અમદાવાદમાં મુન્નાભાઈ MBBS, આ સમાચાર તમારી આંખ ઉઘાડનારા છે!

News18 Gujarati
Updated: January 14, 2020, 10:56 AM IST
અમદાવાદમાં મુન્નાભાઈ MBBS, આ સમાચાર તમારી આંખ ઉઘાડનારા છે!
ન્યૂઝ18 ગુજરાતીના સ્ટિંગમાં બોગસ ડૉક્ટરનો પર્દાફાશ.

ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ, બોગસ ડૉક્ટરને ખુલ્લા પાડવા રિપોર્ટર અને કેમેરામેન દર્દી બન્યા હતા.

  • Share this:
અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં બોગસ તબીબોની હાટડીઓ ધમધમી રહી છે. આવા બોગસ મુન્નાભાઈ એમબીબીએસ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆંમ ચેડા કરી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલીટી ચેકમાં આવા બોગસ તબીબોનો પર્દાફાશ થયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બની બેઠેલા બોગસ તબીબીનો રાફડો ફાટ્યો છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક એવું ક્લિનિક ધમધમી રહ્યું છે જ્યાં ડૉક્ટર નહીં પણ બાળકો સારવાર કરી રહ્યા છે. ડૉક્ટરની ગેરહાજરીમાં ધોરણ-10માં કે 11માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી દવાના પ્રિસ્ક્રિપ્શન લખી રહ્યો છે. એ જ વિદ્યાર્થી દર્દીઓનું બીપી પણ ચેક કરી રહ્યો છે અને એ જ બાળક દવા પણ આપી રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટર સંજય ટાંક અને કેમેરામેન ખેંગાર રાઠોડ ખુદ આવા બોગસ તબીબોનો પર્દાફાશ કરવા દર્દી બન્યા હતા.

ઓઢવ વિસ્તારમાં ક્રિષ્ના ક્લિનિક નામે એક દવાખાનું ધમધમે છે. અહીં ડૉ. આર.ડી. રાજપૂતનું બોર્ડ લાગેલું છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ક્લિનિક પર પહોંચી ત્યારે અહીં ડૉક્ટર કે કમ્પાઉન્ડકર હાજર ન હતા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે ક્લિનિક પર પહોંચી ત્યારે દર્દીઓ હાજર ન હતા. દર્દી બનીને ગયેલા રિપોર્ટર અને કેમેરામેને જ્યારે ડૉક્ટર વિશે પૂછ્યું ત્યારે અહીં રહેલા વિદ્યાર્થી કમ્પાઉન્ડરે જવાબ આપ્યો કે ડૉક્ટર બહાર ગયા છે અને શું થયું છે કહીને તેણે ઈલાજ કરવાની તૈયારી બતાવી હતી. જ્યારે તેને કહેવામાં આવ્યું કે પેટમાં દુઃખે છે ત્યારે તેણે જ જાતે દવા લખી આપી અને સામેના દવાની દુકાનમાંથી લઈ આવવા જણાવ્યું હતું. અધૂરામાં પુરું હોય તેમ જે પ્રિસ્ક્રિપ્શન લખીને આપ્યું હતું તેના પર ન તો કોઈ ડૉક્ટરનું નામ હતું કે ન તો ડૉક્ટરની સહી. માત્ર દવાનું નામ લખીને બાળકે જે કાગળ આપ્યો હતો તેના પરથી કેમિસ્ટે દવા પણ આપી દીધી હતી.

જ્યારે આ દવા લઈને અમારી ટીમ ફરી ક્લિનિકમાં પહોંચી ત્યારે હાજર વિદ્યાર્થીએ ક્લિનિક માંથી પણ દવાની પડીકીઓ આપી હતી. એટલું જ નહીં બાળકને જ્યારે કહેવામાં આવ્યું કે બ્લડપ્રેશર ચેક કરી આપશે તો તેણે બ્લડ પ્રેશર પણ ચેક કરી આપ્યું હતું. આ માટે તેણે 50 રૂપિયા ચાર્જ વસૂલ્યો હતો.ક્રિષ્ના ક્લિનિકમાં દવા આપનાર વિદ્યાર્થી કમ્પાઉન્ડર સાથે સંવાદ

