Home /News /madhya-gujarat /

અમદાવાદ : કરિયાણું લેવાની જગ્યાએ દારૂ પીવા ગયો પતિ, મળ્યું મોત-સ્ટોન કિલિંગની ગંભીર ઘટના

અમદાવાદ : કરિયાણું લેવાની જગ્યાએ દારૂ પીવા ગયો પતિ, મળ્યું મોત-સ્ટોન કિલિંગની ગંભીર ઘટના

આરોપીએ પથ્થરના ઘા મારી હત્યા કરી

Murder in Ahmedabad : પથ્થરથી યુવકના માથા, મોઢા અને કાનના ભાગે ઇજાઓ કરી મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ : શહેર પોલીસ (Ahmedabad City Police)માટે નવું વર્ષ મુસીબત ભર્યું સાબિત થયું છે. કૃષ્ણ નગરમાં નિવૃત્ત એ.એસ.આઈના પુત્રની હત્યા (Murder)થઈ ત્યાં હવે રૂપિયાની લેવડદેવડમાં નારોલમાં (Narol)એક યુવકની હત્યા થઈ છે. હત્યા થતા જ પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. જે મૃતકનો જ મિત્ર છે. જેમાં સામે આવ્યું છે કે મૃતક અને આરોપી વચ્ચે પૈસાની લેતી દેતીનો મામલો હતો અને તે બાબતે ઝગડો થતા પથ્થરથી યુવકના માથા, મોઢા અને કાનના ભાગે ઇજાઓ કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આરોપી સતીશ રાઠોડ અગાઉ પણ ઇસનપુરમાં (Isanpur)હત્યાને અંજામ આપી ચૂક્યો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ તે બાબતની ખરાઈ કરી રહી છે.

નારોલ અસલાલી રોડ પર આવેલા ઉમંગ ફ્લેટમાં રહેતા રશ્મિબહેન રાજકુમાર યાદવ મૂળ ઉત્તર પ્રદેશના છે. જેઓ પાંચેક વર્ષથી ભાડાના મકાનમાં રહે છે અને તેમના પતિ મજૂરી કામ કરે છે. તેમના બે સંતાન, સસરા કે જે શિક્ષક તરીકે નિવૃત થયા છે તેમની સાથે દાહોદ રહે છે અને ત્યાં જ અભ્યાસ કરે છે. ગત તા. 2 ના રોજ તેઓના પતિ રાજકુમાર યાદવ ઘરેથી કરિયાણાનો સામાન લેવા નીકળ્યા હતા. પણ મોડી રાત સુધી પરત આવ્યા ન હતા. બાદમાં વહેલી સવારે પોલીસના માણસો રશ્મિ બહેનના ઘરે આવ્યા હતા. મોબાઈલ ફોનમાં રાજકુમાર યાદવનો ફોટો બતાવતા રશ્મિબહેને તેઓને ઓળખી બતાવ્યા હતા.

આ પણ વાંચો - અમદાવાદ : ‘બોલ આઈટમ તારો ભાવ શું છે’ એમ કહી જાહેરમાં ચાર શખ્સોએ મહિલાની છેડતી કરી

પોલીસે રશ્મિબહેનને કહ્યું કે રાજકુમાર યાદવ ઉમંગ ફ્લેટની સામે અવાવરું ઓરડીમાં ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેથી તેઓને સારવાર માટે લઈ જવાયા છે. ત્યાં પહોંચતા જ રાજકુમારને માથા, કપાળ, આંખ અને કાન પર ઇજાઓ થઈ હોવાના નિશાન હતા. સારવાર દરમિયાન રાજકુમારનું મૃત્યુ થતા પોલીસને જાણ કરાઈ હતી. જેથી પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે બોથડ પદાર્થથી ઉપરા છાપરી ઘા મારી ઇજાઓ પહોંચાડી હત્યા કરી દેનાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે આરોપીની અટકાયત કરી પૂછપરછ કરતા રૂપિયાની લેતી દેતી કારણભૂત હોવાનું અત્યારસુધીની તપાસમાં લાગી રહ્યું છે.

નારોલ પીઆઇ એસ એ ગોહિલે જણાવ્યું કે આરોપી સતીશ રાઠોડની અટકાયત કરી નજરકેદ કર્યો છે. આરોપી અને મૃતક વચ્ચે પૈસાની માથાકૂટ હતી અને આરોપીએ પથ્થરના ઘા મારી હત્યા કરી છે. જોકે સૂત્રોનું માનીએ તો આરોપી અને મૃતક દારૂનું પણ સેવન કરતા હતા અને તેમાં પણ બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. જેમાં આરોપીને ગુસ્સો આવતા પથ્થર ના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. આરોપી અગાઉ પણ ઇસનપુરમાં થોડા વર્ષ પહેલા હત્યા કરી ચૂક્યો હોવાની વાત મળતા પોલીસ તે બાબતે ખરાઈ કરી રહી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad Murder, અમદાવાદ

આગામી સમાચાર