19 દિવસના ઉપવાસનો અંતઃ પાટીદાર સમાજના અગ્રણીઓએ હાર્દિકના કરાવ્યા પારણાં

News18 Gujarati
Updated: September 12, 2018, 3:24 PM IST
19 દિવસના ઉપવાસનો અંતઃ પાટીદાર સમાજના અગ્રણીઓએ હાર્દિકના કરાવ્યા પારણાં
હાર્દિક પટેલે પારણાં કર્યા

"ભારતમાં જે ગતીએ રોજગારીમાં ઘટાડો થઈ રહ્યો છે તે કોઈ પણ દેશ માટે ચિંતાજનક છે. દિવસેને દિવસે વધી રહેલી બેરોજગારી આપણી વ્યવસ્થાને ધ્વસ્ત કરવા માટે પુરતી છે."

  • Share this:
અમદાવાદઃ ઉપવાસના 19માં દિવસે હાર્દિક પટેલ પારણાં કરી લીધા છે. નરેશ પટેલ, પ્રહલાદ પટેલ સહિત પાટીદાર સમાજના અગ્રણીઓની હાજરીમાં હાર્દિકે પોતાના ઘરે ઉપવાસ છાવણી ખાતે પારણાં કરી લીધા હતા. હાર્દિક પટેલ 25મી ઓગસ્ટ, 2018થી આમરણાંત ઉપવાસ પર બેઠો હતો. આ દરમિયાન તેની તબિયત નાજુક થતાં તેનો હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો. અંતે પાટીદાર સમાજના અગ્રણીઓની સમજાવટ બાદ હાર્દિકે પારણાં કરી લીધા હતા.

'સમાજની લાગણીને માન આપીને હાર્દિક પારણાં કરશે'

હાર્દિકના પારણાં અંગે માહિતી આપતા મનોજ પનારાએ કહ્યું કે, "મંગળવારે સંસ્થાઓના પ્રતિનિધિઓ હાર્દિકને મળ્યા હતા. તેમણે હાર્દિક પટેલને પારણાં કરવા માટે સમજાવ્યો હતો. સમાજના તમામ આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ હાર્દિકને મળવા આવેલા વડીલોએ હાર્દિકને પારણાં કરી લેવા વિનંતી કરી હતી. વડીલોએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે સમાજના દરેક લોકોની ઈચ્છા છે કે હાર્દિકને પારણાં કરી લેવા માટે સમજાવવામાં આવે. હાર્દિકે તેમની પાસે બુધવાર સુધીનો સમય માંગ્યો હતો. આ દરમિયાન ગુજરાતભરના પાસના કન્વીનરોનો અમે સંપર્ક સાધ્યો હતો. તમામ કન્વીનરોએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે હાર્દિક પટેલ જીવતો રહેવો જોઈએ. આ માટે તમામે હાર્દિક પારણાં કરી લે તેવો મત વ્યક્ત કર્યો હતો. હાર્દિક જીવતો અને તંદુરસ્ત રહેશે તો સરકાર સામે લડી શકશે."

 

મંગળવારે આ લોકોએ લીધી હાર્દિકની મુલાકાત

મંગળવારે હાર્દિક પટેલની મુલાકાત લેવા માટે ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર તેમજ સામાજિક કાર્યકર પ્રકાશ આંબેડકરે હાર્દિકની મુલાકાત લીધી હતી.આ ઉપરાંત ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતે હાર્દિક પટેલ સાથે મુલાકાત લઈને તેને ઉપવાસ છોડવા માટે સમજાવ્યો હતો.

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીતજોગીના પુત્ર તેમજ ધારાસભ્ય અમિત જોગીએ પણ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. અજીત જોગીએ અજીત જોગીનો ઉપવાસને લઈને સમર્થન કરતો પત્ર હાર્દિક પટેલને આપ્યો હતો.

આ પણ વાંચોઃ ડીસીપી જયપાલસિંહ રાઠોડ અમારા કાર્યકરોને મા-બહેનની ગાળો ભાંડે છેઃ હાર્દિક

બેરોજગારીને લઈને હાર્દિકનું ટ્વિટ

આ દરમિયાન હાર્દિક પટેલે દેશમાં બેરોજગારીને લઈને એક ટ્વિટ કર્યું છે. હાર્દિકે લખ્યું છે કે, "ભારતમાં જે ગતીએ રોજગારીમાં ઘટાડો થઈ રહ્યો છે તે કોઈ પણ દેશ માટે ચિંતાજનક છે. દિવસેને દિવસે વધી રહેલી બેરોજગારી આપણી વ્યવસ્થાને ધ્વસ્ત કરવા માટે પુરતી છે. એમાં કોઈ શંકા નથી કે બેરોજગારી યુવાધન કોઈ પણ દેશ માટે શરમ જનક વાત છે. ક્યાંક બેરોજગારી રાષ્ટ્રીય શરમ ન બની જાય."
First published: September 12, 2018, 9:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading