અમદાવાદ : ગાંધીજીનો શાંતિ અને અહિંસાનો સંદેશ જગવિખ્યાત છે. તેમનો આ સંદેશ વિશ્વના શક્તિશાળી નેતાઓને અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત માટે ખેંચી લાવે છે. હવે જગત જમાદાર એવા શક્તિશાળી નેતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેઓ પણ અન્ય નેતાઓની જેમ ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન પોતાના અનુભવો વિઝિટર બુક (Visitor Book)માં ટાંકશે.
દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આપેલો શાંતિ અને અહિંસાનો સંદેશ વિશ્વ આખામાં ફેલાયેલો છે. સમગ્ર વિશ્વના લોકો ગાંધીજીના આ સંદેશથી પ્રભાવિત થયેલા છે. એટલે જ જે કોઈપણ ભારતના કે વિદેશના પ્રવાસીઓ અમદાવાદની મુલાકાતે આવે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત અચૂક લે છે.
ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન દરેક મહાનુભાવો ગાંધી આશ્રમમાં હ્રદયકુંજ, ગાંધી કુટીર, તેમજ ગાંધીજી સાથે જોડાનારા આઝાદીના એ સ્વતંત્ર્ય સેનાનીઓની કુટીરની મુલાકાત લે છે અને ગાંધીજીનું પ્રદર્શની નિહાળે છે. ગાંધીજીને સુત્તરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપે છે. ગાંધી આશ્રમની વિદાય લે છે ત્યારે આશ્રમની વિઝિટર બુકમાં પોતે લીધેલી આશ્રમની મુલાકાતના અનુભવો ટાંકે છે.
વર્ષ 2014થી અત્યાર સુધીમાં ઘણા વિશ્વના નેતાઓ આશ્રમની મુલાકત લઈ ચુક્યા છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચીનના પ્રમુખ શી જિનપિંગ, જાપાનના પ્રધાનમંત્રી શિન્જો આબે, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામીન નેતન્યાહૂનો સમાવેશ થાય છે.
1. બીજી ઓક્ટોબર, 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમણે વિઝિટર બૂકમાં લખ્યું હતું કે, "સાબરમતી આશ્રમ સંકલ્પથી સિદ્ધિનું તીર્થ છે. પૂજ્ય બાપુએ અહીં સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી દેશને આઝાદ નહીં થાય ત્યાં સુધી તેઓ આશ્રમમાં પાછા ફરશે નહીં. આશ્રમે આ સંકલ્પને સિદ્ધ થતા જોયો છે. આજે મને આ વાતનો સંતોષ છે કે ગાંધીજીની 150મી જન્મજયંતિના પ્રસંગે તેઓના સ્વપ્નો પૈકીના એક સ્વચ્છ ભારતની સિદ્ધિનો સાક્ષી પણ આ આશ્રમ બની રહ્યોં છે. હુ મારી જાતને સૌભાગ્યશાળી સમજુ છુ કે, ખુલ્લામાં શૌચમુક્ત ભારતનો સંકલ્પ પરિપૂર્ણ થવાના પ્રસંગે હુ અહીં મોજુદ છું. સ્વતંત્રતા આંદોલનમાં બાપુની પાછળ ચાલવાનો અવસર ભલે આપણને ના મળ્યો હોય, પરંતુ તેઓના ચીંધેલા માર્ગે ચાલવું એ આપણું કર્તવ્ય છે. તેઓએ દેશને જનભાગીદારીનો જે મંત્ર આપેલ હતો તે દેશના ખુણે ખુણે પહોંચી ગયેલ છે. જનભાગીદારીની આ શક્તિએ આપણને ઝડપથી અસાધ્ય લક્ષ્યો પામવા માટેના અચુક ઉપાયો આપેલા છે. આપણું પ્રત્યેક ડગલું બાપુના રસ્તે ચાલે આપણે તેઓના યોજેલા સ્વપનોને જીવી શકીએ, એને પુરા કરી શકીએ, આપણી નાની નાની શક્તિઓ દેશના મહાન સંકલ્પોનું સામર્થ્ય બને, આપણા વિચારોમાં દેશ હોય, દેશહિત હોય અને એ જ આપણને અનંતકાળ સુધી દિશા નિર્દેશ કરે, એ જ આશા અને વિશ્વાસ સાથે." - નરેન્દ્ર મોદી
2. ઈઝરાયેલના 9માં પ્રધાનમંત્રી 17 જાન્યુઆરી 2018ના રોજ અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા હતા તેઓએ પણ ગાંધી આશ્રમમાં હ્રદયકુંજ, ગાંધી કુટીર અને પ્રદર્શની નિહાલ્યું હતું અને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી સુતરની આંટી પહેરાવી અંજલી આપી હતી. તેઓએ ગાંધી આશ્રમની વિદાય લેતા પહેલા વિઝિટર બુકમાં લખ્યું હતું કે, માનવતાના પ્રેરણાસ્ત્રોત મહાત્મા ગાંધી આશ્રમની મુલાકાત પ્રેરણાદાયી રહી. -બેન્ઝામીન નેતન્યાહૂ એન્ડ સારા નેતન્યાહૂ
3. જાપાનના 57માં પ્રાઈમ મિનિસ્ટ શિન્ઝો આબે 13 સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા હતા. તેઓએ તેમના ધર્મ પત્ની અકી આબે સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના આઝાદીની ચળવળના એ કાર્યોથી પ્રભાવિત થયા હતા. તેઓએ ગાંધી આશ્રમથી વિદાય લેતા પહેલા વિઝિટર બુકમાં જાપાની ભાષામાં લવ એન્ડ થેન્ક યૂ લખ્યું હતું. - શિન્જો આબે
4. 17 સપ્ટેમ્બર 2014માં ચીનના પ્રમુખ શી જીનપિંગ પણ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓએ અમદાવાદના રિવરફ્રન્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના શાંતિ અને અહીંસાના સંદેશથી પ્રભાવિત થયા હતા. તેઓએ વિઝિટર બુકમાં ચાઈનીઝ ભાષામાં પોતાના અનુભવો ટાંક્યા હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર