6 અધ્યક્ષ વિરુદ્ધ રજૂ થઈ ચુક્યા છે અવિશ્વાસ પ્રસ્તાવ, આ વખતે પરંપરા તૂટશે?

News18 Gujarati
Updated: March 23, 2018, 4:50 PM IST
6 અધ્યક્ષ વિરુદ્ધ રજૂ થઈ ચુક્યા છે અવિશ્વાસ પ્રસ્તાવ, આ વખતે પરંપરા તૂટશે?

  • Share this:
ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં અત્યાર સુધી 6 અધ્યક્ષ સામે 17 વખત અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જોકે, એક પણ વખત કોઈ પણ અધ્યક્ષ વિરુદ્ધની દરખાસ્ત અંગે ગૃહમાં ચર્ચા થઇ નથી. 13મી વિધાનસભાના પ્રથમ બજેટ સત્રમાં અધ્યક્ષની સર્વસંમતિથી નિમણૂક થયાના 10 જ દિવસ બાદ અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત આવી હતી. કોંગ્રેસ દ્વારા રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્તને લઈને અધ્યક્ષ પદની ગરિમા અને કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે. જોકે, ગુજરાતના ઇતિહાસમાં એક પણ વખત અધ્યક્ષ સામે રજૂ થયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કે વોટિંગ થયું નથી.

અવિશ્વાસ પ્રસ્તાવનો ઇતિહાસ

ગુજરાત વિધાનસભામાં સૌપ્રથમ વખત 1976માં કુંદનલાલ ધોળકીયા અધ્યક્ષ હતા ત્યારે તેમની સામે ત્રણ વખત અવિશ્વાસની દરખાસ્તનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. 1976માં અમરસિંહ ચૌધરીએ અને 1978- 1979માં શનત મહેતાએ બે વાર પ્રસ્તાવ રજૂ કર્યા હતા. જોકે, આ પ્રસ્તાવને પરત ખેંચી લેવાયા હતા.

1991માં હિંમતલાલ મુલાણી સામે ત્રણવાર અવિશ્વાસના પ્રસ્તાવ રજૂ થયા હતા. જેમાં પ્રથમ પ્રવિણસિંહ જાડેજા ત્યાર પછી 1993માં જશપાલસિંહ અને 1994માં બંનેએ સંયુક્ત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ વખતે પણ પ્રસ્તાવ પર કોઈ ચર્ચા થઈ ન હતી અને તેને પરત ખેંચી લેવામાં આવ્યા હતા.

1996માં ચંદુભાઈ ડાભી સામે અશોક ભટ્ટ તથા અન્યોએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો પરંતુ વિધાનસભાનુ વિસર્જન થતાં પ્રસ્તાવ હાથ ધરી શકાયો ન હતો. ત્યાર પછી વર્ષ 2000માં ધીરુભાઈ શાહ સામે ઉદેસિંહ બારિયાએ ત્રણવાર અને લક્ષ્મણસિંહ પરમારે એકવાર એમ ચાર વખત પ્રસ્તાવ રજૂ થયા હતા. જેમાં 2001 સુધીના પ્રસ્તાવ રજૂ થયા ન હતા અથવા પાછા ખેંચી લેવાયા હતા, જ્યારે 2002માં વિધાનસભાનું વિસર્જન થતાં પ્રસ્તાવ હાથ ધરી શકાયો ન હતો.

ર૦૦૩માં મંગળભાઈ પટેલ સામે ચારવાર પ્રસ્તાવ આવ્યો હતો. પ્રથમ પ્રસ્તાવ વિક્રમભાઈ માડમે રજૂ કર્યો હતો, જેને સભાગૃહની પરવાનગી મળી ન હતી. 2005માં મંગળભાઈ સામે પુંજાભાઈ વંશે પ્રસ્તાવ રજૂ કર્યો હતો પરંતુ તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. 2007માં પુંજાભાઈએ પ્રસ્તાવ સૂચના મુજબ રજૂ નહીં કરતા નામંજુર થયો હતો અને 2007માં સત્ર પૂર્ણ થઈ જવાને કારણએ પ્રસ્તાવ હાથ પર લેવાયો ન હતો.2007માં અશોક ભટ્ટ સામે શક્તિસિંહ ગોહિલ દ્વારા અને 2009માં ખૂમાનસિંહ ચૌહાણ દ્વારા પ્રસ્તાવ રજુ કરાયા હતા. જેમાં પ્રથમ પ્રસ્તાવ સત્ર સમાપ્ત થઈ જવાને કારણ હાથ પર લેવાયો ન હતો, જ્યારે બીજો પ્રસ્તાવ પરત ખેંચવામાં આવ્યો હતો.

2012માં ગણપતસિંહ વસાવા સામે અર્જુનભાઈ મોઢવાડીયાએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે, આ પ્રસ્તાવને પણ ગૃહમાં ચર્ચા માટે લેવાયો ન હતો.

2018માં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જોકે, હજી સુધી પ્રસ્તાવ પર ચર્ચા માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. હવે જોવાનું કહ્યું કે અત્યાર સુધી ચાલ્યો આવતો આ સિરસ્તો તૂટે છે કે પછી અગાઉની જેમ વિપક્ષને મનાવી લેવાશે.

સ્ટોરીઃ હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર
Published by: Vinod Zankhaliya
First published: March 23, 2018, 11:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading