ઇન્ટરવ્યૂમાં મોદીએ જણાવી ગમતી વાતો, ઊંઘતા પહેલા કરે છે આ કામ

News18 Gujarati
Updated: February 9, 2018, 4:12 PM IST
ઇન્ટરવ્યૂમાં મોદીએ જણાવી ગમતી વાતો, ઊંઘતા પહેલા કરે છે આ કામ
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

રજા અંગે પૂછવામાં આવેલા સવાલમાં મોદીએ જવાબ આપ્યો હતો કે તેમણે વર્ષોથી કોઈ રજા લીધી નથી.

  • Share this:
નરેન્દ્ર મોદીના નિત્યક્રમ અને તેમના ભોજનને લઈને અવાર નવાર ન્યૂઝ આવતા રહે છે. યુનાઈટેડ આરબ અમિરાતની મુલાકાત પહેલા ગલ્ફ ન્યૂઝે મોદીના નિત્યક્રમને લઇને એક રિપોર્ટ આપ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મોદી જ્યારે વિદેશ પ્રવાસે જાય છે ત્યારે તેઓ સાથે તેમના રસોયાને લઈને નથી જતા. તેમજ યજમાન દેશ જે પણ ભોજન ઓફર કરે છે તે ખુશી-ખુશી ખાય છે.

ગલ્ફ ન્યૂઝે મોદીની યુએઈ મુલાકાત પહેલા તેમને ઇ-મેલ કરીને અમુક સવાલો કર્યા હતા. જેના જવાબ મોદીએ આપ્યા હતા. રજા અંગે પૂછવામાં આવેલા સવાલમાં મોદીએ જવાબ આપ્યો હતો કે તેમણે વર્ષોથી કોઈ રજા લીધી નથી.

મોદીએ સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, 'ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કે પછી દેશના વડાપ્રધાન તરીકે તેમણે ક્યારેય કોઈ રજા ભોગવી નથી. જોકે, મારા કામને લઈને મારે ભારતભરમાં ફરવાનું થાય છે, હું લોકો સાથે વાર્તાલાપ કરું છું, તેમની ખુશી, દુઃખ અને પ્રેરણા વિશે અભ્યાસ કરું છું. આ કામથી મારામાં નવચેતના આવે છે.'

શું વિદેશ પ્રવાસ વખતે તેમના માટે જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે? આ સવાલ અંગે મોદીએ કહ્યું હતું કે, 'આવું બિલકુલ નથી. વિદેશ પ્રવાસ વખતે યજમાન દેશ મને જે પણ ખાવાનું ઓફર કરે છે તે હું ખુશી ખુશીથી ખાવ છું.'

નરેન્દ્ર મોદી દરરોજ સવારે યોગાસન કરે છે તે વાત બધા લોકો જાણે છે. પરંતુ અહીં મોદીએ પોતાના સવારના નિત્યક્રમ વિશે થોડા વધારે ખુલાસા કર્યા હતા. આ વિશે મોદીએ કહ્યું હતું કે, 'હું સવારે ન્યૂઝ પેપર્સ પર એક નજર કરી લઉ છું, મારા ઇ-મેલ પણ ચેક કરું છું. 'નરેન્દ્ર મોદી મોબાઈલ એપ' પર દેશના નાગરિકોએ આપેલી કમેન્ટસ પર પણ હું સવારે નજર કરું છું.'

રાત્રે ઊંઘતા પહેલા કયુ કામ કરો છો? તેના જવાબમાં મોદીએ કહ્યું હતું કે, 'રાત્રે ઊંઘતા પહેલા હું દિવસ દરમિયાન મોકલવામાં આવતા ડોક્યુમેન્ટ્સ ચેક કરું છું. ઉપરાંત આવતીકાલની મિટિંગ્સ અને મુલાકાતોનું પ્લાનિંગ કરું છું.'

ઊંઘવાની આદત પર મોદી કહે છે કે, 'પથારીમાં પડ્યાની મિનિટોમાં જ મને ઊંઘ આવી જાય છે. હું રાત્રે કોઈ પણ ચિંતા સાથે લઈને ઊંઘતો નથી, સવારે એકદમ તાજા મૂડ સાથે નવા દિવસને આવકારું છું. હું દરરોજ ચારથી છ કલાકની ઊંઘ લઈ છું.'

ફેવરિટ ડિશ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે તેઓ ખાવાના એટલા બધા શોખીન નથી, તેમજ તેમને એકદમ સાદુ અને શાકાહરી ભોજન પસંદ છે. મોદીનું આ ઇન્ટરવ્યૂ શુક્રવારે તેઓ ત્રણ દિવસની યાત્રા પર ગયા પહેલા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શુક્રવારથી મોદી પેલેસ્ટાઇન, યુએઈ અને ઓમાન એમ ત્રણ દેશના પ્રવાસે જઈ રહ્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: February 9, 2018, 4:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading