અમદાવાદ : શહેરમાં ગુરુવારે કોરોના વાયરસના એક સાથે 58 પોઝિટિવ (Corona Positive Cases) કેસ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જે બાદમાં શુક્રવારે પણ શહેરમાં એક સાથે 11 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ બે જ દિવસમાં શહેરમાં 69 પોઝિટિવ કેસ નોંધાયા છે. એટલે કે બે જ દિવસમાં શહેરમાં અંદાજે કુલ નોંધાયેલા કેસના અડધા કેસ સામે આવ્યા. કોરોનાને ફેલાતો અટકાવવા માટે તંત્ર તરફથી ક્લસ્ટર ક્વૉરન્ટી (Cluster Quarantine) (આખા વિસ્તારને સીલ કરી દેવો) સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ આ બધાના "સાઇલેન્ટ કૅરિયર" (Silent Carriers)તંત્ર માટે માથાનો દુઃખાવો બન્યા છે. સાઇલેન્ટ કૅરિયર એવા દર્દીઓ છે જેનામાં કોરોનાના કોઈ જ લક્ષણો (Corona Symptoms) જોવા મળતા નથી છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવે છે. આ જ કારણે તંત્ર માટે કોરોનાના દર્દીઓને શોધી કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યમાં સાઇલન્ટ કૅરિયરના કેટલાક દાખલા જોઇએ.
1) અમદાવાદનો સફી મંજિલ વિસ્તાર : ગુરુવારે અમદાવાદમાં 55 પોઝિટિવ કેસ નોંધાયા. આ 55માંથી 30 કેસ દાણીલીમડાના સફી મંજિલમાં નોંધાયા હતા. એટલે કે આ વિસ્તાર કોરોનાનું એપીસેન્ટર બની ગયું છે. આ તમામ કેસ આરોગ્ય વિભાગની ટીમના સર્વેલન્સ દરમિયાન મળી આવ્યા હતા. હવે સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે આ લોકોમાં કોરોના વાયરસના કોઈ જ લક્ષણો જોવા મળ્યા ન હતા. તમામ લોકો એકદમ તંદુરસ્ત હોવા છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે આ તમામ લોકો સાઇલન્ટ કૅરિયર હતા. આ લોકોને પણ અંદાજ ન હતો કે તેઓ કોરોના પોઝિટિવ છે. અહીં એક જ વ્યક્તિને કારણે 30 લોકોમાં ચેપ ફેલાયો હતો. દાણીલીમડાના 55 વર્ષીય અબ્દુલ કૈયુમ શેખનો 31 માર્ચે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ જ્યાં રહે છે તે સફી મંજિલ વિસ્તારના 128 ઘરોને આરોગ્ય વિભાગે ક્લસ્ટર ક્વૉરન્ટીન કરી દીધા હતા. જેમાં દરેકના ઘરેથી એક એક સેમ્પલ લેવાયું હતું. ગુરુવારે આમાંથી 30 રિપોર્ટ પોઝિટિવ આવ્યા.
સાઇલન્ટ કોરોના વાહકોથી ફફડાટ
અમદાવાદના શફી મંજિલ વિસ્તારમાં જે 30 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમનામાં રિપોર્ટ આવ્યા સુધી કોરોનાના કોઈ જ લક્ષણો જણાયા નથી. આથી આવા સાઇલન્ટ કોરોના વાહકોને કેવી રીતે શોધવા તે સ્વાસ્થ્ય વિભાગ માટે પણ મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચો : કોરોના અપડેટ્સ : 46 નવા કેસ સામે આવ્યા, અમદાવાદના ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
2) ભરૂચના ઇખર ગામમાં પણ ચાર સાઇલન્ટ કૅરિયર્સ ઓળખાયા
ભરૂચમાં આમોદ તાલુકાના ઇખર ગામે અમદાવાદ જેવા જ ચાર સાઇલન્ટ કોરોના વાહક સામે આવ્યા છે. જોકે, આ તમામ લોકો તમિલનાડુના જમાતીઓ હોવાનું સામે આવ્યું છે. આ ચારેય લોકો 17થી 22મી માર્ચ સુધી ઇખર ગામ ખાતે રોકાયા હતા. જે બાદમાં ઇખર ગામની મસ્જિદમાં રોકાયેલા 11 પૈકી ચાર લોકોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામ લોકોને ગામના એક ખાલી મકાનમાં ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં પણ તમામ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યાં સુધી કોઈનામાં કોરોનાના એક પણ લક્ષણ જોવા મળ્યા ન હતા. આથી આ તમામ લોકો સાઇલન્ટ કૅરિયર છે.
