ મતદારોએ કચ્છ બેઠક માટે મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિદેશ જઈને વસવામાં કચ્છીઓ પણ મોટા પ્રમાણમાં છે પરંતુ ચરોતર અને ઉત્તર ગુજરાતમાં પણ એનઆરઆઈનું પ્રમાણ વિશેષ છે.
ગુજરાતની કચ્છ બેઠક ઉપરાંત દેશની માત્ર ત્રણ બેઠકો પર એનઆરઆઈ કેટેગરીમાં મતદાર નોંધાયા છે. જેમાં રાજસ્થાનની જયપુર બેઠકથી એક એનઆરઆઈ મતદાર, પશ્ચિમ બંગાળની બોલપુર બેઠક પરથી એક એનઆરઆઈ મતદાર અને ચંદીગઢની બેઠક પરથી બે એનઆરઆઈ મતદારો નોંધાયા છે.