48 કલાકમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી

News18 Gujarati
Updated: August 29, 2018, 9:27 AM IST
48 કલાકમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી
સેટેલાઇટ તસવીર

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં સારો વરસાદ પડી શકે છે.

  • Share this:
ગુજરાત પર સક્રિય થયેલા અપરએર સાઇક્લોનિક સર્ક્યુલેશનથી આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. કારણ કે દક્ષિણ ગુજરાત પર અપરએર સાઇક્લોનિક સર્ક્યુલેશન વધારે મજબૂત થયું છે. આથી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના દાહોદ અને છોટાઉદેપુરમાં પણ સારો વરસાદ પડી શકે છે.

સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો

નર્મદા ડેમમાં હાલ ઉપરવાસમાંથી 52,549 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમની સપાટી 120.92 મીટર પર પહોંચી છે. દર કલાકે ડેમની સપાટીમાં ચાર સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે. ડેમની સપાટી 121.92 મીટરે પહોંચતા જડેમના પાવર હાઉસ ચાલુ કરાશે. ડેમમાં 1382.86 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. હાલ ગુજરાતને 6000 ક્યુસેક પાણી આપવાનું શરૂ કરાયું છે.

જળાશયોમાં માત્ર 49% પાણી

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડાઓ મુજબ, ગુજરાતમાં મોસમનો 70 ટકા વરસાદ થયો છે. આધારભૂત માહિતી પ્રમાણે, રાજયના કુલ 203 જળાશયોમાં હાલ 2,75,018 એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 49.41 ટકા જેટલો થાય છે. સરદાર સરોવર ડેમમાં 171409 એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના 51.31 ટકા જેટલો થાય છે.

ગુજરાતના વિવિધ પ્રદેશોમાં આવેલા જળાશયોમાં પાણીની સ્થિતિ જોઇએ તો, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમા 33.11૧ ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમા 78.24 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમા 48.06 ટકા, કચ્છના 20 જળાશયોમા 12.59 ટકા અને સૌરાષ્ટ્રના 138 જળાશયોમા 44.52 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 70.29 ટકા જેટલો નોધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં 25.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 38.62 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 63.99 ટકા, સોરાષ્ટ્રમાં 69.02 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 90.85 ટકા જેટલો સરેરાશ વરસ્યો હોવાના અહેવાલો છે.

ખેતીવાડી વિભાગનાં આંકડાઓ મુજબ, રાજ્યમાં કુલ 85.67 લાખ હેક્ટર સરેરાશ વાવેતર વિસ્તારમાં તેમાં 20 ઓગષ્ટનાં સ્થિતિએ 85.95 ટકા વાવેતર થઇ ગયુ છે. રાજ્યમાં ખેડૂતોએ મુખ્યત્વે ડાંગર, બાજરા, મકાઇ, તુવેર, અડદ, મગફળી, સોયાબીન, કપાસ અને શાકભાજીનું વાવેતર કર્યુ છે. કપાસનાં કુલ વાવેતર વિસ્તારની સરખામણીએ આ વર્ષે 103 ટકા વાવેતર થયુ છે જ્યારે મગફળીના કુલ વાવેતર વિસ્તારની સરખામણીમાં 97 ટકા જેટલુ વાવેતર થયુ છે.
First published: August 29, 2018
વધુ વાંચો
अगली ख़बर