3) સુરતમાં પણ આવો જ બનાવ
સુરતના રાંદેર વિસ્તારમાં એક આધેડનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ મોત નીપજ્યું હતું. જેથી તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં લોકોના સેમ્પલ લેવાતા વધુ એક કોરોના પોઝિટિવ કિસ્સો પ્રકારમાં આવ્યો હતો. આ કારણે કારણે તંત્રમાં ચિંતા ફેલાઈ ગઇ છે. સુરતમાં જે દર્દીનું મોત થયું હતું તે અહેસાન પઠાણ અલ અમીન નામના એપાર્ટમેન્ટમાં રહેતો હતો. અહીં વૉચમેન તરીકે કામ કરતા હસન પટેલ નામના 68 વર્ષીય વૃદ્ધને કોરોના લક્ષણ નહીં દેખાવા છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી હતી.
આ પણ વાંચો : કોરોના વૉરિયર્સને સલામ : તડકામાં તપે છે, જાતે જમવાનું બનાવવા મજબૂર પણ ફરજ નથી ચૂકતા
સાઇલન્ટ કૅરિયર્સને શોધવા તંત્ર શું કરશે?
ગુજરાતના અલગ અલગ શહેરમાં સામે આવી રહેલા સાઇલન્ટ કૅરિયર્સના કિસ્સા બાદ તંત્ર જે વ્યક્તિનો કોરનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવા વિસ્તારમાં તેની આસપાસ રહેતા લોકોના રેન્ડમ સેમ્પલ લઈ રહ્યું છે. આ જ રીતે લેવામાં આવેલા સેમ્પલમાં સફી મંજિલમાં 30 લોકો ઓળખાયા હતા. આ માટે કોરોનાના લક્ષણો ન હોય તેવા વ્યક્તિઓના પણ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આથી કોઇ સાઇલન્ટ કૅરિયર હોય તો તે ધ્યાનમાં આવી શકે. આ ઉપરાંત જ્યાં વધારે પ્રમાણમાં કેસ સામે આવે છે તે આખા વિસ્તારને ક્લસ્ટર ક્વૉરન્ટીન કરીને વધારેમાં વધારે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
અમદાવાદના કોરોના પોઝિટિવના આંકડા પર નજર
અત્યાર સુધી (10મી એપ્રિલ, સવારે 10 વાગ્યે) અમદાવાદમાં કોરોના પોઝિટિવના કુલ 153 કેસ સામે આવી ચુક્યા છે. જ્યારે સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. 10મી એપ્રિલે ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 308 છે. એટલે કે કુલ કેસમાંથી અડધા કેસ અમદાવાદ જિલ્લામાં છે. સારી વાત એ છે કે અમદાવાદમાં અત્યાર સુધી સૌથી વધારે 9 લોકો કોરોનાને કારણે સાજા પણ થયા છે.
આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાની શરૂઆત થઈ એ વિસ્તારમાંથી 24 કલાકમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા
પોઝિટિવ દર્દીઓના પ્રવાસની વિગત
પોઝિટિવ આવેલા દર્દીઓના પ્રવાસની વિગત જોઈએ તો કુલ 153 કેસમાંથી 111 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. એટલે કે અમદાવાદમાં કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા હોય તેવા લોકોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ માટે તંત્ર અવાર નવાર ઘરમાં જ રહેવાની સૂચના આપે છે. જ્યારે કુલ કેસમાંથી 15 લોકો વિદેશ ટ્રાવેલ ડિસ્ટ્રી તેમજ 27 લોકો આંતરરાજ્ય પ્રવાસની હિસ્ટ્રી ધરાવે છે. કુલ સાત લોકોનાં મોત થયા છે તેમાંથી 1 વિદેશ ટ્રાવેલ ડિસ્ટ્રી ધરાવે છે તેમજ છ લોકો લોકલ ટ્રાન્સમિશનનો શિકાર બન્યા બાદ મોતને ભેટ્યા છે.
અમદાવાદમાં કેમ અચાનક કેસ વધી ગયા?
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિના કહેવા પ્રમાણે અમદાવાદમાં કોરોના હૉટસ્પોટ વિસ્તારોને ક્લસ્ટર ક્વોન્ટી કરવામાં આવ્યા છે. જે બાદમાં આ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. એટલું જ નહીં કોરોનાને જે પણ પોઝિટિવ દર્દીઓ હોય તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આથી સેમ્પલિંગ વધતા એકાએક કોરોનાના કેસ વધી ગયા છે. સેમ્પલિંગ વધારવાથી કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ઓળખી શકાશે અને તમામ કેસોને શોધીને તેમને ક્વૉરન્ટીન કે હૉસ્પિટલમાં સારવાર આપવા માટે ખસેડી શકાશે.