અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણે માઝા મૂકી છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2000ને પાર થઈ ગઈ છે જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો પણ સમાવેશ થાય છે. જોકે, આ મામલે આજે એક નવો ધડાકો થયો છે. ઇમરાન ખેડાવાલા જે દિવસે કોરોના સંક્રમિત થયા તે દિવસે તેઓ રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ સાથેની બેઠકમાં ગાંધીનગર ગયા હતા. આ બેઠકમાં ખેડાવાલાએ માસ્ક પણ પહેર્યુ નહોતું. જોકે, આ બેઠક બાદ નીતિન પટેલ તબીબોની સલાહ મુજબ સાત દિવસથી હૉમ ક્વોરન્ટીન હતા અને આજથી તેમણે કામ શરૂ કર્યુ હોવાની માહિતી ટ્વીટરમાં આપી હતી.
નીતીન પટેલે ટ્વીટર પર એક પોસ્ટ મૂકી અને તેમાં લખ્યું હતું કે ' ડૉકટરોની સલાહ પ્રમાણે ગયા અઠવાડિયાથી હું સાત દિવસ માટે નિવાસ્થાને ક્વટરન્ટાઇનમાં રહેલ. આ સમયગાળામાં જે મંત્રીઓ, ધારાસભ્યો, સંસદસભ્યો, શુભેચ્છકો અને કાર્યકર્તાઓ અને પત્રકાર મિત્રોએ શુભેચ્છા પાઠવેલ તેનો આભાર માનું છું. આજથી સરકારી કામકાજમાં પરત ફર્યો છું'
ખેડાવાલાનો બીજી વાર રિપોર્ટ પોઝિટિવ આવ્યો
દરમિયાન આજે સાંજે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. ઇમરાન ખેડાવાલા કર્ફ્યૂ પહેલાં સેવાના કામમાં બહાર હતા ત્યારે તેમને કોઈ કારણોસર સંક્રમણ થયું હતું. હવે તેઓ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યાં તેમનો બીજો રિપોર્ટ પર પોઝિટિવ આવ્યો છે.
મુખ્યમંત્રીના નિવાસ પર પ્રવેશબંધી કરાઈ હતી
ઇમરાન ખેડાવાલા કોરોના સંક્રમિત આવતા મુખ્યમંત્રી રૂપાણી પણ એક પ્રકારે કોઈને મળતા નહોતા.તેઓ પોતાના નિવાસસ્થાનેથી કામ કરી રહ્યા હતા અને નિવાસસ્થાને કોઈ પણ સાત દિવસ સુધી કોઈને પ્રવેશ ન આપવાની સૂચના આપવામાં આવી હતી.
Published by:News18 Gujarati
First published:April 22, 2020, 19:45 pm