વિદ્યાર્થી કમ્પાઉન્ડર - શું થયું?રિપોર્ટર - પેટમાં દુઃખે છે.
વિદ્યાર્થી કમ્પાઉન્ડર - વધારે દુઃખે છે?
રિપોર્ટર - હા, સાહેબ ક્યારે આવશે.
વિદ્યાર્થી કમ્પાઉન્ડર - સાહેબ બુધવારે ગુરુવારે આવશે.
રિપોર્ટર - ઈન્જેક્શન આપીશ તું?
વિદ્યાર્થી કમ્પાઉન્ડર - ના.
રિપોર્ટર - ગોળી લખી આપે છે?
વિદ્યાર્થી કમ્પાઉન્ડર - સામેથી આ દવા લઈ આવો.
રિપોર્ટર - ભાઈને તપાસોને કઈ તકલીફ તો નથી ને?
વિદ્યાર્થી કમ્પાઉન્ડર - તપાસીને ટાઈટ લાગે છે પેટ તો. બહારનું વધારે ન ખાતા. કાલે સાંજે શું ખાધું હતું?
રિપોર્ટર - ઢોંસા ખાધા હતા.
વિદ્યાર્થી કમ્પાઉન્ડર - એટલા માટે જ થયું હશે. દવા આપી દઉં છું, સારું થઈ જશે.
રિપોર્ટર - આ કઈ દવા લખી છે?
વિદ્યાર્થી કમ્પાઉન્ડર - ઓફ્લોક્સા સીન અને સ્પોરાલ્ક.
રિપોર્ટર - સાહેબ આજે નહીં આવે?
વિદ્યાર્થી કમ્પાઉન્ડર - સાહેબ આઉટ ઓફ કન્ટ્રી ગયા છે. 16 તારીખ પછી આવશે.
વિદ્યાર્થી કમ્પાઉન્ડર - ખાધા પહેલા આ દવા લેશો. ખાધા પછી એક એક પડીકી લેજો. વધુ પેટમાં દુઃખે તો આમાંથી એક ગોળી આપજો.
રિપોર્ટર - ઓકે. આમાં લખીને આપો તો મને ખ્યાલ આવે.
રિપોર્ટર - તમે કમ્પાઉન્ડર છો અહીં?
વિદ્યાર્થી કમ્પાઉન્ડર - હા
રિપોર્ટર - પેલા ભાઈ?
વિદ્યાર્થી કમ્પાઉન્ડર - એ પણ છે.
રિપોર્ટર - મટી જશે ખરુને?
વિદ્યાર્થી કમ્પાઉન્ડર - હા.
રિપોર્ટર - સાઈડ ઈફેક્ટ નહીં થાય ને?
વિદ્યાર્થી કમ્પાઉન્ડર - ના કશુ નહીં થાય.
રિપોર્ટર - તમને કેટલા આપવાના?
વિદ્યાર્થી કમ્પાઉન્ડર - 50 રુપિયા આપો.

ઓઢવના બોગસ તબીબના પર્દાફાશ બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સોનીની ચાલી ખાતે અજીત મીલ પાસે પહોંચી હતી. અહીં રોડ પર જ દાંતનું ચોકઠું બનાવી આપનાર શખ્સની હાટડી આવેલી છે. આ શખ્સને જ્યારે પૂછવામાં આવ્યું કે દાંતમાં દુઃખાવો થાય છે તો ચેક કરી આપો જરા. જે બાદમાં તેણે દાંતના દુઃખાવા માટે ડેન્ટિસ્ટ પાસે જવા કહ્યું. જોકે, પોતે દાંત લગાવવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. ચોકઠુંં બનાવનારે દાત બદલવા માટે સ્ટીલના 1800 અને સિરામીકના 3 હજાર રુપિયા ભાવ હોવાનું જણાવ્યું હતું.રિપોર્ટર - ભાઈને દાંત દુ:ખે છે.
ચોકઠું બનાવનાર - અહીં તો દાંત લગાવીએ છીએ.
રિપોર્ટર - તો તમે શું કરો છો?
ચોકઠું બનાવનાર - દાત લગાવું છું.
રિપોર્ટર - દુઃખે છે તો?
ચોકઠું બનાવનાર - તો દવાખાનામાં બતાવવું પડશે.
રિપોર્ટર - આમા જુઓ તો ખરા દાત લગાવવો હોય તો.
ચોકઠું બનાવનાર - હાલમાં શું તકલીફ થાય છે?
રિપોર્ટર - દુઃખે છે.
ચોકઠું બનાવનાર - તો તેના માટે દવાખાને જવું પડશે.
રિપોર્ટર - પહેલા જોઈ તો લો આમા દાંત લાગી જશે.
ચોકઠું બનાવનાર - આમા એવું છે એક દાંત કાઢી બે દાંતને કાપીને ત્રણનું પેક બનાવવું પડે છે. તેમાં સિરામિક અને સ્ટીલ એમ બે પ્રકારના આવે છે. સ્ટીલના લગાવો તો 1800 રુપિયા અને સિરામિકના લગાવો તો 3 હજાર રુપિયા થશે. પ્લાસ્ટિકનાં લગાવો તો 200 રુપિયા થશે.
રિપોર્ટર - થઈ જશે?
ચોકઠું બનાવનાર - એ તો કટીંગ કરી માપ લઈને બનાવવું પડે છે. આગળના દાંત સારા ન હોય તો ચાલે પરંતુ પાછળના દાંત ખાવા માટેના હોય તે સારા લગાવવા પડે. લાગી જશે જો લગાવવાના હોય તો.
રિપોર્ટર - 3 હજાર રુપિયા?
ચોકઠું બનાવનાર - બધાને અહીં મોંઘુ લાગે છે પરંતુ દવાખાનામાં કેટલા રુપિયા લે છે, ક્વોલીટી એક જ હોય છે.
રિપોર્ટર - ફર્મા તો બતાવો કે કેવી રીતે લાગે છે?
ચોકઠું બનાવનાર - પહેલા દાંતને કટિંગ કરવા પડે છે. ત્યાર પછી ઉપર અને નીચેનું આખું માપ લેવું પડશે.
First published: January 14, 2020, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading